ઈન્કમ ટેક્સ રિફંડમાં હવે ઢીલ નહીં ચાલે, આવકવેરા વિભાગે ક્લેમની સમયમર્યાદામાં કર્યો ફેરફાર
Income Tax Refund: આવકવેરા ખાતાએ તાજેતરમાં જ એક પરિપત્ર કરીને રિફંડ માટે ક્લેમ મૂકવા માટેની પ્રોસિજર પૂરી કરવા માટેની સમય મર્યાદા છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષની કરી દીધી છે. જે તે નાણાંકીય વર્ષના રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પછીના પાંચ વર્ષ સુધી જૂના રિટર્નના રિફંડ માટે દાવો કરી શકાશે. ત્યારબાદ કરદાતાએ તેમના રિફંડના નાણાં ગુમાવી દેવા પડશે. અત્યાર સુધી જૂના રિફંડ ક્લેમ કરવા માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ જાય તો પણ છ વર્ષ સુધીનો સમય આપવામાં આવતો હતો. રિફંડના જૂના કેસો ઘટાડી દેવા માટે સરકારે સમયમાં ઘટાડો કરતો પરિપત્ર કર્યો છે.
જૂના પેન્ડિંગ કેસોમાં ઘટાડો કરવા લેવાયો નિર્ણય
રિફંડના જૂના પેન્ડિંગ કેસો ઘટાડવા, કરદાતા સમયસર ટેક્સ ભરે અને સમયસર રિફંડ ક્લેમ કરે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે પરિપત્ર જાહેર કર્યો છે. નાણાં મંત્રાલયે બહાર પાડેલા પ્રસ્તુત પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવકવેરા ધારાની કલમ 119(2)(બી) હેઠળ નુકસાની સરભર કે સેટઓફ કરવા માટે કે કેરી ફોરવર્ડ કરવા માટે અથવા તો રિફંડનો ક્લેમ મૂકવા માટે અરજી કરવા માટેની સમય મર્યાદામાં ઘટાડો કર્યો છે. આ સંદર્ભમાં એટલે કે ડિલે કોન્ડોન કરવાના સંદર્ભમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રોને રદ બાતલ કરી દેવામાં આવ્યા છે. રિફંડ ક્લેમ કરવા માટે કરદાતાએ વધુ ચોકસાઈ સાથે વિગતો રજૂ કરવી પડશે. રિફંડ ક્લેમ કરવા માટે હવે છ ને બદલે પાંચ વર્ષનો જ સમય મળશે.
આ પણ વાંચોઃ અદાણી પર ભારતમાં જ સકંજો? માહિતી છુપાવવા બદલ SEBIની કાર્યવાહીની તૈયારી
પાંચ વર્ષ સુધી ક્લેમ નહીં કરો તો...
પરિણામે કરદાતાઓએ રિટર્ન ફાઈલ કરતી વખતે કે ત્યારબાદ તેમના રિફંડ ક્લેમ કરવા નિર્ધારિત સમય મર્યાદામાં તેમના ક્લેમ મૂકી દેવા પડશે. તેમ જ તેને લગતા નિયમોનું ચુસ્ત પાલન પણ કરવું પડશે. ભૂતકાળમાં કરદાતાને રિફંડ ક્લેમ કરવા માટે વધારે સમય આપવામાં આવતો હતો. હવે આવકવેરા ખાતું પણ રિફંડના કેસોનો ભરાવો ઓછો કરવા માગે છે. તેથી રિફંડના ક્લેમ મૂકવાની સમયમર્યાદા ઘટાડીને કરદાતાને માથે વધુ જવાબદારી નાખી છે. કરદાતાએ રિફંડનો ક્લેમ મૂકતી વખતે જ જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરી દેવા પડશે. છેલ્લા પાંચ વર્ષ સુધી પેન્ડિંગ રહેલાં રિફંડ ક્લેમ કરી શકાશે. ત્યારબાદ રિફંડ મળશે નહીં.
રિફંડ માટે જરૂરી દસ્તાવેજો આવકવેરા કચેરીને સુપરત કરી દેવા પડશે. ભવિષ્યમાં પણ કરદાતા જે કોઈ આર્થિક કે નાણાંકીય વહેવાર કરે તો તેને લગતા તમામ દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. તેમ કરવામાં નિષ્ફળ જનાર કરદાતાએ તેમના રિફંડના નાણાં ગુમાવવા પડશે. સરકારે નીતિમાં પ્રસ્તુત ફેરફાર કરીને સરકાર વેરાની આવક વધારવા કટીબદ્ધ હોવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ આવકવેરા કચેરીના કામકાજ પણ વધુ અસરકારક અને પ્રભાવશાળી રીતે થાય તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયને પરિણામે કરદાતા પણ તેમના રિફંડ ક્લેમને લગતા દસ્તાવેજો તૈયાર રાખશે. કરદાતાઓએ પણ તેમનો રેકોર્ડ અપડેટ રાખવો પડશે. કરદાતા તેમના કરવેરા સમયસર જમા કરાવે અને રિફંડ પણ સમયસર મેળવી લે તેવી સરકારની ગણતરી છે. ક્લેમ કેવા સંજોગોમાં રહી ગયો છે અને કેટલી રકમનો ક્લેમ છે તેને ઘ્યાનમાં રાખીને પછી જ ડિલે કોન્ડોન કરવામાં આવશે.