બજેટ પહેલા મોટી જાહેરાત: આ વસ્તુઓ પર GSTમાં મળી રાહત, લેવાયા મોટા નિર્ણય
53rd GST Council Meeting: લોકસભા ચૂંટણી બાદ મોદી સરકાર 3.0ની આજે પહેલી GST કાઉન્સિલની મીટિંગ કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ આ બેઠકમાં અનેક રાજ્યોના નાણાં મંત્રી સામેલ થયા હતા. GST કાઉન્સિલની 53મી મીટિંગમાં કેટલાય મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.
બેઠક બાદ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરેલ મોટી જાહેરાતો:
- GST એક્ટના સેક્શન 37 હેઠળ જાહેર ડિમાન્ડ નોટિસમાં પેનલ્ટી અને વ્યાજને ખતમ કરવામાં આવ્યું
- FY 2017-18, 2018-19, 2019-20 દરમિયાન છેતરપિંડી સાથે જોડાયેલ કેસમાં વ્યાજ માફ કરવામાં આવ્યું. જોકે ડિમાન્ડ અમાઉન્ટ તો ભરવી જ પડશે.
- સરકાર કેસ ઓછા કરવા માટે મોનિટરી લિમિટ રાખવાની ભલામણ કરાઇ
- GST અપિલેટ ટ્રિબ્યુનલ માટે 20 લાખ રૂપિયાની મોનિટરી લિમિટ રાખવાની ભલામણ
- નાના ટેક્સપેયર્સ માટે: GSTR4 દાખલ કરવાની સમય સીમા 30 એપ્રિલથી વધારીને 30 જૂન કરવાની ભલામણ, FY2024-25થી થશે લાગુ
- GSTR1A ફૉર્મને સામેલ કરવાથી ટેક્સપેયર્સને GSTR1માં જાહેર અથવા જાહેર ન કરેલ રાશિમાં સંશોધન કરવાની પરમીશન મળશે
કઈ વસ્તુઓ પર કેટલું GST?
- દૂધના ડબ્બા પર 12 ટકા એક સમાન GST રેટની ભલામણ, ભલે પછી તે ગમે તે મટિરિયલમાંથી બન્યા હોય
- કાગળના બોક્સ પર 12 ટકા GSTની ભલામણ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના સફરજન ઉત્પાદકોને મળશે લાભ
- ફાયર વોટર સ્પ્રિંક્લર સહિત તમામ પ્રકારના સ્પ્રિંક્લર પર 12 ટકા GSTની ભલામણ
- તમામ પ્રકારના સોલાર કુકર પર 12 ટકા GSTની ભલામણ
GST છૂટમાં કઈ કઈ વસ્તુઓ સામેલ?
- પ્લેટફૉર્મ ટિકિટનું વેચાણ, ક્લોક રૂમ સેવાઓ, વેટિંગ રૂમ સેવા પર GSTમાં છૂટ આપવામાં આવશે
- ઈન્ટ્રા રેલવે સપ્લાય પર પણ GSTમાં છૂટની ભલામણ
- જો કોઈ હોસ્ટેલ શૈક્ષણિક સંસ્થાની અંદર આવેલ હોય તો તેના માધ્યમથી અપાતી સેવામાં વર્તમાનમાં છૂટ આપવામાં આવે છે, સરકારે હવે શૈક્ષણિક સંસ્થાની બહાર આવેલ હોસ્ટલને પણ ટેક્સમાંથી છૂટ આપી દીધી છે. જોકે આ રાહત માત્ર 20 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ આવક હોવા પર જ મળશે.
ટેક્સપેયર્સને કારણ વગર નોટિસ નહીં: નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું, કે 'અમારો ઉદ્દેશ્ય GST ટેક્સપેયર્સની જિંદગી વધુને વધુ સરળ બનાવવા પર છે. ટેક્સપેયર્સને ક્યાંયથી પણ કારણ વગર નોટિસ આપવામાં આવતી નથી.'
ઓનલાઈન ગેમિંગ પર કોઈ ચર્ચા નહીં
ખાસ વાત એ છે કે GST કાઉન્સિલની આ 53મી મીટિંગમાં ઓનલાઈન ગેમિંગ પર GST મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આ વિષયને મીટિંગના એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો નહોતો.