Get The App

ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 12.5 ટકા વધીને રૂ. 1.68 લાખ કરોડ

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 12.5 ટકા વધીને રૂ. 1.68 લાખ કરોડ 1 - image


- અત્યાર સુધીનું ચોથું સૌથી મોટું જીએસટી કલેક્શન

- ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીનું સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.67 લાખ કરોડ જે ગયા વર્ષે રૂ.1.50 લાખ કરોડ હતું

- 2023-24માં અત્યાર સુધીનું કુલ જીએસટી કલેક્શન રૂ. 18.40 લાખ કરોડ 

નવી દિલ્હી : ફેબ્રુઆરી, ૨૦૨૪માં ડોમેસ્ટિક વેચાણ અને આયાત વધવાને કારણે જીએસટી કલેક્શન વાર્ષિક ૧૨.૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે અત્યાર સુધીનું ચોથું સૌથી વધારે કલેક્શન છે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૮૭ લાખ કરોડ રૂપિયા નોંધવામાં આવ્યું હતું જે અત્યાર સુધીનું સૌથી વધારે છે. ત્યારબાદ જાન્યુઆરી, ૨૦૨૪માં ૧.૭૩ લાખ કરોડ રૂપિયા અને  ઓક્ટોબર, ૨૦૨૩માં ૧.૭૨ લાખ કરોડ રૂપિયાનું જીએટી કલેક્શન રહ્યું હતું.આ સાથે જ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી એટલે કે એપ્રિલ, ૨૦૨૩ થી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીના ગાળામાં કુલ જીએસટી કલેક્શન ૧૮.૪૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૧.૭ ટકા વધારે છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી, ૨૦૨૪માં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની કુલ આવક ૧,૬૮,૩૩૭ કરોડ રૂપિયા રહી છે. જે ફેબ્રુઆરી, ૨૦૨૩ કરતા ૧૨.૫ ટકા વધારે છે. ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશનમાંથી જીએસટીની આવકમાં ૧૩.૯ ટકા અને વસ્તુઓની આયાતમાંથી જીએસટીની આવકમાં ૮.૫ ટકાની વૃદ્ધિ થઇ છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીનું સરેરાશ માસિક કલેક્શન ૧.૬૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં જીએસટીનું સરેરાશ માસિક કલેક્શન ૧.૫૦ લાખ કરોડ રૂપિયા હતું.

ફેબ્રુઆરી, ૨૦૨૪ના ૧,૬૮,૩૩૭ કરોડ રૂપિયાના જીએસટી કલેક્શનમાં ૩૧૭૮૫ કરોડ રૂપિયાના સેન્ટ્રલ જીએસટી ,૩૯૬૧૫ કરોડ રૂપિયાના  સ્ટેટ જીએસટી ,  ૮૪૦૯૮ કરોડ રૂપિયાના ઇન્ટેગ્રેટેડ જીએસટી તથા ૧૨૮૩૯ કરોડ રૂપિયાના સેસનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News