Get The App

બેંક ખાતાધારકોને મોટી રાહત આપવાની તૈયારીમાં સરકાર! ડુબેલી બેંકોમાં ફસાયેલા નાણાં અંગે લાવશે નવો નિયમ

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
બેંક ખાતાધારકોને મોટી રાહત આપવાની તૈયારીમાં સરકાર! ડુબેલી બેંકોમાં ફસાયેલા નાણાં અંગે લાવશે નવો નિયમ 1 - image


Bank Depositor's Deposit Insurance Limit : મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત ખાતે પણ શાખાઓ ધરાવતી મૂળ મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર તાજેતરમાં જ રિઝર્વ બેન્કે  સેવિંગ્ઝ તથા કરંટ ખાતાં કે ડિપોઝિટ ખાતાંમાંથી પણ કોઈ પણ પ્રકારની રકમ ચૂકવવા પર નિયંત્રણો લાદી દેતાં બેન્કનાં લાખો ગ્રાહકો ભારે સંકટમાં મૂકાઈ ગયાં છે. જોકે આ ઘટના બાદ ખાતાધારકોના પૈસા ન ડુબે તે માટે કેન્દ્ર સરકાર બેન્કોમાં ખાતેદારોની થાપણ સામેના વીમા કવચની મર્યાદા વધારી શકે છે.

ખાતેદારોની થાપણની વીમા કવચની મર્યાદા વધારવાની વિચારણા

વાસ્તવમાં ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કમાં કથિત કૌભાંડ સામે આવ્યા બાદ નાણાકીય સેવા વિભાગના સચિવ એમ.નાગરાજૂએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં કહ્યું કે, ‘બેન્કોમાં ખાતેદારોની થાપણ સામેના વીમા કવચની મર્યાદા વધારવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે. આ મુદ્દે સરકાર એક વખત નિર્ણય કરશે ત્યારબાદ નાણાં મંત્રાલય તે મતલબનું નોટિફિકેશન જાહેર કરશે.’ જોકે આ દરખાસ્ત પર કયારે નિર્ણય લેવાશે તેની કોઈ સમયમર્યાદા નિશ્ચિત કરાઈ નથી, તેમ પણ તેમણે જણાવ્યું છે.

RBI બેંકો પર પ્રતિબંધો કેમ લાદે છે?

ભારતમાં બેંકિંગ સિસ્ટમને મજબૂત અને સુરક્ષિત રાખવાની જવાબદારી ભારતીય રિઝર્વ  બેંકની છે, પરંતુ જ્યારે કોઈ બેંક તેના ગ્રાહકોની થાપણો પરત કરવામાં અસમર્થ હોય અથવા તે બેંકનું નાણાકીય સંકટ એટલું ગંભીર બની જાય કે તે સામાન્ય રીતે તેનું કામકાજ ચાલુ રાખી શકતી નથી, ત્યારે આવી સ્થિતિમાં RBI બેંકો પર પ્રતિબંધો લાદે છે. આના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ખરાબ ક્રેડિટ મેનેજમેન્ટ, રોકડની તંગી, નાણાકીય અનિયમિતતાઓ અથવા મેક્રોઇકોનોમિક મંદી. આવી સ્થિતિમાં, RBI બેંક પર નિયંત્રણો લાદી શકે છે, તેનું પુનર્ગઠન કરી શકે છે અથવા તેને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય પણ લઈ શકે છે.

આ પણ વાંચો : દ્વિપક્ષીય બેઠક માટે ભારત પહોંચ્યા કતારના અમીર, PM મોદીએ એરપોર્ટ પર કર્યું સ્વાગત

ગ્રાહકોના પૈસાનું શું થશે?

ભારતીય રિઝર્વ બેંક હેઠળનું ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) થાપણદારોના નાણાંનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. DICGC દ્વારા પૂરા પાડવામાં આવતા વીમા કવર હેઠળ, દરેક થાપણદારને મહત્તમ 5 લાખ રૂપિયા (મુદ્દલ અને વ્યાજ સહિત)ની ખાતરી આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જો કોઈ બેંક બંધ થઈ જાય, તો થાપણદારોને તેમની થાપણોમાંથી મહત્તમ 5 લાખ રૂપિયા સુધીનું વળતર મળવાની ખાતરી આપવામાં આવે છે, ભલે તેમના ખાતામાં વધુ પૈસા હોય. જો બેંક સંપૂર્ણપણે બંધ થઈ જાય અને તેને લિક્વિડેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે, તો DICGC ના નિયમો અનુસાર 5 લાખ રૂપિયા સુધીની ગેરંટી આપવામાં આવે છે. પરંતુ જો બેંકનું પુનર્ગઠન અથવા મર્જર કરવામાં આવે, તો થાપણદારોને તેમની સંપૂર્ણ થાપણો પાછી મેળવવાની શક્યતા વધી જાય છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે બેંક પતનના કિસ્સામાં, ગ્રાહકની પરિસ્થિતિ RBI અને સરકાર તે બેંક સાથે શું પગલાં લે છે તેના પર નિર્ભર કરે છે.

આ પણ વાંચો : PM મોદી, રાહુલ ગાંધી અને ગૃહમંત્રી શાહની મહત્ત્વની બેઠક, આગામી CEC મુદ્દે થઈ ચર્ચા: જાણો પ્રક્રિયા


Google NewsGoogle News