વિશ્વના ઝડપથી ઉભરતા શેરબજારમાં ભારત પ્રથમ ક્રમે, સતત પાંચ ત્રિમાસિકમાં આકર્ષક ઉછાળો
Indian Stock Market cap reaches 5.03 trillion dollar: ભારતીય શેરબજારમાં અવિરિત તેજીના પગલે સેન્સેક્સ અને નિફ્ટી વિશ્વના ઝડપથી ઉભરતા સ્ટોક એક્સચેન્જ બન્યા છે. જૂન ત્રિમાસિકમાં ભારતીય શેરબજારની માર્કેટ કેપ સૌથી વધુ 13.8 ટકા વધી છે. જે ઝડપથી વધતા વિશ્વના ટોપ-10 સ્ટોક એક્સચેન્જીસમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, ભારતનું શેરબજાર સતત પાંચમા ત્રિમાસિકમાં વધ્યું છે. જે હાલ 5.03 લાખ કરોડ ડોલરની વેલ્યૂએશન સાથે વિશ્વના ટોપ-4 સ્ટોક એક્સચેન્જીસમાં સામેલ છે. જેમાં અમેરિકા 56.84 લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ સાથે પ્રથમ ક્રમે છે. જે જૂન ત્રિમાસિકમાં 2.75 ટકા વધ્યું છે. જ્યારે ચીન વિશ્વનું બીજુ સૌથી મોટુ ઈક્વિટી માર્કેટ ધરાવે છે. જો કે, જૂન ત્રિમાસિકમાં તેની માર્કેટ કેપ 5.6 ટકા ઘટી 8.6 લાખ કરોડ ડોલર થઈ છે. જાપાન 6.31 લાખ કરોડ ડોલર સાથે ત્રીજા ક્રમે છે. જેની માર્કેટ કેપ પણ 6.24 ટકા ઘટી છે. આજની માર્કેટ કેપ મુજબ ભારતીય શેરબજાર 5.27 લાખ કરોડ ડોલરે પહોંચ્યું છે.
માર્કેટ કેપમાં ઉછાળાની દ્રષ્ટિએ જૂન ત્રિમાસિકમાં ભારત પ્રથમ
રોકાણકારોની મૂડી 3 માસમાં 46 લાખ કરોડ વધી
જૂન ત્રિમાસિકમાં સેન્સેક્સ 7.13 ટકા (5274.56 પોઈન્ટ) ઉછળ્યો છે. જ્યારે નિફ્ટી 1589.5 પોઈન્ટ (7.08 ટકા) ઉછળ્યો છે. રોકાણકારોની મૂડીમાં પણ 45.57 લાખ કરોડ વધી છે. બીજી બાજુ અમેરિકી સ્ટોક એક્સચેન્જની માર્કેટ વેલ્યૂ જૂન ત્રિમાસિકમાં 3.3 ટકા વધી છે. ફ્રાન્સ, કેનેડા અને સઉદી અરબની માર્કેટ કેપ ક્રમશઃ 7.63 ટકા, 2.7 ટકા અને 8.7 ટકા ઘટી છે.
ગતવર્ષે માર્કેટ કેપ 26.17 ટકા વધી હતી
સ્થાનિક સ્તરે મજબૂત અર્થતંત્ર તેમજ વિદેશી રોકાણ પ્રવાહને પગલે 2023માં ભારતના ઈક્વિટી માર્કેટની વેલ્યૂએશન 26.17 ટકા વધી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ટકાઉ જીડીપી ગ્રોથ જોવા મળ્યો છે. તેમજ મજબૂત કોર્પોરેટ પરિણામો, બેન્કોની બેલેન્સશીટમાં સુધારો, બેડ લોન્સમાં ઘટાડો સહિતના પરિબળોના કારણે ભારતીય શેરબજાર વધ્યું છે.
મીડકેપ અને સ્મોલકેપ શેર્સ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. મીડકેપ જૂન ત્રિમાસિકમાં 7.2 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્ 10.8 ટકા વધ્યું છે. જૂલાઈમાં પણ પોઝિટીવ મોમેન્ટમ જળવાઈ રહેવાની શક્યતા માર્કેટ નિષ્ણાતોએ દર્શાવી છે.