ITR માટે જરૂરી ગણતરી કરવા ટેક્સ કેલક્યુલેટરની મદદથી સચોટ રિટર્ન ફાઈલ કરો
ITR Filling: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે સૌથી મુશ્કેલ કામ આવક-જાવકની ગણતરી છે. જેમાં ઘણી વખત ભૂલોભરેલી ગણતરીના કારણે ખોટુ ટેક્સ રિટર્ન ફાઈલ થઈ જાય છે. વધુમાં કઈ ટેક્સ રિજીમ (પદ્ધતિ)માં વધુ લાભ થઈ શકે છે, તેની પસંદગી કરવામા પણ અસમંજસ સર્જાય છે. આ મુશ્કેલીઓ ખાસ કરીને પ્રથમ વખત આઈટીઆર ફાઈલ કરનારાઓને નડતી હોય છે. જેના ઉકેલો માટે ટેક્સ વિભાગે એક સુવિધા રજૂ કરી છે.
ટેક્સ વિભાગનું ટેક્સ કેલક્યુલેટર
ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા ફેબ્રુઆરી, 2023માં ટેક્સ કેલક્યુલેટરની સુવિધા શરૂ કરી હતી. આ સુવિધા કરદાતાઓને ટેક્સ માટે જરૂરી આવક-જાવકની ગણતરી કરવાની સુવિધા આપે છે. આ સુવિધા કરદાતાઓને નવી રિજીમમાં ટેક્સ ફાઈલ કરવો કે જૂની (Old and New Tax Regime) તેની પસંદગી કરવા સક્ષમ બનાવે છે. ઓનલાઈન ટેક્સ કેલક્યુલેટરના અંદાજિત ટેક્સ લાયબિલિટીના આંકડા રજૂ કરતાં આ સોલ્યુશન ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે એક ટૂલ સ્વરૂપે કામ કરે છે.
આ ટૂલ કેવી રીતે કામ કરે છે?
ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા જારી આ ટેક્સ કેલક્યુલેટર ટૂલમાં કરદાતાઓને આવક, કપાત અને ટેક્સ ક્રેડિટ્સની ગણતરી કરી આપે છે. જેનાથી બાકી ટેક્સ અને સંભવિત રિફંડનું આંકલન કરવામાં મદદ મળે છે. જે ટેક્સ ફાઈલિંગને સરળ બનાવી કરદાતાને અગાઉથી જ રિફંડ અંગે માહિતી પ્રદાન કરે છે.
આ રીતે કરો ઉપયોગ
સૌથી પહેલા ઈનકમ ટેક્સની સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/income-tax-calculator પર લોગ ઈન કરો. જેમાં ક્વિક લિંક્સમાં ઈનકમ એન્ડ ટેક્સ કેલક્યુલેટર પર ક્લિક કરો.
જેમાં બે વિકલ્પ આવશે બેઝિક કેલક્યુલેટર અને એડવાન્સ કેલક્યુલેટર. બેઝિક કેલક્યુલેટર ટેબમાં એસેસમેન્ટ યર, ટેક્સપેયર કેટેગરી, એજ, રેસિડેન્શિયલ સ્ટેટસ, ટોટલ એન્યુઅલ ઈનકમ, તથા ટોટલ ડિડક્શન જેવી માહિતી આપો.
વ્યુ કમ્પેરિઝન પર ક્લિક કરી તમે જૂની કે નવી ટેક્સ રિજીમની સરખામણી કરતી વિગતો મેળવી શકશો.
એડવાન્સ ટેક્સ કેલક્યુલેટરમાં તમે ટેક્સ પદ્ધતિ, એસેસમેન્ટ યર, વય, રેસિડેન્શિયલ સ્ટેટસ, રિટર્ન ફાઈલ કરવાની તારીખ જેવી વિગતો ભરી આ માહિતી રજૂ કરવાની રહેશે
- મુખ્ય આવકો અંતર્ગત આવક
- હાઉસ પ્રોપર્ટી અંતર્ગત આવક
- કેપિટલ ગેઈનની આવક
- બિઝનેસ-પ્રોફેશન અને અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક
- બાદમાં પીપીએફ, એલઆઈસી હાઉસિંગ લોન, એનપીએસ મેડિક્લેમ, ઉચ્ચ અભ્યાસ માટે લોન સહિતના વિવિધ ડિડક્શનની વિગતો ભરી ટેક્સેબલ આવકનો અંદાજ મેળવી શકો છો.