Get The App

ભારતે બજેટમાં સાત મિત્ર દેશોનું પણ રાખ્યું ધ્યાન: માલદિવ્સને બમ્પર લાભ, આ દેશ ટોચ પર

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
ભારતે બજેટમાં સાત મિત્ર દેશોનું પણ રાખ્યું ધ્યાન: માલદિવ્સને બમ્પર લાભ, આ દેશ ટોચ પર 1 - image


Union Budget 2025 : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ-2025 રજૂ કરતી વખતે, સાત પડોશી દેશોનું પણ ધ્યાન રાખ્યું છે. બજેટમાં વિદેશ મંત્રાલય દ્વારા વિદેશી દેશોને અપાતી આર્થિક મદદ હેઠળ 5483 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જોકે ગત વર્ષ કરતાં આ ફાળવણીમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 5806 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયનું કુલ બજેટ 20,516 કરોડથી વધુ છે.

ભારત તરફથી આર્થિક સહાય મેળવવામાં ભૂતાન ટોપ પર

ભારત 2025-26માં સૌથી વધુ ભૂતાનને મદદ કરશે. ભૂતાનને આર્થિક સહાય હેઠળ 2150 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ દેશને ગત વર્ષે 2068 કરોડ રૂપિયાની સહાય અપાઈ હતી. ભારત ભુતાનનું મહત્ત્વનો ભાગીદાર છે. આ આર્થિક સહાયનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને આર્થિક સહયોગ માટે કરવામાં આવે છે.

માલદીવનું પણ વધાર્યું બજેટ

ભારત તરફથી માલદીવને કરાતી આર્થિક મદદમાં 200 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે માલદીવને 400 કરોડના બદલે 600 કરોડ રૂપિયાની સહાય અપાશે. ઉલ્લેખનીય છે કે, માલદીવની ચૂંટણીમાં ચીનના સમર્થક મોહમ્મદ મુઈજ્જૂની જીત થયા બાદ તેના ભારત સાથે સંબંધો બગડ્યા હતા.

અફઘાનિસ્તાનને મદદ ઘટાડાઈ

અફઘાનિસ્તાનને ગત વર્ષના બજેટમાં 200 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી હતી, જોકે હવે તેને 2025-26માં 100 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરાશે. બે વર્ષ પહેલા અફઘાનિસ્તાન માટે 207 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી.

આ પણ વાંચો : બે સંપત્તિની માલિકી ધરાવતા લોકોને નિર્મલા સીતારમણે બજેટમાં આપી ગૂડ ન્યૂઝ

મ્યાનમારને ફાળવાયેલા બજેટમાં વધારો

ભારતના પડોશી દેશ મ્યાનમારને વર્ષ 2024-25ના બજેટમાં 250 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરાઈ હતી, જોકે આ વખતે મ્યાનમારને ફાળવાયેલી સહાય 350 કરોડ રૂપિયા કરાઈ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ભારત-મ્યાનમાર સરહદ પર લોકોની અવરજવરના નિયમો કડક બન્યા છે. નવા નિયમ મુજબ બંને તરફથી ફ્રી મૂવમેન્ટ રિજીમ હેઠળ 16 કિલોમીટરથી લઈને 10 કિલોમીટર સુધીની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

નેપાલ-બાંગ્લાદેશની આર્થિક સહાય યથાવત્, શ્રીલંકાની વધારાઈ

ભારતે અન્ય પડોશી દેશ નેપાળને કરાતી આર્થિક સહાય 700 કરોડ રૂપિયા યથાવત્ રાખી છે, જ્યારે આર્થિક મંદીમાંથી બહાર આવી રહેલા શ્રીલંકાની સહાય 245 કરોડ રૂપિયાથી વધારીને 300 કરોડ રૂપિયા કરવામાં આવી છે. ગત વર્ષે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પદ પરથી હટાવી દેવાયા બાદ ભારત-બાંગ્લાદેશ વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે ભારત બાંગ્લાદેશને કરાતી આર્થિક સહાય 120 કરોડ રૂપિયા યથાવત્ રાખી છે.

આ પણ વાંચો : ‘બજેટમાં બિહારને મોટી ભેટ, આંધ્રપ્રદેશની અવગણના’ કોંગ્રેસે નાણામંત્રી પર સાધ્યું નિશાન


Google NewsGoogle News