પાકિસ્તાનની આશા પર પાણી ફરશે, IMFને શંકા છે કે લોન તો આપીએ પણ ચૂકવશે કેવી રીતે!
IMF Doubts on Pakistan For Loan: રોકડ અને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર જોખમ વધી શકે છે. કારણકે, આઈએમએફએ પણ વધુ લોન આપવા મામલે હાથ અધ્ધર કરી રહી હોય તેવા સંકેતો આપ્યા છે. શનિવારે એક મીડિયા રિપોર્ટમાં આઈએમએફએ પાકિસ્તાનની લોન ચૂકવવાની ક્ષમતા પર શંકા કરી રહી છે. આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અંગે વોશિંગ્ટન સ્થિત બેન્ક મૂલ્યાંકન કરી રહી છે.
પાકિસ્તાનને 123 અબજ ડોલરની જરૂર
ઈસ્લામાબાદે એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) હેઠળ નવુ રાહત પેકેજ જારી કરવા અરજી કરી છે. આઈએમએફ (IMF)ની ટીમ આ મામલે ચર્ચા કરી રહી છે. આઈએમએફ અનુસાર, પાકિસ્તાનને આગામી પાંચ વર્ષમાં કુલ 123 અબજ ડોલરના ધિરાણની જરૂર છે. જેમાં 2024-25માં 21 અબજ ડોલર, 2025-26માં 23 અબજ ડોલર, 2026-27માં 22 અબજ ડોલર, 2027-28માં 29 અબજ ડોલર તથા 2028-29માં 28 અબજ ડોલરની જરૂર છે.
પાકિસ્તાની મીડિયા અહેવાલ
મીડિયા રિપોર્ટ્સમાં આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા પાકિસ્તાન અંગેના તેના સ્ટાફ રિપોર્ટમાં IMFને ટાંકીને કહ્યું હતું કે પાકિસ્તાનની દેવું ચૂકવવાની ક્ષમતા ગંભીર જોખમોને આધિન છે અને તે સંપૂર્ણપણે નીતિના અમલીકરણ અને સમયસર બાહ્ય ધિરાણ, એક્સચેન્જ રેટ ફ્લેક્સિબિલિટી પર નિર્ભર છે.
પાકિસ્તાનની મુલાકાતે આવેલી IMFની ટીમ ગ્રીન ફાઈનાન્સ દ્વારા વધારાની શક્યતા સાથે US$6-8 અબજની નવી લોંગ-ટર્મ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પર વાટાઘાટો કરી રહી છે. જો મંત્રણા સાથે લોન મંજૂર કરાઈ તો પાકિસ્તાન માટે આ 24મું IMF બેલઆઉટ હશે.