હિંડનબર્ગનો મોટો ધડાકો : SEBI ચેરપર્સન પર અદાણી સાથે મિલિભગતનો આરોપ, કાર્યવાહી નહીં થવાના કારણનો ઘટસ્ફોટ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
Hindenburg New Report on SEBI Chairperson


Hindenburg New Report on SEBI Chairperson : અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી અદાણી ગ્રુપને લઈને મોટો દાવો કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેબીના ચેરપર્સન માધ્વી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે મળેલા હતા. આ જ કારણ છે કે અદાણી પર થયેલ ગંભીર ખુલાસાના 18 મહિના બાદ પણ સેબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. 

સેબીના ચેરપર્સન પર અત્યંત ગંભીર આરોપ

હિંડનબર્ગ રિસર્ચે ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે અદાણી જૂથની કથિત નાણાંકીય ગેરરીતિમાં ઉપયોગમાં લીધેલી વિદેશી ફંડ અને કંપનીઓમાં SEBI ચેરપર્સન માધ્વી પુરી બુચ અને તેમના પતિનો પણ હિસ્સો છે.

અદાણીના ડિરેક્ટરે ઑફશોર કંપની ખોલી, માધ્વીનો તેમાં હિસ્સો

હિંડનબર્ગનો દાવો છે કે ઑફશોર મોરિશસ ફંડની સ્થાપના ઈન્ડિયા ઈન્ફોલાઇનના માધ્યમથી અદાણીના એક ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટમાં દસ્તાવેજો સાથે દાવો કર્યો છે કે સેબીના વર્તમાન ચેરમેન માધ્વી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પાસે અસ્પષ્ટ ઑફશોર બરમૂડા અને મોરિશસ ફંડમાં ગુપ્ત ભાગીદારી હતી. જેનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ કર્યો હતો. આટલું જ નહીં માધ્વી બુચ અને તેમના પતિએ 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. 

હિંડનબર્ગનું માનવું છે કે અદાણીને જાણ હતી કે સેબી ચેરપર્સનનો ઑફશોર કંપનીમાં ભાગ છે. SEBI દ્વારા હસ્તક્ષેપના જોખમ છતાં તેમ છતાં અદાણીએ પોતાનું કામ ચાલુ રાખ્યું. તેનાથી સમજી શકાય છે કે માધ્વી પુરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચે કોઈ સંબંધ છે. 

એગોરા એડવાઇઝરીમાં ભાગીદારી

હિંડનબર્ગ અનુસાર સેબીના ચેરપર્સન પાસે એગોરા એડવાઇઝરી નામક કન્સલ્ટન્સી બિઝનેસમાં 99 ટકા ભાગીદારી છે, જેમાં તેમના પતિ સંચાલન કરે છે. 2022માં આ કંપનીને 2,61,000 ડોલર પ્રાપ્ત થયા હતા.

જો સેબી ખરેખર ઑફશોર ફંડ ધારકોને શોધવા માંગે છે તો સેબીના ચેરપર્સને અરીસામાં પોતાનું મોઢું જોઈને શરૂઆત કરવી જોઈએ: હિંડનબર્ગ 


સેબી કહે છે કે પૂરાવા નથી: હિંડનબર્ગ

હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં સેબી દ્વારા મળેલ નોટિસનો પણ ઉલ્લેખ કર્યો છે. હિંડનબર્ગનો દાવો છે કે '40થી વધુ સ્વતંત્ર મીડિયા તપાસની સાથે સાથે પૂરાવા હોવા છતાં સેબીએ અદાણી સામે કોઈ કાર્યવાહી ન કરી. 18 મહિનાથી અદાણી સામે સેબી દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ઊંધું સેબીએ અમને જ કારણ બતાવો નોટિસ ફટકારી હતી.' હિંડનબર્ગનો દાવો છે કે સેબીએ નોટિસમાં રિપોર્ટમાં કોઈ ભૂલ હોવાનો દાવો નથી કર્યો, પણ એવું બહાનું આપ્યું છે કે અદાણી વિરુદ્ધ જે પૂરાવા આપવામાં આવ્યા છે તે પર્યાપ્ત નથી. 

ઑફશોર ફંડ કે ઑફશોર કંપની એટલે શું? 

જ્યારે કોઈ કંપની ટેક્સ કે પછી કાયદાથી બચવા માટે પોતાના ફાયદા માટે ટેક્સ હેવન દેશોમાં ગુપચુપ રીતે સંચાલન શરૂ કરે તેને ઑફશોર કહેવામાં આવે છે. કોર્પોરેટ ટેક્સ, કેપિટલ ગેઈન ટેક્સ જેવા અનેક ટેક્સથી બચવા માટે કંપનીઓ આવું કરતી હોય છે.  

આ વર્ષે જ હિંડનબર્ગે સેબી પર લગાવ્યા હતા આરોપ

અદાણી વિરુદ્ધ હિંડનબર્ગ દ્વારા રિપોર્ટ આવ્યા બાદ ભારતીય બજાર રેગ્યુલર એટલે કે SEBIએ હિંડનબર્ગને 46 પેજની કારણ બતાવો નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં હિંડનબર્ગે સેબી પર જ ગંભીર આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગે કહ્યું કે સેબી પોતાની જવાબદારી નિભાવી રહ્યું નથી અને છેતરપિંડી કરનારાઓની રક્ષા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સેબીએ પડદાં પાછળ અદાણીના શેરની મદદ કરવાના પ્રયાસ કર્યા હતા. 

જ્યારે એક રિપોર્ટના કારણે અદાણીના શેર થયા હતા ધડામ

નોંધનીય છે કે જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા. અદાણી ગ્રુપ પર આપેલ રિપોર્ટ બાદ બિઝનેસ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં કડાકો જોવા મળ્યો હતો. એક સમયે જે ગૌતમ અદાણી દુનિયામાં બીજા નંબરના અબજપતિ હતા, તે આ રિપોર્ટ આવ્યા બાદ 36માં નંબર પર ધકેલાઇ ગયા હતા. 

ઉદય કોટકની કંપની પર પણ લગાવ્યો હતો આરોપ

હિંડનબર્ગે આ વર્ષે જ અગાઉ સેબી પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો હતો. હિંડનબર્ગનો દાવો હતો કે ઉદય કોટકની બ્રોકરેજ ફર્મ દ્વારા ઑફશોર ફંડ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું, જેનો ઉપયોગ અદાણી દ્વારા કરવામાં આવ્યો જેથી શોર્ટ સેલ કરી ફાયદો ઉઠાવી શકાય.


Google NewsGoogle News