ભારતના ધનિકોએ 2023માં દેશની બહાર 20 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, આ દેશો છે પહેલી પસંદ
ભારતમાં છેલ્લા દસ વર્ષમાં ગરીબો ગરીબ થઈ રહ્યા છે અને અમીરો અમીર એવા અહેવાલો નિરંતર પ્રકાશિત થયા છે. આ સ્થિતિમાં એક નવો અભ્યાસ આવ્યો છે. આ અહેવાલ અનુસાર ધનપતિઓએ પોતાની ૨૩૫ અબજ ડોલર કે રૂ.૧૯.૭૪ લાખ કરોડની સંપત્તિ વધારે વ્યાપક બને, વધારે વળતર આપે એ માટે ૨૦૨૩ના વર્ષમાં સિંગાપોર અને હોંગકોંગમાં મોકલી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સૌથી મહત્વની વાત છે કે ૨૦૧૯થી ૨૦૨૩ વચ્ચે ૮.૩૪ લાખ ભારતીયોએ દેશની નાગરિકતા છોડી અન્યત્ર વસવાટ કરવાનું પસંદ હોવાનું સરકારે લોકસભામાં સ્વીકાર્યું છે. એટલે એક તરફ ભારતીયો નાગરિકતા છોડી રહ્યા છે અને બીજી બાજુ ધનિકો પોતાની સંપત્તિ વધારે વળતર આપે એટલે અન્ય દેશોમાં રોકાણ કરવા માટે પણ મોકલી રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતીયોની સંપત્તિ અને નાગરીકો બન્ને દેશની બહાર જઈ રહ્યા છે.
રોકાણ કરવા ફેમિલી ઓફિસ સહારો
વિશ્વની અગ્રણી રીસર્ચ સંસ્થા મેકરન્સી એન્ડ કંપનીના રિપોર્ટ અનુસાર દુનિયાના સૌથી વધુ સંપત્તિ ધરાવતા લોકો વધુને વધુ સિંગાપોર અને હોંગકોંગ તરફ રોકાણ માટે નજર દોડાવી રહ્યા છે અને તેમાં ભારતીયો પણ બાકાત નથી. ટેક્સના નજીવા દર, નાગરિક બનવાની સરળ શરતો અને રોકાણ અંગેની માહિતી ખાનગી રહે એવા ત્રિવિધ ઉદ્દેશથી રોકાણકારો આ ટચૂકડા દેશોમાં લાઈન લગાવી રહ્યા છે. આ રીતે રોકાણ કરવા માટે તેઓ ફેમિલી ઓફિસ વ્યવસ્થાનો સહારો લઈ રહ્યા છે.
ફેમિલી ઓફિસ એટલે એવી વ્યવસ્થા જેમાં એક ખાનગી કંપની સ્થાપવામાં આવે છે. આ કંપની ઇન્વેસ્ટમેન્ટ અને વેલ્થ મેનેજમેન્ટ માટે કાર્ય કરે છે જેમની પાસે પાંચ કરોડ કે ૧૦ કરોડ ડોલર (રૂ.૪૦૦ કરોડથી રૂ.૮૦૦ કરોડ) જેટલી સંપત્તિ હોય તેમને જ આ રીતે ખાનગી કંપની ખોલવાની પરવાનગી મળે છે. સિંગાપોરમાં લગભગ ૧૧,૦૦૦ જેટલી ફેમિલી ઓફિસ આવેલી છે અને હજી ૨૦૦ જેટલી અરજીઓ મંજૂરીની રાહમાં હોવાનું સિંગાપોર મોનેટરી ઓથોરિટીના આંકડા જણાવે છે. ૨૦૨૩માં વિશ્વમાંથી ૩૨૦૦ અને ૨૦૨૨માં ૨૮૦૦ ધનીકોએ સિંગાપોરની નાગરિકતા સ્વીકારી હતી. જોકે, આ આંકડા બધા માત્ર ભારતીયોના નથી આ વિશ્વભરના નાગરીકોએ સિંગાપોરમાં કરેલા રોકાણ અને ખોલેલી ફેમીલી ઓફીસના આંકડાઓ છે.
