90 કલાક કામ કરવાની સલાહ આપનારા L&T ચેરમેન થયા ટ્રોલ, કંપનીએ કર્યો લૂલો બચાવ
L&T Chairman Statements On Working Hours: લાર્સન એન્ડ ટ્રુબોના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમ સપ્તાહમાં 90 કલાક કામ કરવાની સલાહ આપી વિવાદોમાં મૂકાયા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ તેમને ટ્રોલ કરી રહ્યા છે. અગાઉ ઈન્ફોસિસના પૂર્વ ચેરમેન નારાયણમૂર્તિની પણ સપ્તાહમાં 70 કલાક કામ કરવાની ભલામણની લોકોએ ટીકા કરી હતી. સુબ્રમણ્યમે વિવાદિત નિવેદન આપ્યું હતું કે, 'ઘરે ક્યાં સુધી પત્નીને જોયા કરશો. ઓફિસ આવી સપ્તાહમાં 90 કલાક કામ કરો. હું રવિવારે પણ કામ કરુ છું. મારા કર્મચારીઓને આટલું કામ ન કરાવી શકવાનો મને ખેદ છે.'
ગઈકાલે સુબ્રમણ્યમે કંપનીની સપ્તાહના છ દિવસના કામકાજની પોલિસી પર ચર્ચા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'કર્મચારીઓએ ઘરે ઓછો અને ઓફિસમાં વધુ સમય આપવો જોઈએ. ચીનની એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે, ચીન આગામી સમયમાં અમેરિકાથી પણ આગળ નીકળી જશે. કારણકે, ચીનના લોકો 90 કલાક કામ કરે છે. અમેરિકામાં લોકો 50 કલાક કામ કરે છે. વિશ્વમાં ટોચ પર રહેવું હોય તો સાપ્તાહિક 90 કલાક કામ કરવું પડશે.'
સોશિયલ મીડિયા પર સુબ્રમણ્યમની ટીકા
સોશિયલ મીડિયા પર આરપીજી એન્ટરપ્રાઈઝિસના ચેરમેન અને અબજપતિ હર્ષ ગોયનકાએ પણ પોસ્ટ કરી ટીખળ કરી હતી કે, 'આ પ્રકારના પગલાં સાથે નામ પણ બદલી દેવુ જોઈએ સન્ડેને "સન ડ્યુટી" કહેવુ જોઈએ.' બોલિવૂડની સ્ટાર એક્ટ્રેસ દિપિકા પાદુકોણે ઈન્સ્ટા સ્ટોરી પર સુબ્રમ્ણયમની ટીકા કરતાં લખ્યું કે, ‘મને જાણીને આઘાત લાગ્યો કે, આટલા ઊંચા પદ પર બેઠેલા સિનિયર લોકો આવા નિવેદન આપે છે. માનસિક સ્વાસ્થ્ય જેવી પણ કોઈ વસ્તુ છે.’ ટ્વિટર પર એક યુઝર્સે સુબ્રમણ્યમને પત્ર લખી ટીકા કરી હતી કે, 'લગ્નના બે-ત્રણ વર્ષ બાદ કોઈ પોતાની પત્નીને જોતું નથી. પણ હા અમારી પાસે ઘરે સાતથી આઠ નોકર-ચાકર નથી. અમારે ઘરે આવીને ઘરના કામ પણ કરવાના હોય છે.' અન્યએ કહ્યું કે, 'માણસ મશીન નથી. માનસિક સ્વાસ્થ્ય માટે આરામ અને પોતાના શોખ માટે પણ સમય ફાળવવો એટલો જ જરૂરી છે.'
આ પણ વાંચોઃ ભરતીકાંડ બાદ જાગી સરકાર, AMC માં 3 વર્ષ સુધી એક જ જગ્યાએ ફરજ બજાવનારાઓની બદલી થશે
Dear Sir,
— Dr Poornima 🇮🇳 (@PoornimaNimo) January 9, 2025
Chairman and MD L&T,
Mr Subrahmanyan,
After one or two years of marriage, nobody stares at their wife or spouse. But yes, those hardworking people who work for your company don't have 7 to 8 servants to do the pending jobs piling up at home like washing clothes,… pic.twitter.com/pZXUxZabHL
કંપનીનો લૂલો બચાવ
એલએન્ડટી ચેરમેન સુબ્રમણ્યમની વર્ક કલ્ચર પર ટીપ્પણીની ચારેકોર ટીકાઓ થતાં કંપનીએ સ્પષ્ટતા આપી છે કે, 'અમારૂ વિઝન રાષ્ટ્ર નિર્માણનું છે. છેલ્લા આઠ દાયકાથી અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝેસ અને ટેક્નિકલ ક્ષમતાઓને આકાર આપી રહ્યા છીએ. અમારૂ માનવું છે કે, હાલ ભારતનો દસકો ચાલી રહ્યો છે, અને જેમાં ગ્રોથને વેગ આપવા તેમજ વિકસિત દેશ તરીકે ઉભરી આવવા સામૂહિક સમર્પણ અને પ્રયાસની આવશ્યકતા છે.'