વિદેશી રોકાણ મામલે ભારત લોકપ્રિય દેશ બન્યો, છેલ્લા એક દાયકામાં FDIમાં 119 ટકાનો વધારો
Image: FreePikAI |
FDI Investments: ભારતીય અર્થતંત્રમાં વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. ખાસ કરીને વર્ષ 2000 બાદથી વિદેશી રોકાણ માટે ભારત લોકપ્રિય સ્થળ બન્યું છે. તેમાં પણ કોવિડ 19 મહામારી બાદ ઘણા ટોચના દેશો ભારતમાં રોકાણ કરવા ડાયવર્ટ થયા છે. 2024માં પ્રથમ છ માસમાં એફડીઆઈ 29 ટકા વધ્યું છે. છેલ્લા 24 વર્ષમાં એફડીઆઈ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ) 1 લાખ કરોડ ડોલર નોંધાયું છે.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભારતમાં એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 દરમિયાન આશરે 85 લાખ કરોડ (1 લાખ કરોડ ડોલર)નું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) નોંધાયું છે. જે વૈશ્વિક સ્તરે સુરક્ષિત અને અગ્રણી રોકાણ સ્થળ તરીકે દેશની લોકપ્રિયતા દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન એફડીઆઈની કુલ રકમ 1,033.40 અબજ ડોલર હતી, જેમાં ઈક્વિટી, રિઈન્વેસ્ટમેન્ટ, અને અન્ય રોકાણો સામેલ છે.
મોરેશિયસમાંથી સૌથી વધુ રોકાણ
DPIIT ડેટા અનુસાર, છેલ્લા 24 વર્ષમાં સૌથી વધુ વિદેશી રોકાણ મોરેશિયસમાંથી આવ્યું છે, જે કુલ એફડીઆઈમાં લગભગ 25 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે સિંગાપોરનો હિસ્સો 24 ટકા છે, અમેરિકાનો હિસ્સો પણ 10 ટકા એફડીઆઈ છે. આ સિવાય નેધરલેન્ડ (7 ટકા), જાપાન (6 ટકા), બ્રિટન (5 ટકા), યુએઈ (3 ટકા) અને કેમેન આઇલેન્ડ, જર્મની અને સાયપ્રસે પણ ભારતમાં એફડીઆઈના હિસ્સામાં યોગદાન આપ્યું છે.
આ પણ વાંચોઃ રોકાણકારોનું માનસ ખરડાતા નવેમ્બરમાં ડીમેટ ખાતામાં ઉમેરો મંદ પડયો
ભારતમાં આ ત્રણ દેશોમાંથી સૌથી વધુ રોકાણ
મોટાભાગનું વિદેશી રોકાણ સર્વિસ સેક્ટર, કોમ્પ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર, કોમ્યુનિકેશન, બિઝનેસ, કંસ્ટ્રક્શન, ઓટોમોબાઈલ, કેમિકલ અને મેડિસિન સેક્ટરમાં નોંધાયું છે.
છેલ્લા 10 વર્ષમાં 67 ટકા રોકાણ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર, 2014થી અત્યારસુધીમાં ભારતમાં કુલ 667.4 અબજ ડોલરનું એફડીઆઈ નોંધાયું છે. જે છેલ્લા એક દાયકાની તુલનાએ 119 ટકા વધુ છે. છેલ્લા એક દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એફડીઆઈ રોકાણ 69 ટકા વધી 165.1 અબજ ડોલર થયું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં એફડીઆઈ રોકાણ 19 ટકા વધ્યું છે.