ઘરેબેઠા ઝડપી અને પર્સનલ લોન કરતાં ઓછા વ્યાજે લોન મેળવી શકો છો, જાણો કેવી રીતે
Demat Shares loan: ઘણી વખત આપણને નાણાંની તાતી જરૂરિયાત હોય છે, એવા સમયે આપણે બેન્કમાંથી પણ લોન લઈ શકતા નથી, કારણકે, લોન પ્રક્રિયા લાંબી અને સમય માગી લે તેવી હોય છે. આ સ્થિતિમાં અમે તમને એક ખાસ માર્ગ જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે ઘરેબઠા ઝડપથી અને બેન્ક કરતાં ઓછા વ્યાજે લોન મેળવી શકો છો.
જો તમે ડિમેટ એકાઉન્ટ ધરાવતા હોવ તો તમે તેના આધારે લોન લઈ શકો છો. જેમાં સિબિલ સ્કોરની જરૂર પડતી નથી. સેબીના આંકડા અનુસાર, દેશમાં 11 કરોડથી વધુ ડિમેટ એકાઉન્ટ છે, જેના મારફત શેર, સિક્યુરિટી, બોન્ડ, ઈટીએફ તથા મ્યુચ્યુઅલ ફંડ સહિતના રોકાણો થઈ રહ્યા છે. તમે આમાંથી કોઈપણ એક રોકાણની અવેજમાં લોન લઈ શકો છો.
કેવી રીતે લોન મળે?
ડિમેટ એકાઉન્ટમાં શેર, સિક્યુરિટી, ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ સહિતના રોકાણ પોર્ટફોલિયો સામેલ હોય તો તમે તેમાંથી કોઈપણ એક રોકાણ વિકલ્પ પર લોન મેળવી શકો છો. જેમાં શેર કે સિક્યુરિટીમાંથી રોકાણ પાછું ખેંચ્યા વિના જ ઝડપી અને ટૂંકાગાળાની નાણાંની જરૂરિયાત પૂરી શકાય. શેર કે તમારા રોકાણ વિકલ્પને કોલેટરલ તરીકે રજૂ કરવાનો રહેશે. જેની પ્રક્રિયા સરળ અને ઝડપી છે.
રોકાણ પર રિટર્ન વધુ અને વ્યાજ પણ ઓછું
જ્યારે તમે તમારા રોકાણ વિકલ્પ પર લોન મેળવો છો, તો તમારૂ રોકાણ તો જારી જ રહે છે. જેમાં માર્કેટ મુજબ રિટર્ન, બોનસ, ડિવિડન્ડનો લાભ મળતો રહે છે. જેથી તમે તેના રિટર્નમાંથી લોનની ચૂકવણી કરવા સક્ષમ બનો છો. જેના પર વ્યાજ પર્સનલ લોનની તુલનાએ ઓછુ હોય છે.
કોને મળશે લોન?
ડિમેટ શેરોની અવેજમાં લોન મેળવવા માટે લોનધારકની વયમર્યાદા 18 વર્ષથી 65 વર્ષ હોવી જોઈએ. ડિમેટ એકાઉન્ટમાં જમા અને કરેલા રોકાણ પર જ લોન લઈ શકો છો. વધુમાં આઈડી પ્રુફ, એડ્રેસ પ્રુફ, ઈનકમ પ્રુફ, અને બેન્ક સ્ટેટમેન્ટની પણ જરૂર પડે છે.
કેટલી લોન મેળવી શકો?
ડીમેટ શેર્સ દ્વારા રોકાણકાર મહત્તમ 20 લાખ સુધીની લોન મેળવી શકે છે. જેમાં રોકાણકાર દ્વારા પ્લેજ (ગિરો) મૂકવામાં આવતા શેરોની માર્કેટ વેલ્યૂના 50 ટકા કે 75 ટકા સુધી રકમની લોન મળી શકે છે. પ્લેજ કરેલા શેરોને વેચી શકાય નહિં. લોનની ચૂકવણી કર્યા બાદ જ વેચી શકો છો.