તુવેર-અડદ દાળની વધતી જતી કિંમતો અટકાવવા કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય, આયાતની મુદ્દત લંબાવી
કેન્દ્ર સરકારે ડ્યુટી ફ્રી તુવેર-અડદ દાળ આયાત કરવાનીની મુદ્દત 31 માર્ચ-2025 સુધી લંબાવી
એક વર્ષમાં તુવેરની દાળની કિંમત 37% વધી : આયાત મુદ્દત-સ્ટોક લિમિટ ઘટાડવા છતાં કિંમતોમાં વધારો યથાવત્
નવી દિલ્હી, તા.28 નવેમ્બર-2023, ગુરુવાર
Pulses Price Hike : હાલ દેશમાં તુવેર અને અડદની દાળના ભાવો આસામાને છે, ત્યારે ભાવને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકારે ડ્યુટી ફ્રી તુવેર-અડદની આયાતની મુદ્દત એક વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય પ્રજાને ભાવમાં રાહત મળે તેમજ વધતા ભાવો પણ અંકુશમાં આવે તે હેતુથી કેન્દ્ર સરકારે તુવેર અને અડદ દાળની આયાતની મુદ્દત આગામી 31 માર્ચ-2025 સુધી લંબાવી દીધી છે, જે માટે વાણિજ્ય મંત્રાલય હેઠળના ડીજીએફટીએ આજે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
અગાઉ ડ્યુટી ફ્રી તુવેર અને અડદની દાળ આયાત કરવાનો સમયગાળો 31 માર્ચ-2024 સુધી હતો. જોકે સરકારે નોટિફિકેશન જાહેર કરી આ સમયગાળો વધુ એક વર્ષ લંબાવી દીધો છે.
તુવેર દાળની કિંમતમાં એક વર્ષમાં 37 ટકાનો વધારો
છેલ્લા એક વર્ષની અંદર તુવેર દાળની કિંમતોની વાત કરી તો, 28 ડિસેમ્બર-2022ના રોજ તુવેર દાળની સરેરાશ કિંમત પ્રતિકિલો 111.5 રૂપિયા હતી, જે આજે એટલે કે 28 ડિસેમ્બર-2023ના વધીને 152.38 રૂપિયાએ પહોંચી ગઈ છે. એટલે કે એક વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તુવેર દાળની કિંમત પ્રતિકિલો 107.33 રૂપિયા હતી, જે હવે 122.46 રૂપિયા કિલો મળી રહી છે.
સરકારના તમામ પ્રયાસ છતાં કિંમતોમાં ધરખમ વધારો
વધતી જતી દાળની કિંમતો પર અંકુશ મુકવા તેમજ પ્રજાને રાહત આપવા અગાઉ સરકારે ઘણા નિર્ણયો લીધા હતા. કેન્દ્ર સરકારે અગાઉથી જ સ્ટોક લિમિટ ઘટાડવા, આયાતનો સમયગાળો વધારવા સહિતનો નિર્ણય લઈ ચુકી છે. ઉપરાંત દાળની સંગ્રહખોરી અટકાવવા તેમજ લોકોને યોગ્યભાવે દાળ મળી રહે તે માટે તમામ પગલાઓ ભર્યા છે, તેમ છતાં દાળની કિંમતમાં વધારો થવાનું યથાવત્ છે.