જો 31 મે પહેલાં આ કામ નહીં કરો તો બમણો ટીડીએસ ચૂકવવો પડશે, રિફંડ પણ મળશે નહીં
Adhaar-Pan Link: જો તમે 31 મે પહેલાં તમારો પાન નંબર આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તમારા આવકના સ્રોત પર બમણો ટીડીએસ (TDS) ચૂકવવો પડશે. આવકવેરા વિભાગે તેના કરદાતાઓને રાહત આપતાં 31 મે સુધી પાનને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા મુદત આપી છે. જો નિયત સમય મર્યાદામાં લિંક કરાવવામાં નહિં આવે તો બમણા દરે ટીડીએસ વસૂલવાની ચેતવણી પણ આપી છે.
બમણો ટીડીએસ ચૂકવવો પડશે
આવકવેરા વિભાગના નિયમો અનુસાર, જો પાન કાર્ડ સાથે આધાર નંબર લિંક નથી તો બમણો ટીડીએસ ચૂકવવો પડશે. અને લિંક કરાવનાર કરદાતાઓ વિરૂદ્ધ ઓછા ટીડીએસ કપાત મામલે કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવશે નહિં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સને કરદાતાઓ પાસેથી અનેક ફરિયાદો મળી હતી કે, તેઓને પાન-આધાર લિંક કરાવવા અંગે જાણ જ ન હતી. જેથી આવકવેરા વિભાગે સમયમર્યાદા વધારી રાહત આપી છે.
પાન-આધાર લિંક ન કરાવવા પર હાલાકી
પાન-આધાર લિંક ન કરાવનાર કરદાતાઓ બમણાથી વધુ ટીડીએસ ચૂકવી રહ્યા છે. પ્રોપર્ટી ખરીદનારા 19 ટકા ટીડીએસ ચૂકવી રહ્યા છે. જ્યારે ઘણા બિઝનેસમેનની આવકમાંથી ઉંચા દરે ટીડીએસ કપાઈ રહ્યો છે. આ અંગે સીબીડીટીને અનેક ફરિયાદો અને લિંક માટે સમય આપવા અરજીઓ મળી હતી.
19-20 ટકા ટીડીએસ ચૂકવવો પડશે
ટેક્સ એક્સપર્ટ ઓસ્તવાલે જણાવ્યું હતું કે, જે લોકો 30 જૂન, 2023 સુધી પોતાનો પાન નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યો ન હતો. તેઓના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ચૂક્યા છે. તેમજ તેમના હાઉસ રેન્ટ પણ વધી ગયા છે. પરિણામે ટીડીએસ બમણો થઈ 19-20 ટકા થયો છે. વધુમાં આવકવેરા વિભાગે તેમને પેનલ્ટી પણ ફટકારી છે.
રિફંડ મળશે નહિં
જે લોકોનો પાન નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી, તેઓને અનેક કારણોસર ટીડીએસ રિફંડ મળતું નથી. તેમજ ટેક્સ રિફંડ પર વ્યાજ પણ ઓછું મળે છે. જેથી આઈટીઆર રિટર્ન ફાઈલ કરવાની સાઈટ પર જઈ પાન-આધાર લિંક થયા છે કે નહિં, તેની ખાતરી કરવી જરૂરી છે.
કરદાતાઓએ કરી ફરિયાદ
ઈનકમ ટેક્સ એક્સપર્ટ રાજેશ વ્યાસે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગે ટીડીએસ, ટીસીએસ કપાત અંગે કરદાતાઓની સાથે મોટા-મોટા બિઝનેસમેનને આધાર-પાન લિંક કરવા સમય આપતાં મોટી રાહત આપી છે. અગાઉની સમય મર્યાદામાં લિંક ન કરાવવા બદલ તેઓને વિવિધ નોટિસ તેમજ પેનલ્ટી ફટકારવામાં આવી હતી. જેથી કરદાતાઓની વધુ સમય આપવાની માગ સાથે વિભાગે યુટિલિટી પ્રોવાઈડ કરવા નિર્ણય લીધો છે. આ સમય મર્યાદા હેઠળ લિંક કરાવનારને પાઠવવામાં આવેલી નોટિસ પર આવકવેરા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાશે નહિં.