GSTએ ઈતિહાસ રચી અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા, પહેલીવાર કલેક્શન રૂપિયા 2 લાખ કરોડને પાર

Updated: May 1st, 2024


Google NewsGoogle News
GSTએ ઈતિહાસ રચી અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા, પહેલીવાર કલેક્શન રૂપિયા 2 લાખ કરોડને પાર 1 - image


GST Collection In April: ભારતનું ગ્રોસ જીએસટી કલેક્શન એપ્રિલ, 2024માં રૂ. 2.1 લાખ કરોડ સાથે રેકોર્ડ ટોચે નોંધાયું છે. જે વાર્ષિક ધોરણે 12.4 ટકા ગ્રોથ દર્શાવે છે. સ્થાનિક ટ્રાન્જેક્શનમાં 13.4 ટકા, આયાતોમાં 8.3 ટકાના મજબૂત ગ્રોથ સાથે જીએસટી કલેક્શન ઐતિહાસિક ટોચે નોંધાયું હોવાનું નાણા મંત્રાલયે જણાવ્યું છે. અગાઉ ગતવર્ષે સમાનગાળામાં 1.87 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું.

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, ગુજરાતમાં માર્ચ-24 દરમિયાન રૂ. 13301 કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું. જે અગાઉના વર્ષની તુલનાએ 13 ટકા (11721 કરોડ) વધ્યું છે. 

રિફંડને બાદ કરતાં નેટ જીએસટી રેવેન્યુ વધી

રિફંડની ગણતરી કર્યા બાદ નેટ જીએસટી રેવેન્યુ એપ્રિલ, 2024માં રૂ. 1.92 લાખ કરોડ નોંધાઈ છે. જે ગતવર્ષની તુલનાએ 17.1 ટકા વધી છે. જેમાં રૂ. 43846 કરોડનું સેન્ટ્રલ જીએસટી, રૂ. 53538 કરોડનું સ્ટેટ જીએસટી તથા રૂ. 99623 કરોડનું આઈજીએસટી તથા રૂ. 13260 કરોડનું સેસ સામેલ છે.

કેન્દ્ર સરકારે સેન્ટ્રલ જીએસટી માટે રૂ. 50307 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી પાસેથી રૂ. 41600 કરોડના સેટલમેન્ટ કર્યા બાદ સેન્ટ્રલ જીએસટી બદલ રૂ. 94153 કરોડ, સ્ટેટ જીએસટી બદલ રૂ. 95138 કરોડની આવક નોંધાઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ખાતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, જીએસટી કલેક્શન 2 લાખ કરોડની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું છે.

દેશમાં ટેક્સ સુધારણા તરીકે જીએસટી 1 જુલાઈ, 2017ના રોજ લાગુ થયુ હતું. કોવિડ મહામારી બાદ 2020-21થી જીએસટી કલેક્શન સતત વધ્યું છે. 2022-23માં એવરેજ 1.51 લાખ કરોડ કલેક્શન નોંધાયું હતું.

  GSTએ ઈતિહાસ રચી અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા, પહેલીવાર કલેક્શન રૂપિયા 2 લાખ કરોડને પાર 2 - image


Google NewsGoogle News