Get The App

રેપો રેટ ઘટતાં 4 સરકારી બૅન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યા

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
રેપો રેટ ઘટતાં 4 સરકારી બૅન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યા 1 - image


Loan Interest Rates: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગઈકાલે 9 એપ્રિલના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા ઘટાડા બાદ રેપો રેટ હવે 6.25 ટકાથી ઘટી 6.00 ટકા થયો છે. આરબીઆઇ દ્વારા રેપો રેટ ઘટ્યા બાદ દેશની ચાર સરકારી બૅન્કોએ લોનના વ્યાજદરોમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. પંજાબ નેશનલ બૅન્ક અને ઇન્ડિયન બૅન્કે ગઈકાલે મોડી સાંજે વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. બૅન્ક ઑફ ઇન્ડિયા અને યુકો બૅન્કે પણ લોનના ઈએમઆઈનો બોજો હળવો કરતાં વ્યાજના દરો ઘટાડવાની જાહેરાત કરી હતી.

11 એપ્રિલથી લાગુ થશે નવા વ્યાજદર

સરકારી બૅન્કોના વ્યાજદરનો ઘટાડાનો લાભ વર્તમાન અને નવા ગ્રાહકોને મળશે. અન્ય બૅન્કો પણ ટૂંકસમયમાં વ્યાજના દરો ઘટાડવાનું શરુ કરશે. ઇન્ડિયન બૅન્કે રેપો આધારિત લોન રેટ (RBLR) 9.05 ટકા (35 બેઝિસ પોઇન્ટ) ઘટાડી 8.70 ટકા કર્યો છે. જેનો અમલ 11 એપ્રિલથી લાગુ થશે. જ્યારે પીએનબી અને બૅન્ક ઑફ ઇન્ડિયાના નવા વ્યાજદર આજે ગુરુવાર 10 એપ્રિલથી લાગુ થશે. સરકારી બૅન્કોએ ગઈકાલે સ્ટોક એક્સચેન્જીસ પર આ અંગે માહિતી આપી હતી. 

આ પણ વાંચોઃ ટેરિફ વોરને કારણે રિઝર્વ બૅન્ક ફુગાવા કરતાં આર્થિક વિકાસ બાબતે વધુ ચિંતિત

PNBનો વ્યાજદર 8.85 ટકા થયો

પંજાબ નેશનલ બૅન્કે ગુરુવારે રેપો આધારિત લોન રેટ 9.10 ટકાથી 0.25 ટકા ઘટાડી 8.85 ટકા કર્યો છે. બૅન્ક ઑફ ઇન્ડિયાએ પણ આરબીએલઆરમાં 0.25 ટકાનો ઘટાડો કરતાં નવો વ્યાજદર 8.85 ટકા થયો છે. જે પહેલાં 9.10 ટકા હતો. ઉલ્લેખનીય છે, આરબીઆઇ દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવતાં લોનધારકોને ફાયદો થશે, જો કે, બીજી તરફ એફડીમાં રોકાણ કરતાં નવા ગ્રાહકોને તેનાથી નુકસાન થશે. રેપો રેટના આધારે બૅન્કો બૅન્ક એફડી પર મળતાં વ્યાજમાં ઘટાડો કરી શકે છે. જો કે, ડિપોઝિટના ઘટતાં પ્રમાણને ધ્યાનમાં લેતાં બૅન્કો એફડી પર વ્યાજદર ઘટાડે છે કે નહીં, તે જોવાનું રહેશે.

રેપો રેટ ઘટતાં 4 સરકારી બૅન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યા 2 - image

Tags :