Get The App

શું તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે, તો ચિંતા ન કરો..., આ સરળ રીત અપનાવી સુધારો કરી શકો છો

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
શું તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે, તો ચિંતા ન કરો..., આ સરળ રીત અપનાવી સુધારો કરી શકો છો 1 - image


Tips to Improve Your Credit Score: મોંઘવારીના દોરમાં તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈને કોઈ કારણોસર લોન કે ક્રેડિટ કાર્ડની જરૂર પડતી જ હોય છે. જો કે, તમારે પર્સનલ લોન જોઈતી હોય કે કાર લોન કે પછી હોમ લોન અથવા ક્રેડિટ કાર્ડ... આ તમામ સુવિધાનો લાભ લેવા માટે સિબિલ સ્કોર સારો હોવો જરૂરી છે.

સિબિલ સ્કોર જેટલો વધુ તેટલી તમારી નાણાકીય સ્થિતિ શ્રેષ્ઠ ગણાય. જો કે, ઘણી વખત આપણે ભૂલો કરીએ છીએ, તેનાથી સિબિલ સ્કોર (ક્રેડિટ સ્કોર) ખરાબ થઈ જાય છે, અથવા ઘટી જાય છે. તેવી સ્થિતિમાં લોન મેળવવી મુશ્કેલ બને છે. અહીં અમે તમને સિબિલ સ્કોર ખરાબ થવાના અમુક કારણો અને તેમાં સુધારો કરવા સરળ ટીપ્સ લઈ આવીશું. જેની મદદથી તમે તમારો ક્રેડિટ સ્કોર સરળતાથી સુધારી નાણાકીય સુવિધાઓનો લાભ લઈ શકશો.

સિબિલ સ્કોર વિશે સરળ સમજ

સિબિલ સ્કોર સામાન્ય રીતે 300-900 પોઈન્ટનો એક રેન્ક છે, જે તમારી નાણાકીય મજબૂતી વિશે ખ્યાલ આપે છે. જે તમારા 24 માસના ક્રેડિટ ઈતિહાસ મુજબ અપડેટ થાય છે. જેમાં 550થી 700 પોઈન્ટનો સ્કોર સારો ગણાય છે. પરંતુ 700-900 પોઈન્ટનો સ્કોર અતિ ઉત્તમ છે. જેમાં તમારો સિબિલ સ્કોર 750 કે તેથી વધુ હોય તો તમારા માટે લોન કે ક્રેડિટ કાર્ડ લેવું સરળ બને છે.

આ કારણસર સિબિલ સ્કોર ખરાબ થાય છે

જો તમે કોઈ લોન લો છો અને નિશ્ચિત સમયે તેની ચૂકવણી કરતા નથી, તો તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે.

ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર જમા નહીં કરાવો તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય છે.

બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.

જ્યારે તમે ઓછા સમયમાં અનેક નવી લોન માટે અરજી કરો છો, ત્યારે તમારો સિબિલ સ્કોર ઘટી જાય છે.

આ રીતે ક્રેડિટ સ્કોર સુધારો

1. સમય પર લોનની ચૂકવણીઃ જો તમારે તમારો સિબિલ સ્કોર સુધારવો હોય તો તમારા ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને અન્ય તમામ લોનની ચૂકવણી સમયસર કરો, જેમાં થતો વિલંબ તમારા સ્કોર પર અસર કરી શકે છે. ઈએમઆઈ તથા ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવો. 

2. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘટાડોઃ તમારા બેન્ક દ્વારા ઉપલબ્ધ કુલ ક્રેડિટ લિમિટની તુલનામાં તમને ક્રેડિટ યુઝ રેટ આપવામાં આવે છે. પરંતુ તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લિમિટ કરતાં પણ 30 ટકા ઓછો કરો. જેમ કે, તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ રૂ. 10 હજાર છે, જેમાંથી રૂ. 3000થી વધુ ખર્ચ કરશો નહીં.

3. જૂના ક્રેડિટ કાર્ડ બંધ ન કરોઃ સિબિલ સ્કોર તમારા ક્રેડિટના ઈતિહાસના આધારે નક્કી થાય છે. જેથી જો જૂનો ક્રેડિટ ઈતિહાસ હશે તો સિબિલ સ્કોર વધુ સારો બનશે. આથી તમારી પાસે કોઈ જૂનું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ હોય અને તમે તેનો ઉપયોગ કરતા નથી, તો તેને બંધ કરાવશો નહીં.

4. નવી લોન માટે અરજી સમજી-વિચારીને કરોઃ વારંવાર લોન માટે અરજી કરવાથી ક્રેડિટ રિપોર્ટ પર અશર થાય છે. જે તમારા સિબિલ સ્કોરમાં ઘટાડો કરે છે. જેથી વારંવાર લોન માટે અરજી કરશો નહીં.

  શું તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે, તો ચિંતા ન કરો..., આ સરળ રીત અપનાવી સુધારો કરી શકો છો 2 - image



Google NewsGoogle News