સાત ટકાથી વધુનો આર્થિક વિકાસ દર હાંસલ કરવા ભારત સક્ષમ: આરબીઆઈ ગવર્નર
- હાલની વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા ભારત માટે ચિંતાનો મોટો વિષય
મુંબઈ : સાત ટકાથી વધુનો આર્થિક વિકાસ દર હાંસલ કરવા માટે ભારત સક્ષમ છે અને દેશના લોકોએ આ માટે આશા પણ રાખવી જોેઈએ એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષ માટે નાણાં નીતિની અંતિમ દ્વીમાસિક સમીક્ષા બેઠકના અંતે રિઝર્વ બેન્કે આગામી નાણાં વર્ષ માટે દેશનો આર્થિક વિકાસ દર ૬.૭૦ ટકા અને વર્તમાન નાણાં વર્ષ માટે ૬.૪૦ ટકા રહેવાનો અંદાજ મૂકયો છે. જો કે હાલની વૈશ્વિક અનિશ્ચિતતાને ચિંતાના વિષય તરીકે ગણાવી હતી.
મને મારા શબ્દો પકડી રાખવાનું ગમશે અને ભારત સાત ટકા અને તેથી ઊંચો આર્થિક વિકાસ દર સાધી શકે છે. આપણે તે માટે આશા રાખવી જ જોઈએ, એમ નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં ગવર્નરે જણાવ્યું હતું.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલી બજેટ દરખાસ્તો પર બોલતા તેમણે કહ્યું હતું કે, આવકવેરામાં અપાયેલી રાહતથી ફુગાવો નહીં વધે પરંતુ વિકાસને ટેકો મળશે.
આગામી નાણાં વર્ષ માટેનું બજેટ વિકાસ તથા ફુગાવા બન્ને દ્રષ્ટિકોણથી શ્રેષ્ઠ હોવાનું તેમણે ઉમેર્યું હતું. બજેટમાં કૃષિ ક્ષેત્ર પર અપાયેલા ભારથી કઠોળ, તેલીબિયાં તથા અન્ય અનાજનું ઉત્પાદન વધશે જેને પરિણામે ખાધ્ય પદાર્થોનો ફુગાવો નીચો રહેશે.
ભારતીય ચલણ રૂપિયા સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, વિનિમય દરની નીતિ અનેક વર્ષોથી સાતત્ય રહી છે અને રુપિયા સંદર્ભમાં રિઝર્વ બેન્ક કોઈ ચોક્કસ સ્તરનો ટાર્ગટ રાખતી નથી.
રૂપિયાની દૈનિક વધઘટને ધ્યાનમાં લેવાવી ન જોઈએ, પરંતુ લાંબા ગાળાના વિનિમય દર પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ એમ પણ ગવર્નરે વધુમાં જણાવ્યું હતું.
વૈશ્વિક અનિશ્ચિતતા સૌથી મોટી ચિંતા છે. તેને કારણે વિકાસ, ઈન્વેસ્ટમેન્ટ નિર્ણય તથા વપરાશ પર સીધી અસર થાય છે.