GDPના આંકડાની અસર : સેન્સેક્સ 73,745ની વિક્રમી ટોચે પહોંચ્યો
- સ્થાનિક સંસ્થાઓ અને વિદેશી રોકાણકારોની નવી લેવાલી
- કામકાજના અંતે સેન્સેક્સ 1,245 પોઇન્ટ ઉછળી 73,745 અને નિફ્ટી 356 પોઇન્ટની છલાંગે 22,339ની નવી સપાટીએ
અમદાવાદ : ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના આર્થિક વિકાસ એટલે કે જીડીપીના આંકડામાં અપેક્ષાથી વિરૂદ્ધ આશ્ચર્યજનક રીતે ૮.૪ ટકાની વૃદ્ધિ નોંધાયાના અહેવાલો સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારોમાં આજે તોફાની તેજી જોવા મળી હતી. જેમાં કામકાજના અંતે સેન્સેક્સ ૭૩,૭૪૫ અને નિફ્ટી ૨૨,૩૩૯ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળા પાછળ રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ) પણ રૃા. ૪ લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.
ગઈ કાલે જાહેર થયેલા જીડીપીના આંકડામાં બજારની અપેક્ષા કરતા બિલકુલ વિરૂદ્ધ તેવો ૮.૪ ટકાનો વધારો જાહેર થયો હતો. બીજી તરફ આજે ફેબુ્રઆરી માસમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સંગીન સુધારો થતા મેન્યુ. પીએમઆઇ પણ વધીને ૫ માસની ટોચે પહોંચી ગયો હતો. ચીનમાં ઉદ્ભવેલ પ્રતિકૂળતાઓ પાછળ વિદેશી રોકાણકારો ચીન છોડી ભારત તરફ વળી રહ્યાના અહેવાલો હતા આ ઉપરાંત તાજેતરમાં સેબીએ સ્મોલ મિડકેપ શેરો માટે ફંડોને આપેલી સૂચના બાદ બજારમાં લાર્જકેપ શેરોમાં આકર્ષણમાં વધારો જોવા મળ્યો હતો.
આમ, વિવિધ સાનુકૂળ મેક્રો ડેટા પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ એક તબક્કે સેન્સેક્સ ઉછળીને ઇન્ટ્રા-ડે ૭૩,૮૧૯.૨૧ની ઓલટાઇમ હાઇ સપાર્ટીને સ્પર્શી ગયો હતો જે કામકાજના અંતે ૧,૨૪૫.૦૫ ઉછળીને ૭૩,૭૪૫.૩૫ની નવી ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો હતો.
એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ આજે પ્રારંભે મક્કમ ટોન સાથે ખૂલી નવી લેવાલીએ ઇન્ટ્રા-ડે વધીને ૨૨,૩૫૩.૩૦ની નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે ૩૫૫.૯૫ પોઇન્ટ ઉછળીને ૨૨,૩૩૮.૭૫ની ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો હતો.
ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ આજે સ્મોલ કેપ, મિડ કેપ તેમજ અન્ય રોકડાના શેરોમાં મોટા પાયે લેવાલી નીકળતા બજારની તેજીને વેગ સાંપડયો હતો. આજે વિદેશી રોકાણકારોએ રૃા. ૧૨૯ કરોડની અને સ્થાનિક સંસ્થાઓએ રૃા. ૩૮૧૪ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.
સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિ (બી.એસ.ઇ. માર્કેટ કેપ) રૃા. ૪.૩ લાખ કરોડ વધીને રૃા. ૩૯૨.૨૫ લાખ કરોડની સપાટીએ પહોંચી હતી.