દેશમાં નાણાકીય બજારોમાં મહિલા રોકાણકારોની ભાગીદારીમાં વધારો
- મહિલાઓની ભાગીદારી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ વધી
- દિલ્હી-મહારાષ્ટ્ર ટોચ પર, આસામ પાછળ
અમદાવાદ : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં નાણાકીય બજારોમાં મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી છે. સ્ટેટ બેંકના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૨થી મહિલા રોકાણકારોની ભાગીદારી સતત વધી રહી છે. રિપોર્ટ દર્શાવે છે કે રજિસ્ટર્ડ રોકાણકારોમાં મહિલાઓની ભાગીદારી નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧.૩% વધીને ૨૩.૯% થઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૨૨.૬% હતી. આ વૃદ્ધિ માત્ર નાણાકીય સમાવેશ પર ભાર મૂકે છે, બીજીતરફ તે લિંગ સમાનતા તરફ ભારતની પ્રગતિનું પ્રતીક પણ છે.
રિપોર્ટ અનુસાર કેટલાક રાજ્યોમાં નાણાકીય બજારોમાં મહિલા રોકાણકારોની ભાગીદારી રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી વધારે છે. દિલ્હી (૨૯.૮%), મહારાષ્ટ્ર (૨૭.૭%) અને તમિલનાડુ (૨૭.૫%) જેવા મોટા રાજ્યોમાં, આ વર્ષે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ ૨૦૨૫માં મહિલાઓની ભાગીદારી દેશની સરેરાશ ૨૩.૯% કરતાં વધુ રહી છે. જો કે, બિહાર (૧૫.૪%), ઉત્તર પ્રદેશ (૧૮.૨%) અને ઓડિશા (૧૯.૪%) જેવા રાજ્યો ૨૦% કરતા ઓછી મહિલાઓની ભાગીદારી સાથે પાછળ છે. હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢનું પ્રદર્શન સારું છે, જો કે આસામ પાછળ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં મહિલા રોકાણકારોની ભાગીદારીમાં ૩% થી વધુનો વધારો થયો છે. આ સૂચવે છે કે દેશના વિવિધ પ્રદેશોમાં નાણાકીય સાક્ષરતા અને જાગૃતિ વધી રહી છે.
મહિલા રોકાણકારોની ભાગીદારીના મામલામાં આસામ પાછળ છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં મહિલા રોકાણકારોની સંખ્યામાં ૧.૯%નો ઘટાડો થયો છે. કેટલાક રાજ્યોને છોડીને, FY૨૨ની સરખામણીમાં FY૨૫માં મહિલાઓની ભાગીદારી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ વધી છે. દરેક રાજ્યમાં પરિસ્થિતિ બદલાતી હોવા છતાં, સમગ્ર દેશમાં નાણાકીય બજારોમાં એકંદરે મહિલાઓની ભાગીદારી સુધરી રહી છે.
ભારતના નાણાકીય બજારોમાં આ સકારાત્મક પરિવર્તને મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરીને આર્થિક વિકાસમાં તેમની ભાગીદારીને મજબૂત બનાવી છે.