Get The App

હીટવેવની આગાહીથી રિઝર્વ બેન્કની ચિંતામાં વધારો

- વધુ પડતા તાપમાનની સ્થિતિમાં શાકભાજીના ભાવ ઊંચા રહેવાની શકયતાથી વ્યાજ દરમાં કપાત લંબાઈ જવાની સંભાવનાઓમાં થયેલો વધારો

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
હીટવેવની આગાહીથી રિઝર્વ બેન્કની ચિંતામાં વધારો 1 - image


મુંબઈ : દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં ઊંચા તાપમાન તથા હીટવેવની ભારતીય હવામાન વિભાગની આવી પડેલી ચેતવણી દેશની સામાન્ય જનતા સાથોસાથ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ચિંતામાં પણ વધારો થયો છે.હીટવેવને કારણે ખાસ કરીને શાકભાજીના ઉત્પાદન પર સૂચિત અસર ખાધાખોરાકીના ફુગાવામાં વધારો કરાવી શકે છે. દેશમાં ખરીફ વાવેતર જૂનથી શરૂ થતું હોવાથી ખરીફ અનાજ પર પણ હીટવેવની અસર નકારાતી નથી.

એપ્રિલથી જૂનના ગાળામાં દેશમાં તાપમાન સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની હવામાન વિભાગની ધારણાં આવી પડી છે. 

હીટવેવને કારણે ફુગાવો ઘટાડવાના રિઝર્વ બેન્કના પગલાં પર અસર પડી શકે છે, અને શાકભાજીના ભાવ લાંબો સમય સુધી ઊંચા રાખી શકે છે. રિઝર્વ બેન્ક જૂનથી વ્યાજ દરમાં ઘટાડો શરૂ કરશે તેવી અપેક્ષા રખાતી હતી પરતું તે હવે લંબાઈ જવાની શકયતા રહેલી હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

રેપો રેટમાં ઘટાડો હવે ઓગસ્ટ અથવા ઓકટોબરની બેઠકમાં જોવા મળી શકે છે. જો કે તેનો આધાર પણ ખરીફ વાવણીની કામગીરી તથા ચોમાસાની સ્થિતિ પર રહેશે.

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની વર્તમાન નાણાં વર્ષની પ્રથમ બેઠક આવતી કાલથી શરૂ થઈ રહી છે અને પાંચમી એપ્રિલે કમિટિ પોતાનો નિર્ણય જાહેર કરશે. 

છેલ્લા અનેક મહિનાથી દેશમાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટ કરતા સતત ઊંચો રહ્યા કરે છે. ઊંચા ફુગાવાને કારણે છેલ્લી છ બેઠકમાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૬.૫૦ ટકા યથાવત રાખ્યો છે. વ્યાજ દરમાં ઘટાડો શરૂ કરવા પહેલા રિઝર્વ બેન્ક ફુગાવાને ચાર ટકાની નજીક લાવવા માગે છે. શાકભાજી તથા અનાજના પાકને કોઈપણ નુકસાન ગ્રામ્ય માગ પર અસર કરી શકે છે.

કોફી, પામ ઓઈલ, ખાંડ જેવા ખાધ્ય પદાર્થોના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ખાંડના ભાવમાં વાર્ષિક ધોરણે દસ ટકા જેટલો વધારો થયો છે. 


Google NewsGoogle News