Crude Oil Price: ઈરાન-ઈઝરાયલ તણાવની અસર, પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની ભીતિ
Crude Oil Price Hike: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે, જેથી બજારમાં ક્રૂડના ટોચના ઉત્પાદકો પૈકી એક ઓપેક દેશોમાં ક્રૂડના પુરવઠા પર અસર થવાની ભીતિ જોવા મળી છે. કોમોડિટી નિષ્ણાતોએ ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધે તો ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચવાની શક્યતા દર્શાવી રહ્યા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાતા 80 ટકા આયાત પર નિર્ભર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થવાની સંભાવના વધી છે.
ક્રૂડના ભાવ આજે ઘટ્યા
ઉલ્લેખનીય છે, ઉત્પાદકોએ ઈઝરાયલ પર ઈરાનના હુમલાના પગલે રિસ્ક પ્રીમિયમ ઘટાડતાં આજે ક્રૂડના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જૂન માટે બ્રેન્ટ ફ્યુચર્સ 24 સેન્ટ ઘટી 90.21 ડોલર પ્રતિ બેરલ જ્યારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિયેટ (WTI) ફ્યુચર્સ મે વાયદો 38 સેન્ટ ઘટી 85.28 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યું હતું. દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવો ક્રૂડ ઓઈલની વધ-ઘટના આધારે નિર્ધારિત થાય છે.
ક્રૂડમાં તેજી માટે પરિબળો
ઈરાનના ઈઝરાયલ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં તમામ નેતાઓ જવાબી કાર્યવાહી કરવા સમર્થન આપ્યું છે. અમેરિકાએ પણ આ સંકટને એલર્ટ મોડ પર મૂક્યું છે. ઈઝરાયલે યોગ્ય સમયે જવાબ આપવાની ચેતવણી આપી છે.
એકંદરે, વધતા તણાવને પગલે આજે ભારત સહિત વૈશ્વિક બજારોમાં સાવચેતીના વલણ સાથે વેચવાલી જોવા મળી હતી. પરિણામે વોલેટિલિટી વધી છે. નિષ્ણાતોના મતે વધતા તણાવમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી વધારો નોંધાઈ $100/બેરલ સુધી પણ પહોંચી શકે છે.
અર્થશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, "ઈરાનના હુમલાના લીધે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારાના લીધે શેરબજારમાં અસ્થિરતા વધશે. ઓઈલના ભાવ $100 પ્રતિ બેરલ સુધી વધી શકે છે. જેના વેચાણમાં વધારો થશે. ઇઝરાયલ-ઇરાન યુદ્ધના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ લગભગ છ મહિનાના ઉચ્ચ સ્તરે છે. લગભગ 3 મિલિયન બેરલ પ્રતિ દિવસ (mb/d)ના ક્રૂડ ઓઇલના ઉત્પાદન સાથે (વૈશ્વિક ઉત્પાદનના લગભગ 3 ટકા) ઈરાન એ ટોચનો ક્રૂડ ઉત્પાદક અને નિકાસકાર છે.