ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન વધીને રૂ. 1.77 લાખ કરોડે પહોંચ્યું, વાર્ષિક ધોરણે 7.3%નો જંગી વધારો
GST Collection: જીએસટી કલેક્શનથી સરકારી તિજોરી સતત છલકાઈ રહી છે. જીએસટી કલેક્શન ડિસેમ્બર 2024માં 7.3 ટકા વધીને રૂ. 1.77 લાખ કરોડ નોંધાયુંં છે. આ આંકડો ગયા વર્ષે આ જ ગાળામાં રૂ. 1.65 લાખ કરોડ હતો. છેલ્લા 10 મહિનાથી જીએસટી કલેક્શન રૂ. 1.70 લાખ કરોડથી વધુ નોંધાઈ રહ્યું છે, જે એપ્રિલ 2024માં રેકોર્ડ રૂ. 2.1 લાખ કરોડ હતું. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ જીએસટી કલેક્શન રૂ. 1.77 લાખ કરોડ નોંધાયું હતું, જે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 8.3 ટકા વધ્યું છે.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે નવા વર્ષમાં સરકારની લ્હાણી, ફર્ટિલાઈઝર કંપનીઓને પણ આપી નાણાકીય સહાય
જીએસટી આવકથી સરકારની તિજોરી છલકાઈ
જીએસટી કલેક્શન અર્થતંત્રને વેગ મળ્યાનો સંકેત આપે છે. જો કે, વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.7 ટકાથી ઘટી 5.4 ટકા નોંધાયો હતો, જે છેલ્લા સાત ત્રિમાસિકમાં સૌથી નીચો છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25માં દેશનો જીડીપી ગ્રોથ 6.6 ટકાના દરે વધવાનો સંકેત આપ્યો છે.
જીએસટી કલેક્શન માસિક ધોરણે ઘટ્યું
અર્થશાસ્ત્રીઓએ માસિક જીએસટી કલેક્શનમાં ઘટાડો નોંધાવા પાછળનું કારણ રજાઓનો માહોલ ગણાવ્યો છે. રજાઓના કારણે ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો થતાં માસિક ધોરણે જીએસટી ઘટ્યો છે. અગાઉ નવેમ્બર 2024માં જીએસટી કલેક્શન 1.82 લાખ કરોડ અને ઓક્ટોબરમાં 1.87 લાખ કરોડ નોંધાયું હતું. જો કે, વાર્ષિક ધોરણે તો જીએસટી કલેક્શનમાં વધારો જ થયો છે.