અબજો રૂપિયા દેશની બહાર ગયા
મેકરન્સી એન્ડ કંપની અનુસાર ભારતીય ધનિકોને ૨૦૨૩માં ૧૩૦ અબજ ડોલર ફેમિલી ઓફિસ થકી સિંગાપોરમાં અને બીજા ૧૦૫ અબજ ડોલર હોંગકોંગમાં મોકલી આપ્યા છે. આ અહેવાલ વધુમાં જણાવે છે કે ૨૦૨૩માં વિશ્વભરમાંથી ૨.૪ લાખ કરોડ ડોલરની સંપત્તિ ધનિકોને સિંગાપોર અને હોંગકોંગમાં ટ્રાન્સફર કરી હતી જે ૨૦૩૦ સુધીમાં વધી ૫.૮ લાખ કરોડ ડોલર પહોંચે એવો અંદાજ છે. આ અહેવાલ અનુસાર ધનિકો પોતાની સંપત્તિના ૩૦ થી ૪૦ ટકા આ બન્ને દેશોમાં મોકલી શકે છે
૨૦૨૩માં સૌથી વધુ સંપત્તિ કે લગભગ ૯૦૦ અબજ ડોલર ચીની નાગરિકોએ સિંગાપોર અને હોંગકોંગમાં જમાં કરવ્યા છે. આ પછી ૨૩૫ અબજ ડોલર સાથે ભારત બીજા ક્રમે અને ૧૪૦ અબજ ડોલર સાથે ઈન્ડોનેશિયા ત્રીજા ક્રમે આવે છે. રોકાણમાં સરળતા ઓછા ટેકસ અને કરચોરીના સ્વર્ગ ગણાય એવા કેરેબિયન દેશોમાં ૨૦૨૩માં એશિયાથી ૭૦૦ અબજ ડોલર કે રૂ.૫૮.૮૦ લાખ કરોડની સંપત્તિનું રોકાણ થયું છે. એશિયન નાગરિકોએ યુરોપમાં પણ ૬૦૦ અબજ ડોલર કે ૫૦ લાખ કરોડનું રોકાણ કર્યું હોવાનું આ અહેવાલ જણાવે છે. એક સમયે યુરોપ અને અમેરિકા વિશ્વમાં સંપત્તિ રોકાણ માટે સૌથી આકર્ષક હતા તેના બદલે કેરેબિયન દેશો, સિંગાપોર અને હોંગકોંગ હવે સૌથી વધારે આકર્ષક બની રહ્યા છે.
ફેમીલી ઓફીસ એટલે શું ?
કોઈ ધનિક પોતાની સંપત્તિના વધારે આકર્ષક રોકાણ અને વળતર માટે ખાનગી કંપની ફેમીલી ઓફીસનો દરજ્જો મેળવી શકે છે. આ માત્ર રોકાણ કરવાનો એક તબક્કો છે જેમાં વેલ્થ મેનેજર ધનિક કુટુંબના પ્રોફાઈલ અનુસાર જોખમ અને લાંબાગાળાના આયોજન માટે રોકાણ કરવા માટેનું આયોજન કરે છે.
ભારતીયોમાં ફેમીલી ઓફીસનું આકર્ષણ
વર્ષ ૨૦૧૮માં માત્ર ૪૫ ભારતીય અબજપતિએ ફેમીલી ઓફીસ ખોલી હતી પણ હવે તેની સંખ્યા ૩૦૦ને પાર કરી ગઈ છે. આવી ફેમીલી ઓફીસ ધરાવતા ભારતીયો નાગરીકોમાં બર્મન, પ્રેમજી, પિરામલ, મુંજાલ, સક્સેરીયા જેવા લોકોના નામનો સમાવેશ થાય છે. અગાઉ ધનિકો રીઅલ એસ્ટેટ કે પછી પોતાના બિઝનેસ કે ઉદ્યોગ સંલગ્ન રોકાણ જ કરતા હતા પણ બદલાતી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તેમજ વૈશ્વિક રીતે નાણાકીય ટ્રાન્સફર સરળ બની હોવાથી તે હવે ફેમીલી ઓફીસ મારફત અન્ય ઉદ્યોગો, બજાર કે કંપનીઓમાં રોકાણ કરતા થયા છે. ફેમીલી ઓફીસ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ, વેન્ચર કેપિટલ, સીડ કેપિટલ અકે પ્રાઈવેટ ઇક્વિટી થકી રોકાણ કરતા હોય છે.
ગીફ્ટ સિટીમાં પણ ફેમીલી ઓફીસ ખોલવાની છૂટ
ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર ગીફ્ટ સિટીમાં પણ કેન્દ્ર સરકારે ફેમીલી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ખોલવા માટે સૈધાંતિક મંજૂરી આપી છે.