Get The App

પ્રતિબંધ છતા ભારતે 16 લાખ ટન ઘઉંની નિકાસ કરી

Updated: Jul 4th, 2022


Google NewsGoogle News
પ્રતિબંધ છતા ભારતે 16 લાખ ટન ઘઉંની નિકાસ કરી 1 - image

અમદાવાદ,તા.4 જુલાઈ 2022,સોમવાર

વિશ્વના ટોચના ઘઉંના ઉત્પાદક દેશ ભારતે સ્થાનિક ધોરણે ભાવને કાબૂમાં લેવા માટે અને ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે ઘઉંના નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે તેમ છતા ભારતનો ઘઉંનો નિકાસનો આંકડો હજી પણ ચોંકાવનારો છે.

વાણિજ્ય મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ 13 મે, 2022ના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. જોકે ઘઉંની નિકાસ પર નિયંત્રણો લાદ્યા પછી પણ ભારતે જરૂરિયાતમંદ દેશોમાં ઘઉંની નિકાસ મંજૂતી સાથે ચાલુ જ રાખી છે.

ડીજીએફટીએ નિકાસ પર પ્રતિબંધ પછી 16 લાખ ટન ઘઉંની નિકાસ માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ જારી કર્યા છે. આ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે જે નિકાસકારોની પાસે નિકાસ પ્રતિબંધના આદેશ પહેલાંની તારીખના માન્ય L/C(ઇરવૉકેબલ લેટર્સ ઑફ ક્રેડિટ) હતા, તેમને ઘઉંની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. માન્ય L/C ધરાવતા આવા નિકાસકારોએ તેમના ઘઉંની નિકાસ માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે DGFTના પ્રાદેશિક સત્તાધીશો પાસે નોંધણી કરાવવી જરૂરી છે.

આ સરકારી અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 16 લાખ ટન ઘઉંની નિકાસ માટે RC ઈશ્યુ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે રશિયાએ તુર્કી મારફતે ઘઉંની નિકાસ શરૂ કરી છે જેથી હવે વૈશ્વિક બજારોમાં ઘઉંના ભાવ સ્થિર થવાની અને કાબૂમાં આવવાની ધારણા છે.

પ્રતિબંધ છતા ભારતે 16 લાખ ટન ઘઉંની નિકાસ કરી 2 - image

યુદ્ધ જવાબદાર : 

અત્રે ઉલ્લેખનીય છે કે યુરોપિયન યુનિયનમાં જોડાવવા માટે યુક્રેનની જીદ બાદ રશિયાએ અતિક્રમણ કરતા યુદ્ધ છેડાયું છે. આ બંને દેશો કોમોડિટી અને કુદરતી ગેસની વિશ્વના ટોચના ખેલાડીઓ છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં ઘઉંના પુરવઠાને ભારે અસર થઈ છે. બંને દેશો ઘઉંના મુખ્ય ઉત્પાદકોમાં સામેલ છે. વૈશ્વિક ઘઉંના પુરવઠામાં રશિયા-યુક્રેનનો હિસ્સો લગભગ 25 ટકા છે.

ભારત ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ 

બાંગ્લાદેશ, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત, શ્રીલંકા, યમન, અફઘાનિસ્તાન, કતાર, ઇન્ડોનેશિયા, ઓમાન અને મલેશિયા ગત નાણાકીય વર્ષમાં ભારત પાસેથી ઘઉં ખરીદનારા ટોચના 10 દેશોમાં સામેલ છે. ભારત ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે પરંતુ વૈશ્વિક ઘઉંની નિકાસમાં ભારતનો હિસ્સો 1 ટકાથી ઓછો છે. વર્ષ 2020માં વિશ્વમાં ઘઉંના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 14 ટકા હતો. ભારત વાર્ષિક આશરે 10.75 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન કરે છે.

નાણાંકીય વર્ષ 2021-22માં મૂલ્ય દ્વારા ભારતની ઘઉંની નિકાસ 2.05 અબજ ડોલર રહી હતી. ગત નાણાકીય વર્ષમાં ભારતની કુલ નિકાસમાં બાંગ્લાદેશનો હિસ્સો લગભગ 50 ટકા હતો.


Google NewsGoogle News