ગ્રે-માર્કેટ હવે સત્તાવાર બનશે : IPOમાં પ્રી-લિસ્ટિંગ ટ્રેડિંગ કરવા સેબીની તૈયારી
- ફોર્મના સોદા કરી શેરોમાં ખાનગીમાં થતાં તોફાનને અંકુશમાં લેવા ઘડાયેલો તખ્તો
મુંબઈ : મૂડી બજારમાં પ્રાઈમરી માર્કેટમાં અનેક કંપનીઓના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવીને આ આઈપીઓ પૂર્વે થતાં ગ્રે માર્કેટમાં ફોર્મના અને ઊંચા પ્રીમિયમ બોલાવીને ખાનગીમાં સોદા કરી મચાવાતા તોફાનની પ્રવૃતિને અંકુશમાં લેવા મૂડી બજાર નિયામક તંત્ર સેબી તૈયારીમાં છે. સેબી ગ્રે માર્કેટની પ્રવૃતિને અંકુશમાં લેવા આઈપીઓમાં શેરો ફાળવવામાં આવે કે તરત જ કોઈ રોકાણકાર શેર વેચી શકે તેવી સિસ્ટમ શરૂ કરવા વિચારી રહ્યું હોવાનું સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે જણાવ્યું હતું.
સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સને આજે અહીં જણાવ્યું હતું કે, ટોચની બે પ્રોક્સી સલાહકાર કંપનીઓ એક પોર્ટલ શરૂ કરવાની તૈયારીમાં છે, જે રિલેટેડ પાર્ટીના વ્યવહારો-સોદાની રિપોઝિટરી હશે અને કોઈપણ હિસ્સેદાર માટે કંપનીમાં ગવર્નન્સ-શિસ્તના ધોરણોને નક્કી કરવામાં ઉપયોગી બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના ભૂતકાળમાં ઘણા આઈપીઓમાં ખૂબ જ ઊંચા સબસ્ક્રિપ્શન-ભરણું છલકાવવાના કિસ્સા જોવા મળ્યા છે, અને ઘણા ઈસ્યુઓમાં લિસ્ટિંગ દિવસનો મોટો ફાયદો પણ મેળવ્યો છે. જેના પરિણામે ફાળવવામાં આવેલા શેરો સંબંધિત ગ્રે માર્કેટ પ્રવૃતિમાં મોટાપ્રમાણમાં વધારો થયો છે.
ઈન્વેસ્ટમેન્ટ બેંકરમાંથી મૂડી બજાર નિયામક બનેલા માધવી પુરી બુચે એ યાદ અપાવ્યું હતું કે, તેમના બેંકિંગના દિવસો દરમિયાન આ ગ્રે માર્કેટ પ્રવૃતિને ખાનગીનો વેપાર કહેવામાં આવતું હતું. અમને લાગે છે કે જો કોઈપણ રીતે રોકાણકારો તે કરવા માંગતા હોય તો શા માટે તેમને યોગ્ય નિયંત્રિત રીતે તે તક ન આપવી ? બુચે અહીં એસોસીયેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ ઓફ ઈન્ડિયા (એઆઈબીઆઈ)ના એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું.
આ વિશે તેમણે વધુ કહ્યું હતું કે, વિચાર એ છે કે, ગ્રે માર્કેટ જે પણ ચાલી રહ્યું છે, પ્રી-લિસ્ટિંગ, સેબીને લાગે છે કે, તે યોગ્ય નથી. જો રોકાણકારને શેરોનું એલોટમેન્ટ મળ્યું હોત અને એ તેમના હક્ક વેચવા માંગતા હોય તો તેમને ઓર્ગેનાઈઝ્ડ-સંગઠિત બજારમાં વેચવા જોઈએ. આ સાથે તેમણે ફાળવણી અને લિસ્ટિંગ વચ્ચેના ત્રણ દિવસ દરમિયાન શેરનું ટ્રેડિંગ થઈ શકે તેવી જ્યારે 'લિસ્ટેડ થાય ત્યારે' સુવિધા સ્થાપિત કરવા માટે બે શેર બજારો સાથે ચર્ચા ચાલી રહી છે.
જેવી શેરોની ફાળવણી પૂરી થાય કે તરત જ તે હિસ્સાનો હક સ્પષ્ટ થઈ જાય છે, તો પછી તે વ્યક્તિને તે હક વેચવાનો અધિકાર હોવો જોઈએ એમ તેમણે કહ્યું હતું.રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેકશન (આરપીટી) પોર્ટલ શરૂ કરવાની પ્રોક્સી સલાહકારોની યોજના અંગે સેબીના અધ્યક્ષે કહ્યું હતું કે, અત્યારે બે મોટી કંપનીઓ આ સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે.