Get The App

અમેરિકામાં વ્યાજદર વધારાની ભારત પર શું થશે અસર ? જાણો વિગતવાર અહેવાલમાં

Updated: Mar 16th, 2022


Google NewsGoogle News
અમેરિકામાં વ્યાજદર વધારાની ભારત પર શું થશે અસર ? જાણો વિગતવાર અહેવાલમાં 1 - image



16મી માર્ચ, 2022 બુધવાર

મુંબઈ : કોરોનાના કપરાકાળમાંથી બહાર આવી રહેલ વિશ્વના ટોચના અર્થતંત્રને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાં 42 વર્ષની સૌથી ભયંકર મોંઘવારી સામે રક્ષણ મેળવવા વ્યાજદરમાં વધારો કરવો જરૂરી બન્યો છે પરંતુ યુએસ ફેડરલ રિઝર્વ સામે ચિંતા એ છે કે જો વ્યાજદરમાં વધારો થશે તો દેશના આર્થિક વિકાસને ફટકો પડવાની આશંકા છે.

આ સ્થિતિ વચ્ચે આજે બુધવારે મોડી રાત્રે યુએસ ફેડ વ્યાજદરમાં વધારા અંગે કે પછી થોભો અને રાહ જોવો અંગે મહત્વનો નિર્ણય લેશે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આર્થિક અને ભૂ-સ્તરીય કટોકટી અને ક્રૂડ ઓઈલના વધતા ભાવની સમસ્યા પણ ફેડ માટે મહત્વનું કી-ફેક્ટર બનશે.

યુએસ ફેડ વ્યાજદર વધારશે કે.....?

દેશ-વિદેશના ટોચના તમામ નિષ્ણાતોનો એક મત છે કે યુએસ સેન્ટ્રલ બેંક 40 કરતા વધુ વર્ષોમાં સૌથી ખરાબ ફુગાવા સામે રક્ષણાત્મક પગલાં તરીકે 25-બેઝિસ પોઈન્ટ્સ દરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો 2018 પછી અમેરિકામાં આ પ્રથમ વ્યાજદર વધારો થશે.

ઉંચા વ્યાજદર ફુગાવા સામે રક્ષણ આપશે ?

ફેડરલ રિઝર્વના પોલિસીમેકર્સ ઋણને વધુ ખર્ચાળ બનાવવાનું લક્ષ્ય રાખે છે કારણકે જો ઋણ લેવું મોંઘું થશે તો ગ્રાહકો અને વ્યવસાયો રોકાણ કરવાનું રોકશે અને તેની અસરથી માંગ ઘટશે અને સંભવિત છે કે કિંમતોમાં પણ ઘટાડો થાય.

આ વર્ષે કેટલા વ્યાજદર વધારા અપેક્ષિત ?

વિશ્લેષકોએ આ વર્ષે અંદાજિત છ થી સાત દરમાં વધારો થવાની આગાહી કરી છે, ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ આ અનુમાનોને બદલી પણ શકે છે કારણ કે જો ફેડ વ્યાજદરમાં ઝડપથી વધારો કરવાનું ચાલુ રાખશે તો તે માંગને વધુ નકારાત્મક રીતે અસર કરશે અને તેની અસર આર્થિક વૃદ્ધિ પર પડી શકે છે. વૃદ્ધિ અટકતા અંતે દેશમાં બેરોજગારીનો દર પણ વધી શકે છે.


અમેરિકામાં વ્યાજદર વધારાની ભારત પર શું થશે અસર ? જાણો વિગતવાર અહેવાલમાં 2 - image


 ભારત પર શું થશે અસર?

આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ થાય કે જો યુએસ ફેડ વ્યાજદરમાં વધારો કરશે તો ભારત પર તેની શું અસર થશે ? ભારતના આર્થિક વિકાસને વેગ મળશે કે ફટકો પડશે ? ભારતમાં વિદેશી રોકાણ વધશે કે પરત ખેંચાશે ?

યુએસમાં ઉંચા વ્યાજ દરો સામાન્ય રીતે વિદેશી રોકાણકારોને સુરક્ષિતતા પ્રદાન કરે છે. પોતાના દેશમાં વધુ સુરક્ષિત વળતર મળતા ટોચના વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી તેમના નાણાં પાછા અમેરિકન બજાર તરફ પરત ખેંચી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઓક્ટોબરથી અત્યાર સુધીમાં રૂ. 2 લાખ કરોડથી વધુ મૂલ્યની ભારતીય ઇક્વિટી વેચી ચૂક્યા છે.

સામે પક્ષે હવે જો ભારતમાંથી વિદેશી રોકાણનો આઉટફ્લો વધે અને ડોલર ઉંચકાતા રૂપિયાનો ઘસારો અને ક્રૂડની તેજીની ચાલ ભારતની મોંઘવારીને કાબૂ બહાર લઈ શકે તેવી આશંકાએ RBIએ પણ વ્યાજદરોમાં વધારો કરવાની ફરજ પડી શકે છે. આ સિવાય આરબીઆઈ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને સ્વીકારીને રૂપિયાનો ઘસારો સ્વીકાર્ય બનાવી શકે છે પરંતુ તે ફરીથી ભારત માટે આયાતી ફુગાવાના દોર તરફ દોરી જશે.

એફઆઈઆઈના આઉટફ્લો વચ્ચે જો આરબીઆઈએ વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડશે તો ભારતનો આર્થિક વિકાસ રૂંધાઈ શકે છે.



Google NewsGoogle News