બોગસ રિફંડ ક્લેઇમ કરનાર પર પર IT ની ચાંપતી નજર, ટીડીએસની ખોટી ક્રેડિટ માગનારની તવાઈ
IT Department Strict Against False Refund Filing: આવકવેરા ખાતાએ હવે વ્યક્તિગત કરદાતાઓ દ્વારા ખોટા રિફંડના ક્લેઇમ મૂકવામાં આવી રહ્યા છે કે કેમ તેની ચકાસણી કરવા માંડી છે. આવકવેરા ખાતા દ્વારા પદ્ધતિસર ચાલુ કરેલી આ ચકાસણી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર પણ તૈયાર કરી દેવાઈ છે. એક જ ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરીને આવકવેરાના એકથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હોય તો તેવા સંજોગોમાં તે તમામ રિટર્નની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. બીજું, ખોટા ભાડાં ખર્ચ દર્શાવ્યા હશે તો તેનું પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. તેમ જ આવકવેરા ધારાની કલમ 80-G હેઠળ બોગસ ડોનેશન બતાવવામાં આવ્યા હશે કે પછી જરૂર કરતાં વધારે ખર્ચ બતાવવામાં આવ્યા હશે તો તેવા સંજોગોમાં તેમની પણ સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. તેમના રિટર્નની અને તેમની સાથે કનક્ટેડ પાર્ટીઓના રિટર્નની પણ નવેસરથી ચકાસણી કરવામાં આવશે.
ઈન્કમ ટેક્સ રિફંડમાં હાઈ-રિસ્ક કેસ
ડિરેક્ટોરેટ ઓફ આઈ.ટી. સિસ્ટમ્સે તેની માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર પણ જાહેર કરી દીધી છે. તેમાં ઈન્કમ ટેક્સના રિફંડના હાઈ-રિસ્ક કેસ કોને ગણવા તેની વિગતો સમજાવવામાં આવી છે. આકારણી અધિકારીઓને આ એસઓપીની ડિટેઇલ્સ આપી દેવામાં આવી છે. ટીડીએસ ચાર્જ ઓફિસર્સને અને ઈન્વેસ્ટિગેશન વિન્ગના અધિકારીઓને પણ આ વિગતો આપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ મોંઘવારીએ માજા મૂકી, રિટેલ ફુગાવો 5.49 ટકા સાથે નવ માસની ટોચે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
આ રીતે લોકો ટેક્સ ચોરી કરે છે
ઈન્વેસ્ટિગેશન વિન્ગને આપવામાં આવેલી વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે, ભૂતકાળમાં જોવા મળ્યું છે કે, આવકવેરાનું રિટર્ન ફાઇલ કરનારાઓએ ખોટા રિફંડના ક્લેઇમ કર્યાં છે. તેમણે ખોટી રીતે ટીડીએસના ક્રેડિટ માગી હોવાનું જોવા મળ્યું છે. ખોટા ખર્ચાઓ બતાવીને તેમણે ટેક્સ ચોરી કરી હોવાનું પણ જોવા મળ્યું છે. તેમ જ કાયદેસર બાદ મળતી રકમ કરતાં વધુ રકમ આવકમાંથી બાદ મેળવી લીધી હોવાનું પણ જોવા મળ્યું છે. આ સિવાય પોતાની વાસ્તવિક આવક કરતાં ઓછી આવક દર્શાવવામાં આવી હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
આ ગરબડ ગોટાળા કરવા માટે કરદાતાઓએ એક કરતાં વધુ લોકોના સમૂહમાં રિટર્ન ફાઈલ કર્યાં હોવાનું જોવા મળ્યું છે. આ રીતે ફાઈલ કરાતા રિટર્નને આવકવેરા ખાતું હવે શંકાસ્પદ રિટર્ન તરીકે જોવા માંડયું છે. તેને માટે એક જ ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ જોવા મળ્યું છે. આ પ્રકારના રિટર્નની ચકાસણી માટે નોડલ ઓફિસરને મોકલવામાં આવ્યા છે. સેન્ટ્રલ રજિસ્ટ્રી યુનિટના નોડલ ઓફિસરને આ વિશેની માહિતી આપવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરમાં અધિકારીઓને ફાઈલ કરનારાઓથી મુખ્ય વ્યક્તિને અલગ તારવી લેવાની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ ઇન્સાઈટ પોર્ટલ અને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તેમના એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ રતન ટાટાના નિધન બાદ નોએલ સાથે અન્ય એક નામ પણ ચર્ચામાં આવ્યું, જાણો કોણ છે માયા ટાટા?
આ રીતે ઈન્ટરનલ તપાસ કર્યા પછી કરદાતાને નોટિસ પાઠવામાં આવે છે. આવકવેરા ધારાની કલમ 131(1)(એ) હેઠળ નોટિસ આપવામાં આવે છે. આ નોટિસના માધ્યમથી તેમણે વેરા માફીના, આવકમાંથી બાદ ખર્ચ તરીકે બાદ મેળવવાના અને ખર્ચના પુરાવાઓ રજૂ કરવાની સૂચનાઓ કરદાતાને આપવામાં આવી રહી છે.
પ્રામાણિક કરદાતાને નહીં પડે મુશ્કેલી
આ કવાયત કરવા પાછળનો આવકવેરા વિભાગનો ઈરાદો કરદાતાઓને હેરાન કરવાનો નથી. જો તેમના ક્લેઇમ અસલી છે તો તેઓ કેસમાં વધુ તપાસ પડતી મૂકી દે છે. જો ક્લેઇમ અસલી ન હોવાનું જણાય તો તેમના કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.