ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને રૂ. 1.72 લાખ કરોડ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને રૂ. 1.72 લાખ કરોડ 1 - image


- અત્યાર સુધીનું બીજી સૌથી મોટું જીએસટી કલેક્શન

- જીએસટી કલેક્શન સપ્ટેમ્બર, 2023માં રૂ. 1.63 લાખ કરોડ, ઓક્ટોબર, 2022માં 1.55 લાખ કરોડ હતું

- અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ એપ્રિલ, 2023માં હતું  

નવી દિલ્હી : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેકશન ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ૧૩ ટકા વધીને ૧.૭૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ કલેકશન અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેકશન છે. તહેવારોની સિઝન અને કરચોરી પકડવા માટે સરકારે લીધેલા પગલાને કારણે જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જોવા મળી છે.

નાણા મંત્રાલયે જારી કરેલા નિવેદન અનુસાર ઓક્ટોબર, ૨૦૨૩માં જીએસટી કલેકશન ૧.૭૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું જીએસટી કલેક્શન છે. અત્યાર સુધીનું સૌથી મોટું જીએસટી કલેક્શન ૧.૮૭ લાખ કરોડ એપ્રિલ, ૨૦૨૩માં નોંધવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે ઓક્ટોબર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૫૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સરેરાશ માસિક જીએસટી કલેક્શન ૧.૬૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૧૧ ટકા વધારે છે. 

ઓક્ટોબર, ૨૦૨૩માં કુલ જીએસટી કલેકશન ૧,૭૨,૦૦૩ કરોડ રૂપિયા રહ્યું છે. જેમાંથી ૩૦,૦૬૨ કરોડ રૂપિયા સેન્ટ્રલ જીએસટી, ૩૮,૧૭૧ કરોડ રૂપિયા સ્ટેટ જીએસટી અને ૯૧,૩૧૫ કરોડ રૂપિયા ઇન્ટેગ્રેટેડ જીએસટી અને ૧૨,૪૫૬ કરોડ રૂપિયા સેસ રહ્યુું છે.

૯૧૩૧૫ કરોડ રૂપિયા ઇન્ટેગ્રેટેડ જીએસટીમાં ૪૨,૧૨૭ કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર વસૂલ કરવામાં આવ્યા છે. ૧૨,૪૫૬ કરોડ રૂપિયાના સેસમાં ૧૨૯૪ કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર વસૂલ કરવામાં આવ્યા છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જીએસટી વિભાગની નોટીસો, કરચોરી અંકુશ અભિયાન અને ડીજીજીએસટીની તપાસ તથા તહેવારોની સિઝનને પગલે જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી છે.


Google NewsGoogle News