શું ભારતે રશિયાને ક્રૂડ ઓઈલ માટે પ્રતિ બેરલ 20 ડૉલર વધુ ચૂકવ્યાં? રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો
ઓક્ટોબરમાં ભારત તરફથી રશિયાએ પ્રતિ બેરલ 84.20 ડૉલરની ચૂકવણી કરવામાં આવી
રશિયા પર છે મોટો પ્રતિબંધ, તે 60 ડૉલર પ્રતિ બેરલની કિંમત કરતાં વધુ રકમ પર ન વેચી શકે
image : Envato |
Crude Oil News | ઓક્ટોબર મહિનામાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી માટે ભારતે 84.20 ડૉલર પ્રતિ બેરલની કિંમત પર ચૂકવણી કરી હોવાનો ખુલાસો થયો છે. આ રકમ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર મૂકાયેલા પ્રતિબંધથી 20 ડૉલર જેટલી વધુ થાય છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં સાત જેટલાં પશ્ચિમી દેશોએ રશિયાના યુક્રેન પર આક્રમણના પગલે રશિયા પર પ્રતિબંધ મૂકી દીધો હતો કે તે 60 ડૉલર પ્રતિ બેરલની કિંમત કરતાં વધુ રકમ પર તેના ક્રૂડ ઓઈલનું વેચાણ નહીં કરી શકે.
ભારત સૌથી મોટો આયાત કરનાર દેશ
અહેવાલ અનુસાર રશિયા પાસેથી ઓઈલની આયાત કરવામાં ભારત સૌથી આગળ છે અને તે પશ્ચિમી દેશો દ્વારા લાગુ મર્યાદાથી પણ વધુ ચૂકવણી કરી રહ્યો છે. ભારતે સપ્ટેમ્બર મહિનામાં રશિયાએ પ્રતિ બેરલની ખરીદી માટે 81.24 ડૉલરની ચૂકવણી કરી હતી અને ઓક્ટોબરમાં તેણે ક્રૂડ ઓઈલની ખરીદી માટે પ્રતિ બેરલ 84.20 ડૉલરની ચૂકવણી કરી હતી.
પશ્ચિમી દેશોએ રશિયા પર મૂક્યો છે પ્રતિબંધ
અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોએ ગત વર્ષે ડિસેમ્બરમાં રશિયાને ઓઈલથી થતી આવકમાં ઘટાડો કરવા માટે રશિયાના ઓઈલની ખરીદી પર એક કિંમત મર્યાદા લાગુ કરી દીધી હતી જે હેઠળ રશિયા તેના ઓઈલને 60 ડૉલર પ્રતિ બેરલથી વધુ કિંમત પર નહીં વેચી શકે. આ પ્રાઈઝ કેપને કારણે ઓઈલ બજારમાં ઓઈલના સપ્લાયને જાળવી રાખતાં રશિયાને મોટું નુકસાન થયું હતું.
ભારત માટે રશિયા સૌથી મોટો નિકાસકાર
2023-24ના નાણાકીય વર્ષમાં ભારતને તેની જરૂરિયાતનો 40 ટકા ક્રૂડ ઓઈલનો હિસ્સો રશિયાએ પૂરો પાડ્યો હતો. ઓક્ટોબરમાં ઈરાક અને સાઉદી અરબ આ મામલે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. જેમણે અનુક્રમે 85.75 અને 98.77 ડૉલર પ્રતિ બેરલની કિંમતે ભારતને ક્રૂડ ઓઈલ સપ્લાય કર્યો હતો. જોકે જ્યારે વિશ્વભરમાં ઓઈલ માર્કેટમાં ભડકો થઈ રહ્યો હતો ત્યારે રશિયા ભારત માટે ક્રૂડ ઓઈલ મામલે ફાયદાનો સોદો સાબિત થયો હતો. ભારત સરકારે પોતાના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે આ અમારી ફરજ છે કે અમને જ્યાંથી સંભવિત ફાયદો થતો હોય અમે તેનો લાભ ઊઠાવીએ.