Get The App

GST રજિસ્ટ્રેશન લેનારના ચહેરાની ઇમેજ બાયોમેટ્રિક્સમાં લેવામાં આવશે

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
state-gst-department-first-in-india-kanu-desai-cabinet-minister


GST Registration: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન લેનારાઓએ હવે બાયોમેટ્રિક્સ ઓળખમાં ચહેરો પણ દર્શાવવો પડશે. અત્યાર સુધી ફિન્ગર પ્રિન્ટ અને આંખની કીકીની ઇમેજ લેવામાં આવતી હતી. હવે અરજી કરનારનો ચહેરો લેવામાં આવશે અને અરજી કરનારે પોતે જીએસટી કચેરીમાં હાજર પણ થવું પડશે. બોગસ બિલિંગના કેસો રોકવા માટે ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે રાજ્યકરવેરા ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું. 

આધારકાર્ડ આધારિત ચહેરોની ઓળખ પણ લેવામાં આવશે

કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે જીએસટી રજિસ્ટ્રેશન લેનારાઓની ઓળખને વઘુ સચોટ બનાવવા માટે આધારકાર્ડ આધારિત ચહેરોની ઓળખ પણ લેવામાં આવશે. આ પ્રક્રિયાને કારણે જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપી બનશે. નવા રજિસ્ટ્રેશન મેળવવામાં ઓછો સમય લાગશે. બોગસ બિલિંગ કરનારાઓ આર્થિક રીતે નબળા લોકો પાસે બે ચાર હજાર આપીને તેમના પાનકાર્ડ અને અન્ય પુરાવાઓ મેળવી લઈને તેમના જ નામે જીએસટી રજિસ્ટ્રેશન મેળવી લેતા હતા. 

હવે જીએસટી રજિસ્ટ્રેશન લેવા માટે અરજી કરનારને રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે. પરિણામે તેમના નામે જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું હોવાની હકીકતથી તેઓ અજાણ હોવાની દલીલ હવે કરી શકશે નહિ. બીજાના નામે રજિસ્ટ્રેશન લીધા પછી બેફામ બોગસ બિલિંગ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી રહી છે. 

જીએસટી સેવા કેન્દ્ર પર પુરાવાઓની પણ ખરાઈ કરવામાં આવશે

જીએસટી રજિસ્ટ્રેશન લેવા ઇચ્છનારાઓએ સેવા કેન્દ્ર પર હાજર થવું જ પડશે. જીએસટી સેવા કેન્દ્ર પર તેમના આધારકાર્ડની ખરાઈ કરવામાં આવશે. તેમ જ અન્ય પુરાવાઓની પણ ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ તેમને જીએસટીનો નોંધણી નંબર આપવો કે નહિ તે અંગે નિર્ણય લવામાં આવશે. જીએસટી સેવા કેન્દ્ર આવ્યા પછી ચકાસણી ચુસ્ત કરવાની સિસ્ટમને કારણે નવેમ્બર 2023થી જુલાઈ 2024ના ગાળામાં જીએસટી રજિસ્ટ્રેશનની અરજીની સંખ્યામાં 24.30 ટકાનો ઘટાડો થયો છે. 

જોકે જુલાઈ 2017માં જીએસટીનો અમલ થયો ત્યારે રજિસ્ટ્રેશન ધરાવનારાઓની સંખ્યા 5,08,863ની હતી. તે પહેલી જુલાઈ 2024ના વધીને 11,97,476 થઈ ગઈ છે. આ ગાળામાં ગુજરાતની જીએસટીની આવક રૂ. 32,030 કરોડથી વધીને 64,576 કરોડ થઈ ગઈ છે.

જીએસટીના એટેચમેન્ટની પણ સમસ્યા, પણ ફોડ ન પાડ્યો

મોબાઈલના વેપારીઓ પરના દરોડા બાદ ડિમાન્ડ નોટિસ કાઢ્‌યા પછી વેપારીઓએ જમા કરવા પાત્ર ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ જમા કરાવી દીધા પછી પણ તેમના બેન્ક એકાઉન્ટ ખોલી આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ અંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને પૂછવામાં આવ્યું હતું, તેમના વતીથી અધિકારીઓએ આ મુદ્દે ફોડ પાડીને વાત કરી નહોતી. 

ઓક્ટોબર 2023થી વેપારીઓના ખાતા એટેચ થઈ ગયા હોવાથી તેમને વેપાર કરવામાં તકલીફ પડી રહી છે ત્યારે તેમના એકાઉન્ટ પરના એટેચમેન્ટ વહેલામાં વહેલા હટી જવા જોઈએ. જીએસટી કચેરી દ્વારા એટેચમેન્ટ હટાવવામાં પખવાડિયાથી વઘુ સમયનો વિલંબ કરવામાં આવી રહ્યો હોવાથી વેપારીઓની હાલાકી વધી રહી છે. તેમના કરોડો રૂપિયા બ્લોક થઈ ગયા છે. 

