પડતર વધવા છતા સર્વિસ ક્ષેત્રમાં 11 વર્ષનો સૌથી મોટો ઉછાળો
અમદાવાદ,તા.5 જુલાઈ 2022,મંગળવાર
ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં જૂનમાં ઘટાડો થયા બાદ હવે સર્વિસ સેક્ટરના આંકડા એકંદરે રાહતના સમાચાર આપી જાય છે. સર્વિસ સેક્ટરની એક્ટિવિટીએ ગત મહિને વેગ પકડ્યો છે. S&P ગ્લોબલ ઇન્ડિયા સર્વિસિસનો PMI એક્ટિવિટી ઇન્ડેક્સ જૂનમાં વધીને 59.2 થયો હતો, જે મે મહિનામાં 58.9 હતો. સર્વિસ સેક્ટરમાં વધારો છેલ્લા 11 વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ એપ્રિલ 2011માં સેવા પીએમઆઈએ આ લેવલે પહોંચ્યો હતો.
સર્વિસ સેક્ટરમાં સતત 11મા મહિને ઉત્પાદનમાં વધારો થયો છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનાં સંયુક્ત નિર્દેશક પોલિયાના ડી લિમાએ જણાવ્યું હતું કે સર્વિસ સેક્ટરની માંગમાં ફેબ્રુઆરી 2011 પછીનો સૌથી મોટો સુધારો જોવા મળ્યો હતો અને આર્થિક પ્રવૃત્તિમાં વિસ્તરણને કારણે તે મજબૂત બની હતી. આગામી મહિનામાં પણ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાનો આશાવાદ તેમણે રજૂ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર સેવાકીય પ્રવૃત્તિઓમાં આ ઉછાળો કારોબારના વિસ્તરણ અને કંપનીઓની માંગમાં વધારો થવાને આભારી છે. કંપનીઓનું કહેવું છે કે સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે અને આગામી 12 મહિના સુધી સર્વિસ સેક્ટરમાં આ પ્રકારની તેજી જોવા મળી શકે છે. જો કે કિંમતોમાં સતત વધારાને કારણે કંપનીઓનો વિશ્વાસ ઘટી શકે છે. કંપનીઓની ઇનપુટ કોસ્ટ સતત વધી રહી છે અને ફુગાવો પાંચ વર્ષની ટોચે છે. ખર્ચમાં ઐતિહાસિક વધારાને કારણે માંગ અને પુરવઠા પર પણ અસર થવાની ધારણા છે. વિદેશી કંપનીઓ પાસેથી મળેલા ઓર્ડરથી સર્વિસ સેક્ટરને વેગ મળ્યો છે.
9 ટકા કંપનીઓએ વૃદ્ધિની શક્યતા દર્શાવી હતી
મોંઘવારી ભારતના ઉત્પાદન અને સર્વિસ સેક્ટરની સૌથી મોટી ચિંતાનું કારણ બની રહી છે. કંપનીઓ તેમના ભવિષ્ય અંગે શંકાના દાયરામાં આવી રહી છે. માત્ર 9 ટકા કંપનીઓ ભવિષ્યમાં કારોબાર વિસ્તરણની સંભાવનાઓ જોઈ રહી છે, જ્યારે મોટાભાગની કંપનીઓ વધતા ખર્ચને કારણે તેમના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા રાખી રહી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે સર્વિસ PMI 2022-23માં એકંદર વૃદ્ધિ તરફ દોરી જશે. આનું સૌથી મોટું કારણ એ છે કે મધ્યમથી ઉચ્ચ આવક સમૂહના ગ્રાહકો કોરોના મહામારી આવતા બંધ કરેલ કોનટેક્ટ ઈન્સેન્ટીવ સેવાઓ પર હવે ફરી ખર્ચ કરી રહ્યા છે. ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે, તે ધીમે ધીમે ઉપભોક્તા વપરાશમાં સુધારો કરી રહી છે. જોકે, વૈશ્વિક બજાર અને કોમોડિટીના ભાવના દબાણને કારણે તેના પર સંકટ છે.
ઉત્પાદન ક્ષેત્રમાં મંદી :
1 જુલાઈના રોજ આવેલા મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ (PMI) ડેટામાં જૂન મહિનામાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી રહી છે. જૂન મહિનામાં ઈન્ડેકસ માસિક 54.6થી ઘટીને 53.9 પર પહોંચ્યો છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.