મેન્યુફેક્ચરિંગ PMI સપ્ટેમ્બરમાં ઘટીને 3 મહિનાના તળિયે, ઈનપુટ કોસ્ટમાં રાહત
- ઇનપુટ ખર્ચમાં ઓક્ટોબર, 2020 પછીનો સૌથી ધીમો વધારો જોવા મળ્યો
અમદાવાદ, તા. 3 ઓક્ટોબર 2022,સોમવાર
સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં વધારાની અસર ભારતીય અર્થતંત્રમાં પર જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં ભારતની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં ઘટાડો નોંધાયો છે. S&P ગ્લોબલનો પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) ઓગસ્ટમાં 56.2થી ઘટીને 55.1 થયો છે. પીએમઆઈ ઈન્ડેકસ ગત મહિને 3 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે.
સામાન્ય રીતે પીએમઆઈ ઈન્ડેકસનું 50થી ઉપરનું રીડિંગ વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સૂચવે છે, જ્યારે 50થી નીચેનું PMI રીડિંગ ઘટાડો સૂચવે છે.
એસએન્ડપી માર્કેટ ઈન્ટેલિજન્સનાં એસોસિયેટ ડિરેક્ટર ઑફ ઈકોનોમિક્સ પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે અનેક અવરોધો અને મંદીની આશંકા છતા પણ ભારતીય ઉત્પાદન ક્ષેત્ર સારી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બરમાં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં થોડી મંદી જોવા મળી હતી પરંતુ કેટલાક મહત્વના સૂચકાંકો નજીકના ભવિષ્યમાં ઉત્પાદનમાં વધારાનો નિર્દેશ કરે છે.
સપ્ટેમ્બર, 2022 દરમિયાન ઇનપુટ ખર્ચમાં ઓક્ટોબર, 2020 પછીનો સૌથી ધીમો વધારો જોવા મળ્યો હતો અને ઘણી કંપનીઓએ પણ ખરીદી કિંમતમાં કોઈ વધારો નથી નોંધ્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રૂપિયાના ઘસારાને મોંઘવારી અને વ્યાજદરમાં અપેક્ષિત અસરને કારણે ઓક્ટોબર દરમિયાનનું પ્રદર્શન અપેક્ષાઓ અનુસાર ન પણ રહી શકે.
S&P ગ્લોબલે વધુમાં જણાવ્યું હતું કે ખરીદારી ખર્ચ બે વર્ષમાં સૌથી ધીમી ગતિએ વધ્યો છે, જ્યારે આઉટપુટ ચાર્જ ઈન્ફલેશન સાત મહિનાની નીચી સપાટીએ આવ્યો છે. ગત સપ્તાહની જ આરબીઆઈની પોલિસીમાં વ્યાજદરમાં વધારાની સાથે જીડીપી ગ્રોથનું અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યું હતું.