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સના ઓક્ટોબર 2023માં દરોડા પાડ્યા પછી સરકારની ડિમાન્ડ પ્રમાણે 30મી જૂનના અરસામાં રૂ. 50 લાખથી વઘુ રકમ જીએસટી પેટે જમા કરાવી દેનારા વેપારીના ખાતાઓ પરના એટેચમેન્ટ બાર દિવસે પણ ઊઠાવવામાં આવ્યા નથી. વેપારીએ જીએસટીની રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે જમા કરાવી દીધા પછી વ્યાજ અને પેનલ્ટીની રકમ રોકડેથી ભરવાની હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

વ્યાજ અને પેનલ્ટી રોકડેથી જ ભરવાનો નિયમ છે. તેની અગાઉથી વેપારીને જાણકારી આપવામાં આવે તો વ્યાજ અને પેનલ્ટી રોકડેથી જમા કરાવી દે છે. આ જાણકારી ન હોવાથી વેપારીએ નવેસરી બીજા 10 થી 15 લાખ કાઢવા પડ્યા હતા. આ રકમ જમા થતાં તેમને ચેકથી જમા આપેલી રકમ પરત કરી દેવાની ખાતરી આપવામાં આવી છે. 

જીએસટી અધિકારીના ગલ્લાતલ્લાથી કંટાળીને વેપારીએ ઊંઘની ગોળી ખાઈ લેતા અધિકારીઓ ફફડી ઊઠ્યા હતા. તેમણે તેમના કામને ઝડપથી આગળ વધારવાની ખાતરી આપવા માંડી છે. ત્યારબાદ જીએસટી કચેરીએ વેપારીએ જીએસટીની રકમ જમા કરાવી દીધી હોવાનું જણાવીને એચડીએફસી બેન્ક અને ઇન્ડસઈન્ડ બેન્કને મેઈલ કરી દીધો છે. પરંતુ આ મેઈલ ફેક (બનાવટી) મેઈલ નથી તેની ચકાસણી બેન્ક કરી રહી છે. બેન્ક અધિકારીઓ પોતાની ફૂરસદે આરામથી મેઈલનું ક્રોસ વેરિફિકેશન કરી રહ્યા છે. 

રજિસ્ટ્રેશનમાં સ્થળતપાસ કરનારા અધિકારીઓને જવાબદાર બનાવો

જીએસટી રજિસ્ટ્રેશન આપતા પૂર્વે અરજદારના ધંધાના સ્થળની તપાસ કરીને અધિકારીએ રિપોર્ટ આપવાનો નિયમ છે. આ મુલાકાત માત્ર જઈને પૈસા લઈ આવવાની પ્રથા બની ગઈ છે. તેમાં હકીકતની ખરાઈ કરીને સાચો રિપોર્ટ આપવામાં ન આવતો હોવાથી બોગસ બિલિંગ કરનારાઓ તેનો ગેરભાલ ઊઠાવીને બોગસ બિલિંગ કરીને પોબારા ગણી જાય છે. આ પ્રકારની ઘટના બને ત્યારે સ્થળ તપાસ કરનારા અધિકારીને જવાબદાર ઠેરવી તેમની સામે પગલાં લેવામાં આવે તો તેમને બોગસ બિલિંગના દૂષણને નાથી શકાય છે.

રેડફૂફ્લેગની સિસ્ટમનો વ્યવસ્થિત ઉપયોગ થતો નથી

જીએસટી રજિસ્ટ્રેશન લેનારાના ખાતામાં અસહજ ગણાત તેટલા મોટા વહેવારો થવા માંડે તો તે નંબર સામે રેડફ્‌લેગ આવી જાય છે. આ રેડફ્‌લેગ જોયા પછી તેના વહેવારને મોનિટર કરીને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા અટકાવવાનો ઇરાદો છે. 

પરંતુ રેડ ફ્‌લેગની સિસ્ટમનો બરાબર ઉપયોગ જ થતો નથી. રેડફ્‌લેગ પર નિયમિત મોનિટરિંગ કરીને સંબંધિત વેપારી પર વોચ રાખવામાં આવે તો બોગસ બિલિંગ અટકાવી શકાય છે. પરંતુ અધિકારીઓ જાણી બૂઝીને આ હકીકત પરત્વે આંખ આડા કાન કરી રહ્યા હોવાનું જોવા મળે છે.

આ પણ વાંચો:  છેલ્લા નવ મહિનામાં બોગસ ખાતા અને છેતરપિંડીની સંખ્યામાં વધારો થતાં બેંકો એલર્ટ

GST રજિસ્ટ્રેશન લેનારના ચહેરાની ઇમેજ બાયોમેટ્રિક્સમાં લેવામાં આવશે 2 - image


Google NewsGoogle News