Get The App

GST કરચોરીની સંખ્યામાં સતત વધારો, વર્તમાન નાણાંકીય વર્ષમાં 1.36 ટ્રિલિયનની કરચોરીમાંથી રૂ.14,108 કરોડ વસૂલાયા

જીએસટી મારફતની આવકમાં વધારાની સાથોસાથ કરચારીનો કિસ્સા પણ વધ્યા

2022-23માં કુલ રૂ.1.01 ટ્રિલિયનની કરચોરી પકડી પડાઈ હતી જેમાંથી રૂપિયા 21000 કરોડ વસૂલાયા હતા

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
GST કરચોરીની સંખ્યામાં સતત વધારો, વર્તમાન નાણાંકીય વર્ષમાં 1.36 ટ્રિલિયનની કરચોરીમાંથી રૂ.14,108 કરોડ વસૂલાયા 1 - image

નવી દિલ્હી, તા.13 નવેમ્બર-2023, સોમવાર

દેશમાં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (GST)ના અમલ બાદ જીએસટીની કરચોરીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. થયેલી કરચોરીમાંથી વર્તમાન નાણાં વર્ષમાં રૂપિયા 50,000 કરોડની વસૂલી થવા સરકાર અપેક્ષા રાખે છે. જે નાનો આંક ન કહી શકાય. ગયા નાણાં વર્ષની સરખામણીએ આ આંક બમણાથી વધુ છે એટલું જ નહીં કોઈ એક વર્ષમાં અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી હશે એમ પ્રાપ્ત માહિતી પરથી કહી શકાય એમ છે. વર્તમાન નાણાં વર્ષમાં જીએસટી સત્તાવાળાએ રૂપિયા 1.36 ટ્રિલિયનની કરચોરી પકડી પાડી છે. આમાંથી રૂપિયા 14108 કરોડ વસૂલી લેવાયા છે. જીએસટી મારફતની આવકમાં વધારાની સાથોસાથ કરચોરીના કિસ્સા પણ વધી રહ્યા છે. 2022-23માં કુલ રૂપિયા 1.01 ટ્રિલિયનની કરચોરી પકડી પડાઈ હતી જેમાંથી રૂપિયા 21000 કરોડ વસૂલાયા હતા.

ચાર વર્ષમાં 6000થી વધુ બનાવટી કેસ પકડાયા

જુલાઈ 2017થી ફેબ્રુઆરી 2023ના ગાળામાં કુલ રૂપિયા 3.08 ટ્રિલિયનની કરચોરી પકડી પડાઈ છે, જેમાંથી રૂપિયા 1.03 ટ્રિલિયન વસૂલાયા છે. એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2023 દરમિયાન ઈનપુટ ટેકસ ક્રેડિટના 6000થી વધુ બનાવટી કેસ પકડાયા હતા. ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ જે દેશમાં જીએસટીની ચોરી પકડી પાડવા માટેની મુખ્ય એજન્સી છે તેણે ઈનપુટ ટેક્સ ક્રેડિટના ખોટા દાવા સામે ખાસ ઝૂંબેશ છેડી છે, તેને કારણે પણ મોટી માત્રામાં કરચોરી પકડાઈ રહી છે.

ઓકટોબરમાં GST આવક વાર્ષિક ધોરણે 13% વધી રૂ.1.72 લાખ કરોડે પહોંચી

પ્રારંભમાં કેટલીક અડચણો બાદ દેશમાં જીએસટી પદ્ધતિ ધીમી ગતિએ સ્થિર અને સરળ થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. જીએસટીએ દેશની વર્ષો જુની આડકતરા વેરા પદ્ધતિનું સ્થાન લીધું છે અને તે આડકતરા વેરા મારફતની સરકારની આવકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જે જીએસટી પદ્ધતિ સફળ રહી હોવાનું કહી શકાય એમ છે. તાજેતરના મહિનાઓની જીએસટી વસૂલીનો આંક સરેરાશ રૂપિયા દોઢ લાખ કરોડથી વધુ રહ્યો છે. જીએસટી મારફતની આવકમાં વધારા સાથે કરચોરીમાં પણ વધારો થઈ રહ્યો છે જે જીએસટીનું નકારાત્મક પાસુ બની રહ્યું છે. ઓકટોબરમાં જીએસટી મારફતની આવક વાર્ષિક ધોરણે 13 ટકા વધી રૂપિયા 1.72 લાખ કરોડ રહી છે.


Google NewsGoogle News