હોમ લોન લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણી લેજો આ ફોર્મ્યુલા, ક્યારેય નહીં થાય EMIનું ટેન્શન
Image Source: Freepik
Home Buying Tips: હાલના સમયમાં મકાન કે ફ્લેટની કિંમત એટલી વધી ગઈ છે કે પોતાના સેવિંગની રકમથી તેને ખરીદવું સરળ નથી. એટલા માટે લોકો હોમ લોનની મદદથી આ કામ કરે છે. પરંતુ હોમ લોન લાંબા ગાળાની લોન છે, તેથી તેને લેતી વખતે કોઈ સમસ્યા નથી, પરંતુ જ્યારે EMI ચૂકવવાના આવે ત્યારે મુશ્કેલી વધી શકે છે. ઘણી વખત લોકો મોંઘા ઘર ખરીદે છે અને બેંકમાંથી લોન તરીકે એટલી મોટી રકમ લે છે કે દર મહિને તેના EMI ગોઠવવા મુશ્કેલ બની જાય છે અને જો EMI સમયસર ચૂકવી પણ દઈએ તો ઘરનું બાકીનું બજેટ ખોરવાઈ જાય છે.
આ પરિસ્થિતિમાંથી બચવા માટે તમારે ખાસ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. અહીં જાણો તે ફોર્મ્યુલા જે તમને જણાવશે કે તમારે તમારી આવક પ્રમાણે કેટલું મોંઘું ઘર ખરીદવું જોઈએ, ઘર ખરીદતી વખતે બિલ્ડરને કેટલું ડાઉન પેમેન્ટ આપવું જોઈએ અને બેંકમાંથી કેટલી લોન લેવી જોઈએ અને કેટલા સમયગાળા માટે લેવી જોઈએ.
ઘર ખરીદતી વખતે અપનાવો આ ફોર્મ્યુલા
જ્યારે પણ તમે તમારા માટે ઘર કે ફ્લેટ ખરીદો ત્યારે આ ખાસ ફોર્મ્યુલા 3/20/30/40 નો ઉપયોગ કરવો. જો તમે આ ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરશો તો ન તો EMIનો બોજ તમને પરેશાન કરશે અને ન તો ઘરનું બજેટ ખોરવાશે. હવે આ ફોર્મ્યુલા કેવી રીતે અપ્લાઈ કરવી તે સમજીએ.
ત્રણનો અર્થ
આ ફોર્મ્યુલામાં 3 નો અર્થ છે કે તમે જે પણ ઘર ખરીદવા જઈ રહ્યા છો તેની કિંમત તમારી કુલ વાર્ષિક આવકના ત્રણ ગણાથી વધુ ન હોવી જોઈએ. એટલે કે, જો તમારું વાર્ષિક પેકેજ રૂ. 10 લાખ છે તો તમે રૂ. 30 લાખ સુધીનું ઘર અથવા ફ્લેટ ખરીદી શકો છો અને જો તમારું પેકેજ રૂ. 15 લાખનું છે તો તમે રૂ. 45 લાખ સુધીની પ્રોપ્રટી ખરીદી શકો છો. એ ધ્યાન રાખો કે પેકેજથી ત્રણ ગણાથી વધુ કિંમત કોઈ પણ સંજોગોમાં ન હોવી જોઈએ.
20નો અર્થ
ફોર્મ્યુલામાં 20 નો અર્થ લોનની મુદત સાથે છે. હોમ લોનને 10, 15, 20, 25 કે 30 વર્ષ માટે લઈ શકાય છે. તમે જેટલી લાંબી મુદત માટે લોન લો છો તેટલા EMI ઓછા હશે પરંતુ તમારે બેંકને વધુ વ્યાજ ચૂકવવું પડશે. આવી સ્થિતિમાં નુકસાન તમારું જ છે. આવી સ્થિતિમાં લોનનો મહત્તમ સમયગાળો માત્ર 20 વર્ષ સુધી જ હોવો જોઈએ. તમે 20 વર્ષના સમયગાળામાં જે તમારા EMI બનશે તે તમે સરળતાથી ચૂકવી શકો છો.
30નો અર્થ
30નો અર્થ તમારા EMI સાથે છે. તમે જેટલું પણ કમાઓ છો તેના 30%થી વધુ EMI ન હોવા જોઈએ. ધારો કે તમને દર મહિને 75 હજાર રૂપિયાનો પગાર મળે છે તો તમારા EMI 22,500 રૂપિયાથી વધુ ન હોવા જોઈએ. જો તે આનાથી ઓછું હોય તો તે તમારા માટે વધુ સારું છે.
40નો અર્થ
40નો અર્થ છે તમારું ડાઉન પેમેન્ટ. જ્યારે પણ તમે કોઈ ફ્લેટ ખરીદો છો તો તમારે તેનું ડાઉન પેમેન્ટ કરવું પડે છે. જો કે, તમે ઘર માટે 10 કે 20% ડાઉન પેમેન્ટ આપી શકો છો અને બાકીની રકમની વ્યવસ્થા હોમ લોન દ્વારા કરી શકો છો. પરંતુ તેનાથી તમારી હોમ લોનની રકમ વધશે અને EMI બોજ પણ વધશે. તેથી એવો પ્રયત્ન કરો કે, તમે 40% સુધી ડાઉન પેમેન્ટ કરી શકો. ધારો કે તમારી વાર્ષિક આવક રૂ. 10 લાખ છે અને તમે રૂ. 30 લાખનો ફ્લેટ ખરીદો છો તો તમારે લગભગ રૂ. 12 લાખનું ડાઉન પેમેન્ટ કરવું જોઈએ. આવી સ્થિતિમાં તમારે માત્ર 18 લાખ રૂપિયાની લોન લેવી પડશે. આવી સ્થિતિમાં જે EMI બનશે તે એટલા વધારે ન હોય કે, તમે સરળતાથી ચૂકવી ન શકો.