હવે GST અધિકારીઓ મંજૂરી વિના મોટી કંપનીઓની તપાસ નહીં કરી શકે, CBICની નવી ગાઈડલાઈન
CBIC New Guidelines : કેન્દ્ર સરકારના પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (CBIC) વિભાગ દ્વારા મોટા ઉદ્યોગો અને મોટી બહુરાષ્ટ્રીય કંપનીના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સીબીઆઈસીએ કેન્દ્રીય જીએસટી (CGST) માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, તેમાં જણાવાયું છે કે, હવે જીએસટીના પ્રાદેશિક અધિકારીઓએ આવા ઉદ્યોગ કે કંપનીઓમાં તપાસ શરૂ કરતા પહેલા અને પ્રથમવાર માલ/સેવા પરની ડ્યૂટી લાદતા પહેલા રાજ્યના પ્રિન્સિપલ કમિશનરોની મંજૂરી લેવી પડશે.
માર્ગદર્શિકાની મહત્વની બાબતો
- માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ જ્યારે જીએસટી અને DGGI અધિકારી એક કરદાતાની તપાસ કરી રહ્યા હોય, ત્યારે પ્રાદેશિક અધિકારી એ સંભાવના પર વિચાર કરશે કે, સંબંધિત તમામ કેસોને એક કાર્યાલય દ્વારા આગળ વધારવામાં આવે.
- આ ઉપરાંત ટેક્સ અધિકારી દ્વારા એક વર્ષમાં તપાસ પૂરી કરી દેવાની પણ સમયમર્યાદા નિર્ધારિત કરાઈ છે.
- જો સીજીએસટી અધિકારીઓએ કોઈ લિસ્ટેડ કંપનીઓ અથવા પીએસયુ કેસમાં તપાસ કરવા અથવા તેમની પાસેથી વિગતો માંગવી હોય તો તેઓએ કેસ સંબંધિત એકમના નિયુક્ત અધિકારીઓને સમન્સ મોકલતા પહેલા સત્તાવાર પરિપત્ર જાહેર કરવો જોઈએ.
- પત્રમાં તપાસના કારણો વિગત આપવી જોઈએ અને નિર્ધારિત સમયની અંદર પુરાવા રજૂ કરવાની માંગ કરવી જોઈએ.
- અધિકારીઓએ જે માહિતી પહેલેથી જ જીએસટી પોર્ટલ પર ઉપલબ્ધ છે, તેવી માહિતી કરદાતાઓ પાસેથી ન માંગવી જોઈએ.
- અધિકારીઓએ પ્રિન્સિપલ કમિશનરોની મંજૂરી બાદ જ તમામ તપાસ શરૂ કરવી જોઈએ.