જૂન, 2024માં જીએસટી કલેક્શન 8 ટકા વધીને રૂ. 1.74 લાખ કરોડ
- જૂન, 2023માં જીએસટી કલેક્શન રૂ. ૧.૬૧ લાખ કરોડ હતું
- ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી (એપ્રિલ-જૂન)માં કુલ જીએસટી કલેક્શન 5.57 લાખ કરોડ રૂપિયા
- 1.74 લાખ કરોડના કુલ જીએસટી કલેક્શનમાં ઇન્ટેગ્રેટેડ જીએસટી 39,586 કરોડ અને સ્ટેટ જીએસટી 33,548 કરોડ
નવી દિલ્હી : જૂન, ૨૦૨૪માં કુલ જીએસટી કલેક્શન આઠ ટકા વધીને ૧.૭૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે તેમ સૂત્રોએ આજે જણાવ્યું હતું. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે જીએસટી કલેક્શનના સત્તાવાર આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-જૂન)માં અત્યાર સુધી કુલ જીએસટી કલેક્શન ૫.૫૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મે, ૨૦૨૪માં જીએસટી કલેક્શન ૧.૭૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જૂન, ૨૦૨૪નું જીએસટી કલેક્શન જૂન, ૨૦૨૩ કરતાં ૮ ટકા વધારે છે. જૂન, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
જૂન, ૨૦૨૪ના ૧.૭૪ લાખ કરોડ રૂપિયાના કુલ જીએસટી કલેક્શનમાં ઇન્ટેગ્રેટેડ જીએસટી ૩૯,૫૮૬ કરોડ રૂપિયા અને સ્ટેટ જીએસટી ૩૩,૫૪૮ કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ, ૨૦૨૪માં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ ૨.૧૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે જણાવ્યું છે કે તે હવે જીએસટી કલેક્શન અંગે કોઇ સત્તાવાર આંકડા જાહેર કરશે નહીં.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જૂન, ૨૦૨૪ના જીએસટી કલેક્શનના આંકડા મજબૂત અર્થતંત્રમાં તેજી દર્શાવે છે. જીએસટીમાં વૃદ્ધિ માટે ટેક્સ વિભાગની સાથે વ્યવસાય જગતની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કલેકશનમાં ઉલ્લેખનીય વૃદ્ધિથી જીએસટી સુધારાઓને આગળ વધારવાની આશા છે.