Get The App

લિક્વિડિટી ઊભી કરવા નાની બેન્કો પર થાપણ દરમાં વધારો કરવાનું ભારે દબાણ

- સાત વર્ષના લાંબા સમયગાળા બાદ એફડી પરના વ્યાજ દર ફરી પાછા આઠથી નવ ટકાના સ્તરે

Updated: Nov 24th, 2022


Google NewsGoogle News
લિક્વિડિટી ઊભી કરવા નાની બેન્કો પર  થાપણ દરમાં વધારો કરવાનું ભારે દબાણ 1 - image


મુંબઈ : ધિરાણ માગમાં વધારો અને બીજી બાજુ લિક્વિડિટીની ખેંચને પરિણામે દેશના બેન્કિંગ ક્ષેત્ર ખાસ કરીને નાની બેન્કો  પર  થાપણ મેળવવા વ્યાજ દરમાં વધારો કરવાનું દબાણ આવી રહ્યું છે. 

હાલમાં અનેક બેન્કોના ફિક્સડ ડિપોઝિટસ (એફડી)ના દરો કોરોના પહેલાના સ્તરે આવી ગયા હોવાનું જોવા મળે છે. ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેન્કે થાપણ પરના દરમાં ૮.૭૫ ટકા સુધીના વધારાની જાહેરાત કરી છે. 

આ અગાઉ જાના સ્મોલ ફાઈનાન્સ બેન્કે પણ એફડી પર  સીનિયર સિટિઝન્સને ૮.૫૦ ટકા સુધીના વ્યાજની જાહેરાત કરવી પડી છે. 

છથી સાત વર્ષના ગાળા બાદ એફડી પરના વ્યાજ દર ફરી પાછા આઠથી નવ ટકા પર આવી ગયા છે, એમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. 

દેશના બેન્કિંગ ક્ષેત્રમાં હાલમાં લિક્વિડિટીની ખેંચ અનુભવાઈ રહી છે એટલું જ નહીં થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી જોવા મળી રહી છે. ૪ નવેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં થાપણ વૃદ્ધિનો આંક વાર્ષિક ધોરણે ૮ ટકા રહ્યો હતો જ્યારે ધિરાણ વૃદ્ધિનો આંક ૧૬.૮૧ ટકા રહ્યો હતો. આમ થાપણની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ બમણી વધી રહી છે. 

આવી સ્થિતિમાં બેન્કોએ થાપણ મેળવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વધુને વધુ થાપણ મેળવવા બેન્કો પર વ્યાજ દરમાં વધારો કરવાનું દબાણ આવી રહ્યું હોવાનું વર્તુળોએ વધુમાં જણાવ્યું હતું. ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં સ્થાનિક કંપનીઓને ધિરાણ  વૃદ્ધિની માત્રા તાજેતરમાં છેલ્લા આઠ વર્ષની સૌથી ઊંચી જોવા મળી રહી છે. 


Google NewsGoogle News