45 વર્ષનું સૌથી વધુ રિટર્ન! 2024માં સોનાએ તોડ્યો રેકૉર્ડ, જાણો ક્યારે કેટલા વધ્યા ભાવ
Gold Return: ફેસ્ટિવ સીઝનની વચ્ચે સોનાએ રેકૉર્ડ તોડી નાખ્યો છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમત 77 હજાર પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. આ સ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 15%થી ઘટાડીને 6% કરી દેવામાં આવી છે. કેડિયા એડવાઈઝરીનો અંદાજ છે કે આ કાપ વિના MCX પર સોનાના ભાવ અત્યાર સુધીમાં રૂ. 80,000ના લેવલને પાર કરી ગયા હોત.
સ્થાનિક બજારોની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાના ભાવ 2,727.20 ડોલર આઉન્સના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. સોનાએ અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરી લીધી છે.
સાડા ચાર દાયકાનો રેકોર્ડ
જો છેલ્લા સાડા ચાર દાયકાના એટલે કે 45 વર્ષના ડેટા પર નજર કરીએ તો વર્ષ 2024માં સોનાએ સૌથી વધુ વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલા ભાવ પ્રમાણે જોઈએ તો સોનાના ભાવમાં આ વર્ષે 31.33%નો વધારો થઈ ચૂક્યો છે.
આ વર્ષ પૂરું થવામાં હજુ 2 મહિના કરતાં વધુ સમય બાકી છે. જો આ સમયગાળા દરમિયાન પણ ભાવમાં વધારો થશે તો સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં અતૂટ રેકોર્ડ હાંસલ કરી લેશે.
આ પહેલા વર્ષ 2007માં સોનાના ભાવમાં લગભગ 31%નો વધારો થયો હતો. વર્ષ 2010માં સોનાના ભાવમાં 29.61%નો વધારો થયો હતો, જ્યારે 2020માં સોનાના ભાવમાં 25.09%નો વધારો થયો હતો. આ ચાર વર્ષો ઉપરાંત ક્યારેય પણ સોનાના ભાવમાં 25%થી વધુનો વધારો નથી થયો.
સ્થાનિક બજારોમાં સોનું રેકૉર્ડ સ્તર પર છે. MCX પર સોનુ 77,641 પ્રતિ 10 ગ્રામના નવા રેકૉર્ડ સ્તર પર પહોંચી ગયું છે. બીજી તરફ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન (IBJA) પ્રમાણે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 76,810 પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે.
સોનાની તેજી પાછળ અનેક કારણો
હાલમાં સોનાની તેજી પાછળના અનેક કારણો છે. સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધુ કાપની અપેક્ષા વચ્ચે સિક્યોર-એસેટની વૈશ્વિક માગ ભાવમાં વધારાને સમર્થન કરી છે. આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં વધતો તણાવ પણ સોનાના ભાવમાં તેજીનું સેન્ટિમેન્ટ વધારી રહ્યો છે. આવી સ્થિતિમાં સોનાના ભાવ આ વર્ષના અંત સુધીમાં રૂ. 79,000ના સ્તરને પાર કરી શકે છે.
આ પણ વાંચો: ધનતેરસ પહેલાં સોનું ઐતિહાસિક ટોચે, ચાંદી પણ સર્વોચ્ચ સપાટી નજીક, જાણો લેટેસ્ટ અપડેટ્સ
કેડિયા એજવાઈઝરીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે સોનાના ભાવમાં 22%નો વધારો થયો છે. છેલ્લા 20 વર્ષમાં સોનાના ભાવમાં સૌથી વધુ 31.85%નો વધારો 2011માં નોંધાયો હતો. આ પહેલા 2008માં સોનાના ભાવમાં 28.61%નો વધારો થયો હતો. વર્ષ 2020માં સોનાના ભાવમાં 28.24%નો વધારો થયો હતો.
સોનું 11 વર્ષમાં અઢી ગણું મોંઘું થયું
છેલ્લા 11 વર્ષોમાં સોનું અઢી ગણુંથી પણ મોંઘું થઈ ચૂક્યું છે. જાન્યુઆરી 2014માં જે સોનાનો ભાવ 29,462 રૂપિયા ચાલી રહ્યો હતો, ઓક્ટોબર 2024માં તેનો ભાવ 77,570 રૂપિયા પર પહોંચી ગયો છે.
જુલાઈ 2020માં સોનું 53,445 રૂપિયાની વિક્રમી સપાટી પર પહોંચી ગયું હતું. ત્યારબાદ ડિસેમ્બર 2020માં ભાવમાં થોડો ઘટાડો નોંધાતા તે 50,000 રૂપિયાની નજીક પહોંચી ગયો હતો. આ પછી જાન્યુઆરી 2022માં સોનાનો ભાવ ઘટીને લગભગ 47 હજાર રૂપિયા થઈ ગયો હતો પરંતુ ફરીથી તેમાં તેજી જોવા મળી.
2014થી અત્યાર સુધીમાં સોનાએ 3 સારા વર્ષ જોયા છે. રોકાણની દૃષ્ટિએ પણ આ વર્ષો સારા રહ્યા છે. સોનાએ વર્ષ 2019માં લગભગ 25% અને વર્ષ 2020માં લગભગ 28% રિટર્ન આપ્યું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 10 મહિનામાં સોનાએ 22%ના વધારા સાથે ઠીક-ઠીક રિટર્ન આપ્યું છે.
આ પણ વાંચો: ઈન્ડિગોના એક સાથે 5 વિમાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
કેડિયા એડવાઇઝરી પ્રમાણે જો સરકારે બજેટમાં કસ્ટમ ડ્યૂટીમાં રાહત ન આપી હોત તો સોનાનો ભાવ રૂ. 80,000 પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો હોત. આ વર્ષના અંત સુધીમાં તેની નજીક પહોંચી જવાની શક્યતા છે.