Income Tax: HRA ક્લેમ વિશે ખોટી માહિતી આપનારા વિરૂદ્ધ કાર્યવાહી થશે? જાણો શું કહે છે CBDT
False HRA Enquiry: ઘણી વખત કરદાતાઓ ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરતી વખતે ટેક્સ બચાવવા માટે એચઆરએ અર્થાત હાઉસ રેન્ટ એલાઉન્સ સાથે સંકળાયેલી વિગતો ખોટી આપતા હોય છે. આવા કિસ્સાને ધ્યાનમાં લેતાં ઘણા રિપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે કે, એચઆરએ ક્લેમનો ઘણા લોકો દુરૂપયોગ કરતાં હોય છે.
આ છેતરપિંડી અટકાવવા માટે આવકવેરા વિભાગ દ્વારા કેસો ફરી શરૂ કરી તપાસ હાથ ધરવા અહેવાલો પર વિભાગે સ્પષ્ટતા કરી છે કે, તે આ પ્રકારના કિસ્સામાં કોઈ ખાસ અભિયાન ચલાવી રહી નથી, તેણે કરદાતાઓને સ્વૈચ્છિક ધોરણે જ પોતાની ભૂલો સ્વીકારી સુધારવાની તક આપી છે.
આવકવેરા વિભાગે X પર આ સંદર્ભે વિગતો જારી કરતાં સ્પષ્ટતા કરી હતી. જે મુજબ, એચઆરએ ક્લેમ માટે કોઈ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી નથી. તેમજ વિભાગ દ્વારા મોટાપાયે આવા કેસો વિરૂદ્ધ તપાસ હાથ ધરી હોવાના અહેવાલોને ખોટા ઠેરવ્યા છે. સોશિયલ મીડિયા, અને અમુક મીડિયામાં અહેવાલો આવ્યા હતા કે, CBDTએ ખોટુ એચઆરએ દર્શાવનારા વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. જેને કરચોરીનો કેસ ગણી આ મુદ્દે કેસો પર ફરી તપાસ હાથ ધરી છે.
એચઆરએ શું છે?
હાઉસ રેન્ટ એલાઉન્સ એ પગારની આવકનો એક ભાગ છે. જેને ટેક્સ હેઠળ આવરી લેવામાં આવે છે. આવકવેરો ભરતા કરદાતાઓ ટેક્સ ફાઈલ કરતી વખતે એચઆરએ માટે કર માફીનો દાવો કરતા હોય છે. જેમાં તેઓ ભાડાની રસિદ પ્રુફ તરીકે રજૂ કરી ભાડાની સવલતો માટે કર માફીનો દાવો કરે છે. એચઆરએ આવકવેરા અધિનિયમની કલમ 10ની પેટા કલમ 13એ હેઠળ કર માફ છે. જો કે, નવા ટેક્સ રીજીમમાં આ લાભ ઉપલબ્ધ નથી.
આવકવેરા વિભાગે 2020-21 માટે ફાઈલ ઈનકમ ટેક્સના ડેટાનું એનાલિસિસ કર્યુ હતું. અને તેમાં આ એચઆરએની છેતરપિંડી કરનારા કેસો વિરૂદ્ધ ફરી તપાસ હાથ ધરવાના અહેવાલો પાયા વિહોણા કહ્યા છે.
વિભાગે વધુમાં નોંધ્યું હતું કે, અમુક કેસો પર વેરિફિકેશન ડ્રાઈવ હાથ ધરી હતી. એચઆરએ ક્લેમના ઈ-વેરિફિકેશન પાછળનો મુખ્ય ઉદ્દેશ 2020-21 માટેની માહિતી અન્યને અસર કર્યા વિના મિસમેચ ન થાય તેના માટે હતો.