SEBIના ચેરપર્સન પર કયા આરોપ મૂક્યા છે, સમજો હિંડનબર્ગનો રિપોર્ટ ટુ ધ પોઈન્ટ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
Hindenburg Report On SEBI

Image: IANS



Hindenburg Report On SEBI: અમેરિકાની શોર્ટ સેલર હિંડનબર્ગે ગતવર્ષે અબજોપતિ ગૌતમ અદાણી ગ્રૂપના શેર્સમાં ગેરરિતિ થઈ હોવાનો રિપોર્ટ રજૂ કરતાં ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. હવે આ વર્ષે માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર નિશાન સાધ્યું છે. 

શનિવારે સાંજે હિંડનબર્ગે રિપોર્ટ જારી કરી દાવો કર્યો છે કે, સેબીના ચેરપર્સન અને તેમના પતિ ધવલ બુચ ગૌતમ અદાણીના શેર્સની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવેલ ઓફશોર ફંડમાં હિસ્સો ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ઓફશોર ફંડ શું છે અને કેવી રીતે કામ કરે છે?

ઓફશોર ફંડ શું છે?

હિંડનબર્ગ રિપોર્ટમાં જણાવ્યું છે કે, સેબી ચેરપર્સન માધબી પુરી બુચ અને તેના પતિએ બર્મૂડા અને મોરિશિયસ ઓફશોર ફંડ્સમાં હિસ્સો ધરાવે છે. જેનો ઉપયોગ અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યો હતો. ઓફશોર ફંડ્સને ઈન્ટરનેશનલ અર્થાત વિદેશી ફંડ્સ તરીકે ઓળખવામાં આવે છે. વિદેશી બજારમાં રોકાણ કરનારી મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમ જ છે. જે કોઈ ખાસ સેક્ટર અને કંપની કે ફિક્સ્ડ સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે.

ઓફશોર બેન્કિંગનો અર્થ

Offshore Banking એટલે વિદેશી બેન્ક. ઓફશોર બેન્ક એકાઉન્ટમાંથી વિદેશી ચલણમાં ટ્રેડ કરવુ સરળ બને છે. જે તમને કોઈ અન્ય દેશ દ્વારા આપવામાં આવતી ફાઈનાન્સિયલ સિક્યુરિટી કે ટેક્સના લાભો લેવાની મંજૂરી આપે છે. ઓફશોર બેન્કિંગનો મોટાભાગે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતાં બિઝનેસમાં ઉપયોગ થાય છે.

આ પણ વાંચોઃ હિંડનબર્ગની દુનિયાભરમાં ચર્ચા, જાણો કોણ છે તેનો માલિક નથાન અને કેવી રીતે કમાય છે આ કંપની?

ઓફશોર ફંડ કેવી રીતે કામ કરે છે?

ઓફશોર ફંડ્સ રોકાણકારોના પ્રતિનિધિ રૂપે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રોકાણ કરે છે. જે પ્રત્યક્ષ રૂપે વિદેશી કંપનીઓના શેર્સમાં રોકાણ કરે છે, અને અન્ય વિદેશી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે. સ્થાનિક સ્તરે શેર્સમાં રોકાણની તુલનાએ વિદેશી શેર્સમાં રોકાણ જોખમી હોય છે. જેમાં ફોરેન કરન્સીના આધારે નફામાં વધ-ઘટ થાય છે.

મની સિફનિંગ શું છે?

હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી મની સિફનિંગ સ્કેન્ડલ (નાણાંની હેરાફેરી)નો ઉલ્લેખ થયો છે. બેન્કો અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન પાસેથી લેવામાં આવેલા દેવાનો ઉપયોગ સંબંધિત કંપની કોઈપણ ઉદ્દેશ માટે કરે છે. જેના વિશે લેણદારોને કોઈ માહિતી હોતી નથી. જેનાથી નાણાકીય સ્થિતિને નુકસાન પહોંચે છે. જેને મની સિફનિંગ સ્કેન્ડલ તરીકે ઓળખવામાં આવે છે.

ટેક્સ હેવન શું છે?

જે દેશમાં અન્ય દેશોની તુલનાએ ઓછો ટેક્સ લાગુ થતો હોય, અથવા તો કરમુક્ત હોય, તેવા દેશમાં જે વિદેશી નાગરિકો, રોકાણકારો અને બિઝનેસમેનને સુવિધા પ્રદાન કરવામાં આવે છે કે, તેઓ દેશમાં રહી રોકાણ કરશે તો તેના પર ટેક્સ લાગુ થશે નહીં, અથવા તો ખૂબ ઓછો ટેક્સ ચૂકવવો પડશે. ખાસ કરીને ટેક્સ હેવન દેશ એવા લોકો માટે સ્વર્ગ (હેવન) બની જાય છે, જે ટેક્સ ચોરી કરી આ દેશોમાં રોકાણ કરે છે. હિંડનબર્ગના રિપોર્ટમાં બર્મૂડા અને મોરિશિયસનો ઉલ્લેખ થયો છે, તે બંને દેશ પણ ટેક્સ હેવન દેશમાં સામેલ છે. સાઈપ્રસ અને પનામા જેવા તમામ દેશો તેમાં સામેલ છે.

હિંડનબર્ગ શું છે?

હિંડનબર્ગ અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએટ નાથન એન્ડરસન દ્વારા સંચાલિત શોર્ટ સેલર ફર્મ છે. 2017માં તેની સ્થાપના થઈ હતી. તેનું નામ હિંડનબર્ગ એરશિપ એક્સિડન્ટના નામ પર રાખવામાં આવ્યું છે. કંપનીનું કામ શેર માર્કેટ, ઈક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સ પર રિસર્ચ કરી તેમાં થતી ગેરરિતિઓ ઉજાગર કરવાનું છે. તેમજ શોર્ટ સેલિંગ મારફત કમાણી પણ કરે છે.

શેલ કંપનીઓ શું હોય છે?

માત્ર કાગળ પર ચાલતી કંપનીઓને શેલ કંપની કહે છે. જેનો કોઈ સત્તાવાર બિઝનેસ હોતો નથી. સામાન્ય રીતે આ કંપનીઓનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થાય છે. આ કંપનીઓની મદદથી કાળા નાણાંને વ્હાઈટ કરવામાં આવે છે.

સેબી કેવી રીતે કામ કરે છે?

સેબીની સ્થાપના વર્ષ 1992માં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર તરીકે થઈ હતી. જેનું કામમ રોકાણકારોના હિતોની રક્ષા કરવાની સાથે યોગ્ય માર્ગદર્શન આપવાનું પણ છે. કેપિટલ માર્કેટમાં વેપાર સંબંધિત હેરાફેરી અને છેતરપિંડીને અટકાવવાની જવાબદારી છે.

સેબી ચેરપર્સનની નિમણૂક કોણ કરે છે?

સેબીના ચેરપર્સનની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. માર્કેટ રેગ્યુલેટરની પ્રથમ મહિલા ચેરપર્સન માધબી પુરી બુચ બન્યા હતા. માર્ચ-22થી તેમણે ફરજો સંભાળવી હતી. હાલ બુચ અને તેમના પતિ હિંડનબર્ગના નિશાના પર છે.

SEBIના ચેરપર્સન પર કયા આરોપ મૂક્યા છે, સમજો હિંડનબર્ગનો રિપોર્ટ ટુ ધ પોઈન્ટ 2 - image


Google NewsGoogle News