તહેવારો સમયે ખાદ્યતેલોના ભાવમાં વધારો
- માલ ખપતને કારણે ખેડૂતો તેલીબિયાંનો વધુ પાક લેવા પ્રોત્સાહિત થવાની આશા
- કસ્ટમ ડયૂટીમાં વધારો થવાની જોવાયેલી અસર
નવી દિલ્હી, અમદાવાદ : ક્રુડ પામ ઓઈલ તથા રિફાઈન્ડ સન ફલાવર ઓઈલ પરની કસ્ટમ્સ ડયૂટી વધારી અનુક્રમે ૨૦ ટકા અને ૩૫ ટકા કરાતા દેશના ખેડૂતોને તેનો મોટો લાભ મળી રહેશે એમ સરકારી સુત્રો દાવો કરી રહ્યા છે. આ નિર્ણયને કારણે ઘરઆંગણે આયાતી ખાદ્ય તેલોની કિંમતમાં વધારો થશે જેની અસર ઘરઆંગણેના ઉત્પાદનોના ભાવ પર પણ જોવા મળશે. જો કે માલ ખપતને કારણે આગળ જતાં ખેડૂતો તેલીબિયાંનો વધુ પાક લેવા પ્રોત્સાહિત થશે એમ માનવામાં આવે છે. કસ્ટમ ડયુટીમાં વધારાના પગલે આજે અમદાવાદ તેલીબિયા બજારમાં વિવિધ ખાદ્યતેલોમાં તોતિંગ ભાવ વધારા નોંધાયો હતો.ે
ડયૂટીમાં વધારો થવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. ડુંગળી પરના લઘુત્તમ નિકાસ ભાવ દૂર કરવાના અને એકસપોર્ટ ડયૂટી ઘટાડવાના નિર્ણયને કારણે પણ ખેડૂતોને લાભ થશે.
નાણાં મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે ક્રુડ પામ, સોયાબીન તથા સનફલાવર ઓઈલ પરની કસ્ટમ્સ ડયૂટી શૂન્ય પરથી વધારી વીસ ટકા કરાઈ છે. જ્યારે રિફાઈન્ડ પામ, સોયાબીન તથા સનફલાવર ઓઈલ પરની કસ્ટમ્સ ડયૂટી ૧૨.૫૦ ટકા પરથી વધારી ૩૨.૫૦ ટકા કરાઈ છે.
આ ક્રુડ તથા રિફાઈન્ડ ઓઈલ્સ પરની અસરકારક ડયૂટી અનુક્રમે ૫.૫૦ ટકાથી વધી ૨૭.૫૦ ટકા અને ૧૩.૭૫ ટકાથી વધી ૩૫.૭૫ ટકા રહેશે.
દેશમાં મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશમાં આ તેલીબિયાંનું જંગી ઉત્પાદન થતું હોવાથી અહીંના ખેડૂતોને આ જણસાનો સારા ભાવ મળી રહેવાની અપેક્ષા છે, એમ સુત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ આ તેલીબિયાંનુ ઉત્પાદન થતું હોવાથી ત્યાંના ખેડૂતોને પણ લાભ થવાની શકયતા છે. ઊંચી કસ્ટમ્સ ડયૂટીને કારણે ઘરઆંગણેના માલોની માગ વધશે અને સ્પર્ધા સામે ટકી શકશે.જો કે આયાતી માલોની કિંમતમાં તહેવારો ટાંકણે ભાવ વધવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.
માલ ખપતને કારણે ખેડૂતો વિવિધ તેલીબિયાંના પાક લેવા પ્રોત્સાહિત થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
નવેમ્બર ૨૦૨૩થી શરૂ થયેલા વર્તમાન ઓઈલ યરના પ્રથમ દસ મહિનામાં વનસ્પતિ તેલની એકંદર આયાત વાર્ષિક ૧૩૬.૮૦ લાખ ટન્સ રહી હતી.
દરમિયાન ડુંગળી પરના પ્રતિ ટન ૫૫૦ ડોલરના લઘુત્તમ નિકાસ ભાવ દૂર કરાતા દેશના ખેડૂતો હવે નિકાસ બજારમાં સ્પર્ધાત્મક ભાવે કાંદાની નિકાસ કરી શકશે. ડુંગળી પરની કસ્ટમ્સ ડયૂટી ૪૦ ટકા પરથી ઘટાડી ૨૦ ટકા કરાતા તેનાથી પણ ભારતની ડુંગળીની વિદેશમાં માગ વધવાની આશા છે.
વર્તમાન ખરીફ મોસમમાં ડુંગળીના ઉત્પાદનને લઈને કૃષિ મંત્રાલય આશાવાદી છે. ઉત્પાદન ઊંચુ ઉતરવાની ધારણાં રાખવામાં આવી રહી છે એટલું જ નહીં અંદાજે ૩૬ લાખ ટન કાંદાનો સ્ટોકસ જમા પડયો છે.
અમદાવાદમાં ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો
તેલ |
ભાવ વધારો |
- |
(રૃ.માં) |
કપાસીયા ટીન |
૧૫૦ |
રાઈસ બ્રાન |
૧૦૦ |
સોયાબીન ટીન |
૨૦૦ |
પામોલીન ટીન |
૩૦૦ |
વનસ્પતિ ટીન |
૧૭૦ |
સરસીયું |
૭૦ |
સનફ્લાવર ટીન |
૨૨૦ |
મકાઈ તેલ |
૧૦૦ |