Get The App

મહિલાઓ આ 4 વિકલ્પો અપનાવી ટેક્સમાં બચત અને સુરક્ષિત રિટર્ન મેળવી શકે, જાણો કેવી રીતે

Updated: May 28th, 2024


Google NewsGoogle News
મહિલાઓ આ 4 વિકલ્પો અપનાવી ટેક્સમાં બચત અને સુરક્ષિત રિટર્ન મેળવી શકે, જાણો કેવી રીતે 1 - image


Investment For Women: ઈનકમ ટેક્સ ફાઈલિંગ કરવાની પ્રક્રિયા 31 જુલાઈ સુધી જારી રહેવાની છે. જેને અડચણમુક્ત અને તણાવમુક્ત બનાવવા તમારે નાણાકીય વર્ષની શરૂઆતથી જ રોકાણ આયોજનો અને ટેક્સ બચતનો લાભ આપતી સ્કીમ્સને ધ્યાનમાં લેવી આવશ્યક છે. સામાન્ય માન્યતા છે કે, રોકાણ એ માત્ર પુરૂષો સુધી સીમિત છે. પરંતુ વાસ્તવમાં મહિલાઓ પણ વિવિધ રોકાણ આયોજનો કરી ટેક્સ બચતનો લાભ લઈ શકે છે. જેના માટે આયોજનો નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાંથી જ કરવા અનુકૂળ છે. જો કે, ન કર્યા હોય તો હવે અમલમાં મૂકી નાણાકીય વર્ષ 2024-25ના ટેક્સમાં બચત કરી શકો છો.

તમામ મહિલાઓ રિટર્ન ફાઈલ કરી શકે છે

બિઝનેસ અને નોકરી કરતી મહિલાઓ માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવુ જરૂરી છે. પણ સાથે સાથે ઘર સંભાળતી મહિલા જો કોઈપણ સ્રોતમાંથી આવક મેળવતી હોય તો તેણે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવુ જોઈએ. ભવિષ્યમાં સંયુક્ત લોન, કે વિદેશ જવાની યોજના હોય તો રિટર્ન ફાઈલ કરવુ જરૂરી છે.  વ્યાજની આવક, ડિવિડન્ડ, ટ્યુશન્સ, સહિત વિવિધ માધ્યમોમાંથી આવકો દર્શાવવી જોઈએ. જૂની કર પદ્ધતિમાં રૂ. 250000 સુધી અને નવી કર પદ્ધતિમાં રૂ. 300000 સુધીનો કર માફ છે.

FY24 માટે લાગૂ ઈનકમ ટેક્સ સ્લેબ

કર બચત માટે વિવિધ સ્કીમોમાં રોકાણ કરતી પહેલા તેમાં મહિલાએ કયા ટેક્સ સ્લેબમાં રિટર્ન ફાઈલ કરવાનું છે, તેની વિગતો મેળવવી જોઈએ. નવી રિજીમમાં મહિલાઓ માટે રૂ. 3 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે. બાદમાં જુદી-જુદી આવક મર્યાદામાં ટેક્સનો સ્લેબ જુદો જુદો છે. મહિલાઓએ પોતાની આવક  અને ખર્ચનો અંદાજ કાઢી રોકાણ તથા બચતનું આયોજન કરવુ જોઈએ. અહીં કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે. જેની મદદથી તમે ટેક્સમાં બચત કરી શકો છો. 

મહિલાઓ માટે ઉપલબ્ધ અસરકારક ટેક્સ સેવિંગ વિકલ્પો

સુકન્યા સમૃદ્ધિ યોજના SSY: 

આ એક સરકાર દ્વારા સમર્થિત બચત યોજના છે જે ખાસ કરીને છોકરી માટે બનાવવામાં આવી છે, જે માતા-પિતાને તેમની પુત્રીના શિક્ષણ અને લગ્ન ખર્ચ માટે બચત કરવા પ્રોત્સાહિત કરે છે. SSY EEE (exempt, exempt, exempt) કર શ્રેણી હેઠળ આવે છે. આનો અર્થ એ છે કે તમારે રોકાણ, કમાણી અથવા ઉપાડ પર કર ચૂકવવો પડશે નહીં.

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 10 (11A) હેઠળ કર મુક્તિ પ્રદાન કરવામાં આવી છે અને SSY યોજનામાં કરાયેલા રોકાણો કલમ 80C હેઠળ કપાત માટે પાત્ર છે, જેની મહત્તમ મર્યાદા ₹1.5 લાખ છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સઃ

પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ એક નિશ્ચિત આવક રોકાણ યોજના છે. તમે ₹1000ની ન્યૂનતમ ડિપોઝિટ સાથે શરૂઆત કરી શકો છો, અને હાલમાં, આ યોજના 7.7%નું ગેરેંટેડ રિટર્ન આપે છે. IT એક્ટની કલમ 80C હેઠળ, તમે ₹1.5 લાખની મહત્તમ મર્યાદા સાથે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ચૂકવેલ અથવા જમા કરવામાં આવેલી કોઈપણ રકમ પર કપાતનો દાવો કરી શકો છો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF):

લાંબા ગાળાનુ રોકાણ કરવા માંગતા લોકો માટે PPF આદર્શ છે. તમે ઓછામાં ઓછી ₹500ની ડિપોઝિટ સાથે PPF ખાતું ખોલી શકો છો અને મહત્તમ વાર્ષિક યોગદાન ₹1.5 લાખ છે. PPF આકર્ષક વ્યાજ દરો અને કર લાભો સાથે સમય જતાં નોંધપાત્ર ફંડ ઊભું કરવાની એક સુરક્ષિત રીત પ્રદાન કરે છે.

વીમોઃ

મહિલાઓ પોતાના માટે, તેમના જીવનસાથી અથવા તેમના બાળક માટે લેવામાં આવેલી જીવન વીમા પૉલિસી પર પણ કર લાભ મેળવી શકે છે. જોકે, કપાત સામાન્ય વ્યક્તિ માટે વીમાની રકમના 10% અને આવકવેરા અધિનિયમની કલમ 80U હેઠળ અમુક ચોક્કસ બિમારી ધરાવતી વ્યક્તિ માટે 15%થી વધુ નથી. આ વીમાને માત્ર એક રક્ષણાત્મક માપ જ નહીં પણ સ્માર્ટ ટેક્સ-બચત સાધન તરીકે અપનાવી શકો છો.

(નોંધઃ અહીં આપવામાં આવેલી વિગતો માત્ર માહિતી માટે જ છે. રોકાણ માટે સલાહ આપતી નથી. રોકાણ અંગે નિર્ણયો લેતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)

  મહિલાઓ આ 4 વિકલ્પો અપનાવી ટેક્સમાં બચત અને સુરક્ષિત રિટર્ન મેળવી શકે, જાણો કેવી રીતે 2 - image





Google NewsGoogle News