મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતની હરણફાળમાં મોટો ફાળો ગુજરાતનો, જાણો અન્ય રાજ્યોની શું છે સ્થિતિ?
ભારતમાં મેન્યુફેક્ચરિંગ બજાર 2025-26 સુધી 1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાના માર્ગે અગ્રેસર
ઔદ્યોગિક રોકાણોની યાદીમાં ગુજરાત ટોચ પર, ત્યારબાદ મહારાષ્ટ્ર અને તમિલનાડુ
image : Envato |
Gujarat leads manufacturing sector in India | ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઝડપથી આગળ વધી રહ્યું છે. પૂરતાં રોકાણને આકર્ષિત કરી રહ્યું છે અને ઝડપી આર્થિક પરિવર્તન માટે મંચ પણ તૈયાર છે. કોલિયર્સનો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ બજાર 2025-26 સુધી 1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાના માર્ગે અગ્રેસર છે. ભારતના મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે ગુજરાત સૌથી આગળ છે. તેના પછી મહારાષ્ટ્ર અને તમિલનાડુનો વારો આવે છે.
FDIમાં તેજી
ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રભાવશાળી વિસ્તરણ જોવા મળ્યું છે જે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની પર્યાપ્ત વૃદ્ધિથી સ્પષ્ટ છે જે નાણાકીય વર્ષ 2020-21માં 17.51 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. આ ગ્લોબલ રોકાણકારોના વધતાં વિશ્વાસને દર્શાવે છે. તેનો શ્રેય મેક ઈન ઈન્ડિયા પહેલ, ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને પ્રોડક્શ્ન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) જેવી સ્કીમને જાય છે. PLI યોજનાએ ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સથી લઈને કાપડ સુધી વિવિધ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
GDPમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો કેટલો ફાળો?
મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હાલમાં GDPમાં 17% ફાળો છે અને તે આગામી 6-7 વર્ષોમાં 21% સુધી પહોંચવાનું અનુમાન છે. આ ગ્લોબલ સપ્લાય ચેઈનમાં તેની સ્થિતિને મજબૂત કરવાની ભારતની ક્ષમતાને દર્શાવે છે.
ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રણી
ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર મૂડી રોકાણ આકર્ષી રહ્યું છે અને મર્જર અને અધિગ્રહની પ્રવૃત્તિઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વર્તમાન કિંમતો પર મેન્યુફેક્ચરિંગ માટે અંદાજિત ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA) 110.48 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. ખાસ કરીને ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્સટાઈલ સેક્ટરમાં નોંધપાત્ર રોકાણ જોવા મળ્યું છે, જે આશાસ્પદ વૃદ્ધિ દર્શાવે છે. ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે વૈશ્વિક બ્રાન્ડ્સ તેમની સોર્સિંગ વ્યૂહરચનાનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે અને ભારતીય એકમોમાં રોકાણ કરી રહી છે.
ગુજરાત ઔદ્યોગિક રોકાણમાં મોખરે
કોલિયર્સના વ્યાપક અભ્યાસ મુજબ ઔદ્યોગિક રોકાણોની યાદીમાં ગુજરાત ટોચ પર છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને તમિલનાડુ છે. રેન્કિંગમાં શ્રમની ઉપલબ્ધતા, સરકારી સહાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય ઓફરિંગ જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.