સર્વિસ સેક્ટર મુદ્દે WTOમાં ભારતની મોટી જીત, ડૉક્ટર-એન્જિનિયર-નર્સ-CAને થશે ફાયદો
ભારત અને દક્ષિણ આફ્રિકાએ સર્વિસ સેક્ટરના સમજૂતી કરારની કેટલીક શરતો પર વાંધો ઉઠાવ્યો હતો
ભારતની વાત માની WTO સર્વિસ સેક્ટરમાં નવા નિયમો ઘડવા તૈયાર, પ્રતિબંધો-શરતોથી રાહત મળશે
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) દ્વારા આયોજીત મંત્રી સંમેલનના એક દિવસ પહેલા જ ભારતની સૌથી મોટી જીત થઈ છે. બેઠક પહેલા જ ડબલ્યુટીઓના સભ્ય દેશો સર્વિસ સેક્ટરના બિઝનેસને સરળ બનાવવાના સમજૂતી કરાર પર સહમત થઈ ગયા છે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ સેક્ટરના કેટલાક નિયમો મામલે વાંધો ઉઠાવતા કરાર અટકી પડ્યો હતો, જોકે હવે બંને દેશોની વાત માની લેવાઈ છે, જેના કારણે કરાર સરળતાથી લાગુ કરી શકાશે.
સર્વિસ સેક્ટર માટે નવા નિયમો ઘડાશે
ડબલ્યુટીઓએ આજે સાંજે જાહેરાત કરતા જણાવ્યું કે, સર્વિસ સેક્ટરના બિઝનેસ સંબંધિત બાકીના મુદ્દાઓને ઉકેલી દેવાયા છે. આ નિર્ણય બાદ સર્વિસ સેક્ટર માટે નવા નિયમો ઘડાશે અને તેમાં વિશ્વના 71 દેશો પણ કરારનો ભાગ બનશે. નવા નિયમોનો અમલ થયા બાદ સૌથી મોટો ફાયદો ભારતને થશે. કારણ કે ભારતના સર્વિસ સેક્ટરનો બિઝનેસ વિશ્વભરના ઘણા દેશોમાં ફેલાયેલો છે. આ ઉપરાંત તેનો લાભ અન્ય ઘણા દેશોને પણ થશે.
ડૉક્ટર, એન્જિનિયર, નર્સ અને સીએને થશે ફાયદો
કરાર પર વિશ્વભરના 71 દેશો સહમત થયા બાદ સર્વિસ સેક્ટરમાં નવા નિયમો ઘડાશે, જેના કારણે ડોક્ટર, એન્જિનિયર, નર્સ અને એકાઉન્ટ જેવા વ્યવસાયિકોને ઘણા લાભ થશે. આ મામલે જ્યારે ડબલ્યુટીઓ દ્વારા નવા નિયમો બનાવાશે, ત્યારે આ વ્યવસાયિકોને કરારનો અમલ કરનારા દેશોમાં ઘણા પ્રકારના પ્રતિબંધો અને શરતોથી રાહત મળશે. આ ઉપરાંત સર્વિસ સેક્ટરના એક્સપોર્ટ અને બિઝનેસના ખર્ચમાં દર મહિને લગભગ 119 અબજ ડૉલરની પણ બચત થશે.
ભારત અને દક્ષિણ આફ્રિકાના કારણે કરાર અટકી પડ્યો હતો
સર્વિસ સેક્ટરના કરારની ઘણી શરતોથી ભારત અને દક્ષિણ આફ્રિકા નારાજ હતા, જેના કારણે તે અટકી પડી હતી. જોકે હવે બંને દેશોની સમસ્યાઓનો ઉકેલ લવાયા બાદ સહમતી સધાઈ ગઈ છે. ડબલ્યૂટીના સભ્યો ભારતનો પક્ષ સામેલ કરવા રાજી થયા બાદ કરારનો લાગુ કરવાનો રસ્તો સરળ થયો છે. ડબલ્યૂટીઓના પ્રમુખ નગોજી ઓકોંજો ઈવેલાએ કરાર પર સહમતી સધાયા બાદ બંને દેશોને ખાસ અભિનંદન પાઠવ્યા છે. સર્વિસ સેક્ટરના નવા નિયમોનો અમલ થયા બાદ ડબલ્યુટીઓ માટે નવી શરૂઆત થશે. આખો સમુહ સમજુતી પર સહમત થઈ ગયો છે.