GST Return : નાના દુકાનદારો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, હવે નહીં ભરવું પડે રિટર્ન
નાણાં મંત્રાલયે નાના વેપારીઓને GSTR-9 ફોર્મ ભરવામાંથી આપી મુક્તી
રૂ.2 કરોડ સુધીનો કારોબાર કરનારાઓએ હવે આ ફોર્મ ભરવાની જરૂર નહીં
નવી દિલ્હી, તા.17 નવેમ્બર-2023, રવિવાર
કેન્દ્ર સરકારે નાના દુકાનદારોને મોટી રાહત આપી છે. નાણા મંત્રાલયે GST Return ભરનારા નાના વેપારીઓઓને જીએસટીઆર-9 ફાઈલ (GSTR-9) કરવામાંથી મુક્તી આપી છે. 2 કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરનાર નાના વેપારીઓએ આ ફોર્મ ફાઈલ કરવું પડે છે, જેમાં તેમણે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું પડતું હતું.. હવે નાના વેપારીઓને આ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળી ગઈ છે.
ટ્વિટ કરીને આપી માહિતી
નાણા મંત્રાલયે (Ministry of Finance) પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં 5 વર્ષમાં 65 ટકા વધી ગઈ છે. એપ્રિલ-2023 સુધીમાં જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા 1.13 કરોડે પહોંચી છે. જીએસટી હેઠળ રજીસ્ટર્ડ થયેલા કરદાતા (GST Registered Taxpayer)ઓની સંખ્યા હવે 1.40 કરોડ પર પહોંચી ગઈ છે, જે એપ્રિલ 2018માં 1.06 કરોડ હતા.
90% કરદાતાઓ ભરી રહ્યા છે રિટર્ન
નાણા મંત્રાલયે જણાવ્યું કે, જીએસટી નિયમો અને પ્રક્રિયા બનાવવાના કારણે લોકોમાં રિટર્ન ફાઈલ કરવાનો ઉત્સાહ વધ્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ફાઈલિંગ મહિનાના અંત સુધીમાં 90 ટકા પાત્ર કરદાતાઓ જીએસટીઆર-3બી રિટર્ન (GSTR-3B Return) ભરી રહ્યા છે. જીએસટી લાગુ કરાયા પહેલા વર્ષ 2017-18માં આ આંકડો 68 ટકા હતો. તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સિતારામને (Nirmala Sitharaman) લોકસભા (Parliament)માં ડેટા જાહેર કરવાની સાથે ખુશી વ્યક્ત કરી હતી.
જીએસટી કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને પાર
એક જુલાઈ 2017માં જીએસટીનો અમલ શરૂ કરાયો હતો. આમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ કરાયો હતો. જીએસટીઆર-3બી ફાઈનલ કરનારા કરદાતાઓની સંખ્યા એપ્રિલ-2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ-2023 સુધીમાં 1.13 કરોડ પર પહોંચી ગઈ છે. નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન (November GST Collection) 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડને પાર ગયું હોય, તેવું છઠ્ઠી વાર બન્યું છે.