ITR Deadline: આવકવેરા રિટર્ન ફાઈલ કરી દેજો, તારીખ લંબાવવામાં નહીં આવે, CBDTએ કરી સ્પષ્ટતા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
income-tax


ITR filing Deadline: આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવામાં આવશે તેવી અપેક્ષા કરદાતાઓ રાખી રહ્યા છે તેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેન રવિ અગ્રવાલે સ્પષ્ટતા કરી છે. આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31મી જુલાઈથી આગળ લંબાવવામાં આવશે જ નહીં. 

રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ

રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે આકારણી વર્ષ 2024-25ના રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. 31મી જુલાઈ સુધીમાં જે કરદાતાઓ રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી જશે તેમણે લેટ પેમેન્ટ ફી ઉપરાંત દંડ પણ ચૂકવવો પડશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 26મી જુલાઈ સુધીમાં દેશમાંથી 5 કરોડ જેટલા કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કરી દીધા છે. 25મી જુલાઈએ એક જ દિવસમાં 28 લાખ કરદાતાઓએ તેમના આવકવેરાના રિટર્ન ફાઈલ કરી દીધા હતા. 

ડેડલાઈન ચૂકી જનારા કરદાતાઓએ લેટ ફી ભરવી પડશે 

26મી જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરી દેનારા કરદાતાઓનો તેમણે આભાર માન્યો હતો. જે કરદાતાઓના રિટર્ન ફાઈલ કરવાના બાકી છે તે કરદાતાઓએ તેમના રિટર્ન નિર્ધારિત તારીખ પહેલા ભરી દેવા જોઈએ. છેલ્લી ઘડીએ રિટર્ન ફાઈલ કરવામાં ધસારો ન થાય તે માટે તેમણે સમયસર રિટર્ન ફાઈલ કરી દેવા જોઈએ. 

આ પણ વાંચો: શેરોમાં 'શ્રીકાર' વર્ષા : Niftyમાં 24861નો રેકોર્ડ

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી જનારા કરદાતાઓએ રુ. 500 લેટ ફી તરીકે ચૂકવવા પડશે. જે કરદાતાઓની કુલ ચોખ્ખી આવક રૂ. 5 લાખથી ઓછી છે તેમણે લેટ ફી તરીકે રૂ. 1 હજાર ચૂકવવા પડશે. તદુપરાંત વેરાની બાકી ચૂકવવાની રકમ પર વર્ષે 12 ટકા અને મહિને એક ટકાના દરે તેમની પાસેથી વેરાની બાકી રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. આવકવેરા ધારાની કલમ 234એ હેઠળ વેરાની બાકી ચૂકવવાની રકમ પર દંડ લેવામાં આવી રહ્યો છે.

ITR Deadline: આવકવેરા રિટર્ન ફાઈલ કરી દેજો, તારીખ લંબાવવામાં નહીં આવે, CBDTએ કરી સ્પષ્ટતા 2 - image



Google NewsGoogle News