Get The App

F&Oના તમામ શેરોમાં જાન્યુ. 2023થી T+1 સેટલમેન્ટ અમલી

- બે બેચમાં ડિસેમ્બર ૨૦૨૨ અને જાન્યુઆરી ૨૦૨૩ના બદલે હવે સિંગલ બેચ જાન્યુઆરી ૨૦૨૩માં તમામ શેરો શિફ્ટ કરાશે

Updated: Nov 23rd, 2022


Google NewsGoogle News
F&Oના તમામ શેરોમાં જાન્યુ. 2023થી T+1 સેટલમેન્ટ અમલી 1 - image


મુંબઈ : શેર બજારોમાં સેટલમેન્ટ સાઈકલને ઝડપી અને ટૂંકું બનાવવાના મૂડી બજાર નિયામક તંત્ર સેબી અને શેર બજારોના નક્કી કરાયેલા સમય માળખા મુજબ હવે જાન્યુઆરી ૨૦૨૩થી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)ના તમામ શેરોમાં ટી પ્લસ વન એટલે કે ટ્રેડ પ્લસ વન સેટલમેન્ટ અમલી બનશે.

બીએસઈ, એનએસઈ અને એમએસઈ સહિતના માર્કેટ ઈન્ટરમીડિયરીઝ ઈન્સ્ટીટયુશન્સ(એમઆઈઆઈ) દ્વારા એક સંયુકત નિવેદનમાં જણાવાયું છે કે, કાર્યકારી સક્ષમતા વધારવા અને બજાર સહભાગીઓ-માર્કેટ પાર્ટિસિપન્ટસ માટે સરળતા માટે હવે ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસમાં જે શેરો ઉપલબ્ધ છે એ તમામ શેરોને એકસાથે જાન્યુઆરી ૨૦૨૩થી ટી પ્લસ સેટલમેન્ટમાં શિફ્ટ કરાશે.

જેથી હવે બે અલગ અલગ બેચીઝના બદલે સિંગલ બેચમાં જ આ તમામ એફ એન્ડ ઓ શેરોને ટી પ્લસ વન સેટલમેન્ટમાં શિફ્ટ કરાશે. ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ હેઠળ રોકાણકારોએ તેમના નાણા અથવા શેરોની ૨૪ કલાકમાં જ ડિલિવરી કરવાની રહેશે.

અગાઉ એફ એન્ડ ઓના શેરોને બે બેચ એટલે કે ડિસેમ્બર ૨૦૨૨ અને જાન્યુઆરી ૨૦૨૩માં ટી પ્લસ વન સેટલમેન્ટમાં શિફ્ટ કરાનાર હતા. ટી પ્લસ વનના પ્રથમ તબક્કામાં ચાલુ વર્ષના જાન્યુઆરીમાં એનએસઈ પર ઓછામાં ઓછું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતા ૧૦૦ શેરોને નવા સેટલમેન્ટ સાઈકલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ માર્ચ ૨૦૨૨થી એ પછીના માર્કેટ કેપ ધરાવતા ૫૦૦ શેરોને ટી પ્લસ વન સેટલમેન્ટમાં શિફટ કરાયા હતા. જ્યારે જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં દર મહિને એ પછીના ક્રમાંકિત શેરોને શિફ્ટ કરનાર હતા. 

આ મુજબ શેર બજારો દ્વારા તેમના ટી પ્લસ વન સેટલમેન્ટમાં શિફટીંગના મૂળ શિડયુઅલ-માળખામાં ફેરફાર કરાશે અને ડિસેમ્બર ૨૦૨૨ અને જાન્યુઆરી ૨૦૨૩થી આ નવા સેટલમેન્ટ સાઈકલમાં શિફ્ટ થનારા શેરોની યાદીની માહિતી આપતો સર્કયુલર જારી થનાર હતો. ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૦૩માં સેબીએ સેટલમેન્ટ સાઈકલ ટી પ્લસ થ્રી થી ઘટાડીને ટી પ્લસ ટુ દાખલ કર્યું હતું.


Google NewsGoogle News