જાન્યુઆરીમાં દેશમાં ક્રુડ તેલનો પ્રતિ દિન આયાત આંક વિક્રમી સપાટીએ રહ્યો
- રાતા સમુદ્રની કટોકટીથી ડિસેમ્બરમાં ડિલિવરી ઢીલમાં
મુંબઈ : ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વધારો થતાં જાન્યુઆરીમાં દેશની ક્રુડ તેલ આયાત નવી વિક્રમી સપાટીએ રહી હતી. માગમાં વધારો થતાં આયાતમાં વૃદ્ધિ જોવા મળી છે. રાતા સમુદ્રની કટોકટીને પરિણામે ડિસેમ્બરમાં અમેરિકા ખાતેથી કારગોની ડિલિવરી ઢીલમાં પડી હતી.
જાન્યુઆરીમાં ભારતની ક્રુડ તેલની પ્રતિ દિન આયાત ૫૨.૪૦ લાખ બેરલ રહી હતી જે ડિસેમ્બરની સરખામણીએ ૧૭ ટકા વધુ હતી અને વાર્ષિક ધોરણે ૩.૫૦ ટકા ઊંચી હતી.
આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૮માં દેશની ક્રુડ તેલની પ્રતિ દિન આયાતનો આંક ૫૧ લાખ બેરલ વિક્રમી રહ્યો હતો.
અમેરિકા તથા લેટિન અમેરિકા ખાતેથી આવતા ઓઈલ કારગો રાતા સમુદ્ર કટોકટીને કારણે ડિસેમ્બરમાં ઢીલમાં પડયા હતા. ડિસેમ્બરમાં આવનારા કારગો જાન્યુઆરીમાં આવ્યા હોવાનું સ્થાનિક રિફાઈનરીના સુત્રોએ જણાવ્યું હતું. ડિસેમ્બરમાં મંદ પડયા બાદ રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલ આયાતમાં ફરી વધારો જોવા મળ્યો હતો.
દેશના વધી રહેલા આર્થિક વિકાસ દરને ધ્યાનમાં રાખતા આવનારા મહિનાઓમાં ક્રુડ તેલની આયાત વધવાની શકયતા જોવાઈ રહી છે.