SEBI ચીફના ખુલાસા સામે હિંડનબર્ગનું આવ્યું રિએક્શન, કહ્યું - 'સ્પષ્ટતા કરવામાં જ સ્વીકારી લીધું...'
Hindenburg Vs SEBI: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે (Hindenburg) શનિવારે પોતાનો રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામે નવા પ્રહાર કર્યા છે. માધબી પુરી બુચ દ્વારા પોતાની સામે લાગેલા આરોપો પર ખુલાસો કરાયા બાદ હવે હિંડનબર્ગે નવી પોસ્ટમાં કહ્યું છે કે સેબી ચીફ માધબી પુરી બુચના જવાબથી એ વાતની પુષ્ટી થાય છે કે બરમુડા/ મોરેશિયસના ફંડમાં તેમણે રોકાણ કર્યું હતું અને આ એ જ ફંડ છે જેનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી કરતા હતા. આરોપ એ છે કે વિનોદ અદાણી આ ફંડની મદદથી અદાણી ગ્રુપના શેર્સની કિંમતોને વધારવા માટે કરતા હતા. હિંડનબર્ગે કહ્યું કે માર્કેટ રેગ્યુલેટર સેબીને અદાણી મામલે આ ઓફશોર ફંડની તપાસ કરવા માટેની જ કામગીરી સોંપાઈ હતી.
શું કહ્યું હિંડનબર્ગ રિસર્ચે નવી પોસ્ટમાં
હિંડનબર્ગે તેની નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં નવો દાવો કર્યો છે. તેણે કહ્યું કે સેબી પ્રમુખે તેમની સ્પષ્ટતામાં કેટલાક આરોપો સ્વીકારી લીધા છે. સેબીના પ્રમુખની પોસ્ટ પરથી બરમુડા મોરેશિયસ ફંડમાં સેબી ચેરપર્સનના રોકાણની પુષ્ટિ થઈ ગઈ છે. આ સાથે અગોરા એડવાઇઝરી લિમિટેડના અધિકારો માધબી બુચ પાસે છે. આ ઉપરાંત હિંડનબર્ગે દાવો કર્યો હતો કે 16 માર્ચ 2022 સુધી અગોરા પાર્ટનર્સ સિંગાપોરના 100 ટકા શેરધારક માધબી બુચ જ હતા. હિંડનબર્ગે દાવો કર્યો કે માધબી બુચે એ સ્પષ્ટતા કરી હતી કે આ ફંડનું સંચાલન તેમના પતિના બાળપણના એક મિત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હતું જે તે સમયે અદાણીમાં ડિરેક્ટર પદે હતા. સેબીને અદાણી કેસમાં ઇન્વેસ્ટમેન્ટ ફંડની તપાસ સોંપાઈ હતી જેમાં એ ફંડ સામેલ હતા જેમાં બુચે અંગત રોકાણ કર્યું હતું અને એ ફંડ પણ સામેલ હતા જેમના વિશે અમે ઓરિજનલ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો. નક્કી જ આ હિતોના ટકરાવનો મામલો છે.
શું કહ્યું SEBIના ચેરપર્સન માધબી પુરી બુચે?
જો કે હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારી સામે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક નિવેદન જારી કરતાં માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે કહ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવાયેલા આરોપો પુરાવા વગરના છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન સૌની સામે જ છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂર હતી તે તમામ જાણકારીઓ ગત વર્ષમાં સેબીને આપી દીધી છે.
આ પણ વાંચો: સેબી અધ્યક્ષ - અદાણી વિવાદમાં મહુઆ મોઇત્રાએ ઉઠાવેલા કેટલાક સવાલો
સેબીની કાર્યવાહીના જવાબમાં આ કૃત્યુ કર્યું હોવાનો દાવો
માધબી પુરી બુચે આગળ કહ્યું કે અમે કોઈપણ ફાયનાન્સિયલ ડૉક્યુમેન્ટનો ખુલાસો કરવામાં ખચકાશું નહી, જેમાં એ દસ્તાવેજ પણ સામેલ છે જે એ સમયગાળા સાથે સંકળાયેલા છે જ્યારે અમે સંપૂર્ણપણે સામાન્ય નાગરિક હતા. જો અધિકારીને જરૂર હશે તો અમે તે આપવા તૈયાર છીએ. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે હિંડનર્બગ રિસર્ચ સામે સેબીએ કાર્યવાહી કરી છે અને કારણદર્શક નોટિસ મોકલી છે તેણે એના જ જવાબમાં અમારા ચરિત્રને બગાડવાનો પ્રયાસ કર્યો છે.
હિંડનબર્ગે પ્રથમ રિપોર્ટમાં આ આક્ષેપો કર્યા હતા
હિંડનબર્ગે દ્વારા શનિવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હિસલબ્લોઅર ડૉક્યુમેન્ટ દર્શાવે છે કે માધબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડૉલર હોવાનો અંદાજ છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો હતો કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના અદાણી ગ્રુપના ડાયરેક્ટર દ્વારા ઇન્ડિયા ઇન્ફોલાઇન દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે.
હિંડનબર્ગ રિસર્ચ શું છે?
'હિંડનબર્ગ રિસર્ચ'એ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે, જેની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસન દ્વારા થઈ હતી. ન્યુ જર્સીના માન્ચેસ્ટર ટાઉનશીપમાં 6 મે, 1937ના રોજ હિંડનબર્ગ એરશિપ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 36 લોકો માર્યા ગયા હતા. નાથનનું માનવું છે કે એ 'માનવસર્જીત' દુર્ઘટના ટાળી શકાય એવી હતી. વર્તમાન જગતમાં એવી માનવસર્જીત કોર્પોરેટ છેતરપિંડી અને ગેરરીતિને ઉઘાડા પાડવાની નેમ હોવાથી નાથને એની ફર્મને હિંડનબર્ગનું નામ આપ્યું છે.